Homeવેપાર વાણિજ્યવૈશ્ર્વિક પડકારો આર્થિક વૃદ્ધિ ધીમી પાડશે, પરંતુ ભારતીય અર્થતંત્ર પર ઓછી અસર...

વૈશ્ર્વિક પડકારો આર્થિક વૃદ્ધિ ધીમી પાડશે, પરંતુ ભારતીય અર્થતંત્ર પર ઓછી અસર થશે: એચડીએફસી

મુંબઈ: વૈશ્ર્વિક સ્તરના પરિબળો આર્થિક વૃદ્ધિ ધીમી પાડશે, પરંતુ અન્ય મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતીય અર્થતંત્ર પર ઓછી અસર જોવા મળે તેવી શક્યતા એચડીએફસીના ચેરમેન દિપક પારેખે વ્યક્ત કરી છે.
અત્રે એસપી જેઆઈએમઆર ખાતે સેન્ટર ફોર ફેમિલી બિઝનૅસ ઍન્ડ એન્ટરપ્રિન્યોરશીપના પ્રસંગમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં રાજકીય સ્થિરતા ઉપરાંત વેક્સિન અને ખાદ્યાન્નની સલામતી, પ્રબળ સ્થાનિક વપરાશ આધારિત અર્થતંત્ર, ડિજિટલાઈઝેશનના પગલાં તેમ જ નાણાકીય ક્ષેત્રમાં અસરકારક નિયમનકારી યંત્રણાને ધ્યાનમાં લેતાં ભારતીય અર્થતંત્ર પર માઠી અસર ઓછી પડવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત વૈશ્ર્વિક આંચકાઓથી પ્રતિરોધક નથી, પરંતુ તે ઘણી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સ્થિતિસ્થાપક સાબિત થયું છે. તેમ છતાં વૈશ્ર્વિક પડકારોને કારણે દેશની આર્થિક વૃદ્ધિ થોડાઘણાં અંશે મંદ જરૂર પડશે.
વધુમાં સ્ટાર્ટસ અપ માટે તેમણે જણાવ્યું હતું કે ઘણાં રોકાણકારો પાસે હજુ સારા નવીન વિચારો હોવાથી હજુ ઘણું વૅલ્યુએશન્સ વધવાનું શેષ છે. દેશમાં સ્ટાર્ટ અપ માટેના અનુકૂળ વાતાવરણથી ભારતમાં ઉદ્યોગ સાહસિકતાનો વિસ્ફોટ થયો છે અને સ્ટાર્ટ અપમાં અમેરિકા તથા ચીન પછી ભારત ત્રીજો ક્રમાંક ધરાવતો હોવાનું પારેખે ઉમેર્યું હતું.
તાજેતરનાં સમયગાળામાં ભૌગોલિક રાજનીતિએ ભૌગોલિક અર્થતંત્ર પર પ્રભુત્વ મેળવ્યું હોવાથી તેની અસર વેપાર, સર્વિસીસ, ટૅક્નોલૉજી, મૂડીગત્ પ્રવાહો અને શ્રમિકોના સ્થળાંતર પણ પડી રહી છે. આવા સંજોગોમાં દેશો વચ્ચે અવિશ્ર્વાસ છે ત્યારે વૈશ્ર્વિક પુરવઠાચેન, ગ્લોબલ વૉર્મિંગ, સાયબર એટેકના ભય, મની લૉન્ડરિંગ, ડેટાની ગોપનીયતા, એઆઈ (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ)નો જવાબદારીપૂર્વકનો ઉપયોગ જેવાં સામાન્ય મુદ્દાઓ ઉકેલવા માટે વૈશ્ર્વિક સહકારની તાતી આવશ્યકતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે પશ્ર્ચિમના દેશોનો મહત્ત્વનો મુદ્દો એ છે કે ફુગાવાને અંકુશમાં રાખવા માટે વર્ષોથી ચાલી રહેલી હળવી નાણાનીતિથી દૂર થઈને વ્યાજદરમાં તીવ્ર વધારા જેવાં નીતિવિષયક ફેરફારો છે. તેને કારણે લગભગ તમામ વિકસીત અર્થતંત્રોમાં જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થયો છે. જોકે, આપણે નસીબદાર છીએ કે રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધારો ન કરતાં યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.
વધુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશને એવાં શિક્ષણ અને સંશોધકીય સંસ્થાની જરૂર છે જે આજના યુવા વર્ગને માર્ગદર્શન અને ભવિષ્યના વિઝનનો ચિતાર આપે. જો દેશને ખરા અર્થમાં સ્વાવલંબિત કરવો હોય તો એવી ટૅક્નોલૉજી વિકસાવવાની અને તેના પર કામ કરવાની જરૂર છે તે આયાત ઘટાડવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત તેમણે યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્રામીણ અને પછાત વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -