મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી પક્ષના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ સતત વિરોધ પ્રદર્શનો ચાલુ રાખ્યા હતા અને તેમને રાજીનામું પાછું લેવાની બાબત પણ અડગ રહ્યા હતા. એટલું જ નહીં, આજે સવારે એનસીપીની કોર કમિટીએ પવારના રાજીનામાની ઓફરનો અસ્વીકાર કર્યા આખરે શરદ પવારે રાજીનામું પાછું લેવાની જાહેરાત કરી હતી.

રાજીનામું પાછું ખેંચ્યા પછી પણ શરદ પવારે કહ્યું હતું કે મને લાગે છે કે પાર્ટીમાં નવા સુકાનીને નેતૃત્વ આપવું જોઈએ અને તેના માટે હું કામ કરીશ. એનસીપીની કોર કમિટીએ શુક્રવારે સવારના રાજીનામું મંજૂર કર્યું નહોતું. 18 સભ્યની કમિટીએ રાજીનામું નામંજૂર કરીને કમિટીએ કહ્યું હતું કે સક્રિય રાજકારણમાં રહેતા શરદ પવાર પક્ષના અધ્યક્ષ બની રહેશે અને તેને લઈ શુક્રવારે સાંજે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. અહીંના વાઈબી ચવાણ સેન્ટર ખાતેની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પોતાના રાજીનામાને પરત લેવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે હું એનસીપીના પ્રમુખપદેથી મેં રાજીનામું આપ્યું હતું. મારી રાજકીય જિંદગીમાં 66 વર્ષ પૂરાા થયા છે. આટલી લાંબી કારકિર્દી પછી આરામ કરવા ઈચ્છું છું. મારા નિર્ણયની જાહેરાત પછી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મારા સલાહકારોએ પણ ફેરવિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો. મારા ટેકેદારો અને માર્ગદર્શક રાજીનામું પરત લેવાની અપીલ કરી હતી અને એની સાથે સમગ્ર ભારત અને મહારાષ્ટ્ર રાજ્યના નેતાઓએ પણ મને આગ્રહ કર્યો હતો. તમામ લોકોની વિનંતીને ધ્યાનમાં રાખીને મારો નિર્ણય પરત ખેંચું છું. આજે ભલે મેં નિર્ણય પાછો લીધો છે પણ મને લાગે છે કે પાર્ટીમાં નવા સુકાનીને જવાબદારી સોંપવાનું જરુરી છે અને તેના માટે હું કામકાજ કરીશ, એમ તેમણે જણાવ્યું હતું.
કોર કમિટીએ શરદ પવારની ઓફરનો અસ્વીકાર કર્યા પછી પણ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. વાયબી ચવાણ સેન્ટર ખાતે ફટાકડાં ફોડવાની સાથે ડાન્સ કરીને ખુશાલી પણ વ્યક્ત કરી હતી. શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધા પછી પણ પક્ષમાં ભાવિ પ્રમુખપદ માટે કોણ દાવેદાર છે અને પસંદગી કોની કરવામાં આવશે તેની અત્યારથી તૈયારી ચાલુ કરી શકાય છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.