માતા-પિતાનું સપનું પૂરું કરવા સંતાનો ઘણી મહેનત કરતા હોય છે, પરંતુ આ મહેનત ખોટી દિશામાં થાય તો પિતાના સપના તૂટી જાય અને સાથે તેમની શરમજનક હાલત થઈ જાય છે. આવું જ કંઈક બન્યું છે ગુજરાતમાં. અમદાવાદની એક એલએલબી ભણેલી યુવતીએ પિતાનું સપનું પૂરું કરવા નકલી દસ્તાવેજ બનાવ્યા, પીએસઆઈ તરીકે તાલીમ માટે ગઈ ને પકડાઈ ગઈ અને હવે આરોપી બની ગઈ છે.
ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં કંટ્રોલ ઓપરેટરને એક અધિકારીએ જાણ કરી કે એક બહેન PSIની ભરતીમાં પાસ થયા હોવાથી હાજર થવા માટે આવ્યા છે. જેથી કોન્સ્ટેબલે અધિકારીને આ બાબતની જાણ કરી હતી. જેમની પરવાનગીથી મેઈન ગેટ પર આવેલી યુવતીને કંટ્રોલ રૂમમાં બોલવવામાં આવી હતી. જ્યાં તેની પ્રાથમિક પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ અને સરનામું જણાવ્યુ હતું.
યુવતી પાસે પીએસઆઇ ભરતીમાં પાસ થયાના ડોક્યુમેન્ટ માંગતાં યુવતીએ પીએસઆઇ ભરતી બોર્ડનું તેણે ભરેલું ફોર્મ તેમજ હસ્ત લિખિત પત્રો રજૂ કર્યા હતા. જેમાં ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયનાં નામની સહીઓ કરેલી હતી. આ બધા ડોક્યુમેન્ટ પ્રથમ દ્રષ્ટિએ જ ખોટા હોવાનો અંદાજ સંબંધિત અધિકારીને આવી ગયો હતો. જેથી ક્રોસ વેરિફિકેશન કરવાં પીએસઆઇમાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં યુવતીનું નામ હતું નહીં.
વળી, પાસ થયેલા તમામ 289 ઉમેદવારો હાલમાં તાલીમકેન્દ્રમાં હાજર હતા, જેથી કોઇ બાકી નહીં હોવાથી તમામ ડોક્યુમેન્ટ ખોટા હોવાનું પાક્કું થઈ ગયું હતું. આથી યુવતીની ઉપરી અધિકારીઓએ મેરેથોન પૂછતાંછ હાથ ધરતાં તેણે કબુલાત કરેલી કે, પોતે પોલીસમાં નોકરી કરવા રસ ધરાવે છે, પરંતું પરીક્ષા પાસ કરી નહીં હોવાથી જાતે ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આઇપીએસ વિકાસ સહાયની ખોટી સહીઓ હોવાથી ડભોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ડભોડા પોલીસે આઇપીસી કલમો લગાડી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.