નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે મેં તેમની હંમેશાં ટીકા કરી છે, પરંતુ મારી ટીકાને તેમણે સહજતાથી સ્વીકારી હતી. કોંગ્રેસથી અલગ થઈને નવો પક્ષ બનાવનારા ગુલામ નબી આઝાદે ફરી એક વાર નરેન્દ્ર મોદીના વખાણ કરીને કહ્યું હતું કે વાસ્તવમાં વડા પ્રધાનનો વ્યવહાર એક મહાન નેતા જેવો છે. હું મોદીને એક વાતની ક્રેડિટ આપીશ કે મેં તેમની સાથે જે પણ કર્યું છે તેઓ સદભાવપૂર્ણ રહ્યા છે.
લોકસભામાં મેં વિપક્ષના નેતા તરીકે સીએએ, હિજાબ વિવાદ અને આર્ટિકલ 370 જેવા અનેક મુદ્દા પર સરકારની ટીકા કરી હતી, પરંતુ વડા પ્રધાન મોદીએ ક્યારેય કોઈ પણ પ્રકારની બદલાની ભાવનાથી કામ કર્યું નહોતું. બલકે તેમણે એક રાજનેતા જેવો વ્યવહાર કર્યો હતો, એમ ગુલામ નબી આઝાદે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ગુલામ નબી આઝાદે એમ પણ કહ્યું હતું કે જી-23ના નેતાઓ ભાજપની નજીક છે. જો જી-23 ભાજપના પ્રવક્તા તરીકે કામ કરતા હતા તો કોંગ્રેસે તેઓને સાંસદ કેમ બનાવ્યા? અલબત્ત, તેમને સાંસદ, મહાસચિવ અને અન્ય પદો પર શા માટે રાખવામાં આવે છે? હું એવો એકલો માણસ છું જેણે અલગ થઈ પાર્ટી બનાવી લીધી છે. અન્ય લોકો તો આજે પણ ત્યાં જ છે. આ પ્રકારનાં આરોપો દુર્ભાવનાથી ભરાયેલા છે. ગુલામ નબી આઝાદે પોતે ભાજપનાં નજીકી હોવાનાં આરોપોને પણ ફગાવી દીધા હતા. ગુલામ નબીએ આઝાદે 26 ઓગસ્ટ, 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેમને નવો પક્ષ બનાવ્યો હતો.