હમણાં જ બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટે પોતાની બહેન શાહિન ભટ્ટને કરોડો રૂપિયાના ફ્લેટ ગિફ્ટમાં આપ્યા હતા. એક બહેને બીજી બહેનને આપેલી ગિફ્ટ બાદ હવે લોકો વચ્ચે એવી ચર્ચા એ છે કે શું ખરેખર પ્રોપર્ટી ગિફ્ટમાં આપી શકાય, અને શું એક વખત ભેટમાં આપવામાં આવેલી પ્રોપર્ટી પાછી લઈ શકાય? તો આપણે આ બંને સવાલોનો જવાબ અહીં મેળવવાનો પ્રયાસ કરીશું.
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે પ્રોપર્ટી સંબંધિત અનેક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે, જેને સંપૂર્ણ રીતે સમજવું થોડું મુશ્કેલ છે. પણ આજે આપણે અહીં જાણીશું કે આખરે ગિફ્ટ ડીડના નિયમો શું છે? જે રીતે તમે તમારા પ્રિયજનોને બીજી વસ્તુઓ ભેટમાં આપો છો એ જ રીતે તમે તમારા નજીકની અથવા ખાસ વ્યક્તિને સંપત્તિ પણ ભેટમાં આપી શકો છો. તમે ફક્ત એ જ સંપત્તિને ભેટ અથવા દાન કરી શકો છો જે તમારા નામ પર છે.
હવે વાત કરીએ કે શું એક વખત ગિફ્ટમાં અપાયેલી પ્રોપર્ટી કોઈ પણ કારણસર પાછી લઈ શકાય કે નહીં? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. જો તમે પણ તમારું ઘર, ઘર, દુકાન, ખેતર જેવી કોઈ મિલકત કોઈને ભેટમાં આપી હોય અને હવે તમે એને તમારા નામે પાછી લેવા માંગો છો? તો તમારી પાસે શું વિકલ્પો છે એની વાત કરીએ તો મિલકત ગિફ્ટ કરવાનો અર્થ એ છે કે માલિક પોતાની સ્વેચ્છાએ મિલકત અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી રહ્યા છો. બદલામાં તે તેની પાસેથી કોઈ પણ પ્રકારના રૂપિયા લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં મિલકતને ગિફ્ટ કરવા માટે વ્યક્તિએ વેચાણ ખતની જેમ ગિફ્ટ ડીડ તૈયાર કરાવવી પડે છે.
કાયદેસર રીતે ભેટમાં મળેલી મિલકતનો ત્યાગ કરી શકાતો નથી. જો ભેટ આપનાર વ્યક્તિએ તેની મિલકત પોતાની સ્વેચ્છાથી અન્ય વ્યક્તિને ભેટ આપી હોય અને બીજી વ્યક્તિએ તેનો સ્વીકાર કર્યો હોય. જો મિલકતની માલિકી નવા માલિકને સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો સામાન્ય સંજોગોમાં આ વ્યવહાર રદ કરી શકાતો નથી. પરંતુ આ અમુક અપવાદરૂપ સંજોગોમાં આવું થઈ શકે છે.
કલમ 126માં કેટલીક ખાસ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ગિફ્ટ ડીડ રદ કરી શકાય છે. દાખલા તરીકે જો તમે જે પણ હેતુ માટે પ્રોપર્ટી ગિફ્ટ કરી રહ્યા છો તે હેતુ પૂરો થતો નથી, તો તમે ગિફ્ટ તરીકે આપેલી પ્રોપર્ટી પાછી લઈ શકો છો. જો આપનાર અને દાન આપનાર બંને આના પર સંમત થાય, તો પરસ્પર સંમતિથી ગિફ્ટ ડીડ સ્થગિત કે પછી રદ કરી શકાય છે. જો ગિફ્ટ ડીડ પર હસ્તાક્ષર કરવા છતાં પ્રોપર્ટી ટ્રાન્સફર કરવામાં ન આવી હોય અને બાદમાં ગિફ્ટ કરનાર પોતાનો નિર્ણય બદલે તો આવી સ્થિતિમાં પણ ગિફ્ટ ડીડ તેની મરજીથી રદ થઈ શકે છે.
આ ઉપરાંત પ્રોપર્ટી ગિફ્ટ કરનાર વ્યક્તિ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવી જોઈએ. જો તે માનસિક રીતે અસ્વસ્થ હોય કે પછી ભેટ મેળવનાર વ્યક્તિએ બળજબરીથી, છેતરપિંડી કરીને ભેટ મેળવી હોય તો આ પ્રકારની ડીડ પણ અમાન્ય જાહેર કરી શકાય છે.