ભારત એ મંદિરોનો દેશે અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એવા લાખો મંદિરો આવેલા છે કે જ્યાં લાખો ભક્તો દર્શન કરવા માટે પહોંચે છે. આ મંદિરોના નિર્માણ અને બનાવટને લઈને હંમેશા જ ચર્ચાનું કેન્દ્ર રહે છે. આ મંદિરો સાથે અનેક પ્રકારની દંતકથાઓ પણ જોડાયેલી છે.
ભારતમાં એવા અનેક મંદિરો છે, જેને લોકો અજૂબાથી ઓછું નથી માનતા, જેમ કે કોતિલિંગેશ્વરા મંદિર, મિનાક્ષી મંદિર કે પછી ઉજ્જૈન મંદિર. ભારતમાં કેટલાક એવા મંદિરો પણ આવેલા છે જેની રહસ્યમયી સ્ટોરી સાંભળીને તમે વિચારમાં પડી જશો. આજે આપણે અહીં આવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ અને આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ કોઈ વ્યક્તિએ નહીં પણ ભૂતોએ કર્યું હતું અને એ પણ એક રાતમાં.
જી હા, જે મંદિર વિશે આપણે અહીં વાત કરી રહ્યા છીએ એ મંદિર છે કકનમઠ મંદિર. આ મંદિર ભારતના હાર્ટ ગણાતા મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના સિહોનિયા કસ્બામાં આવેલું છે. જમીનથી 115 ફૂટની ઊંચાઈ પર આવેલું આ મંદિર આસપાસના લોકો માટે ચમત્કારથી જરાય ઓછું નથી.
આ રહસ્યમયી મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે કકનમઠ મંદિરનું નિર્માણ 11મી સદીમાં થયું હતું અને એ સમયે આ મંદિરનું નિર્માણ કછવાહ વંશના રાજા કિર્તીએ પોતાની પત્ની માટે બનાવડાવ્યું હતું. હજારો વર્ષ જૂના આ મંદિર વિશે કેટલાક લોકો એવું પણ માને છે કે રાતોરાત ભૂતોએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. તો વળી કેટલાક લોકોનું એવું માનવું છે કે સવાર થતાં જ ભૂતોએ મંદિરનું નિર્માણ કરવાનું મૂકી દીધું હતું અને જે પછીથી રાણીએ પૂરું કરાવડાવ્યું હતું. આ માટે મંદિરનો કેટલોક હિસ્સો પછી ચૂના અને ગારામાંથી બનેલો દેખાય છે.
આ મંદિરને પહેલી નજરે જોતા એવું લાગે છે કે આ મંદિર ક્યારેય પડી શકે છે, પણ હજારો વર્ષ જૂનું મંદિર આજે પણ અડીખમ ઊભું છે. ગમે એટલા તોફાન-કુદરતી મુસીબતો વચ્ચે પણ આ મંદિર અડીખમ ઊભું છે.
કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે વૈજ્ઞાનિકો આ મંદિરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે અને તેમને પણ ખબર નહોતી પડી કે આખરે આ મંદિરનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું છે. કહેવાય છે કે અહીં અનેક મૂર્તિઓ તૂટેલી અવસ્થામાં જોવા મળે છે. તમારી જાણ માટે આ મંદિરને મધ્યપ્રદેશનો અજૂબા માનવામાં આવ્યો છે.