મોબાઈલ એ આજકાલની તાતી જરૂરિયાત બની ગઈ છે અને મોબાઈલ રિચાર્જને લઈને કંપનીઓ દ્વારા પણ સતત અલગ-અલગ ઑફર્સ આપીને લોકોને લલચાવવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવા જ વાઈરલ થઈ રહેલાં મેસેજની ચર્ચા ચાલી રહી છે. આ મેસેજમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. જોકે, જોવાની વાત એ છે કે આ મેસેજમાં કોઈ પણ સેલ્યુલર કંપનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં મેસેજમાં કરવામાં આવેલા દાવાની વાત કરીએ તો આ મેસેજનો સ્ક્રીનશોટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે- “પીએમ મોદી દ્વારા તમામ ભારતીય યૂઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે જેથી 2024ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને વોટ કરી શકે અને ફરીથી ભાજપની સરકાર બની શકે. મેં પણ મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવી શકો છો.”
હવે તમને આ વાયરલ મેસેજની હકીકત જણવવાની થાય તો સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ કે ઓફર નાગરિકોને આપવામાં નથી આવી રહી. આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. પીઆઈબી દ્વારા તેની હકીકત પણ તપાસવામાં આવી હતી. આ એક સ્કેમ છે, જો તમને પણ આવો જ મેસેજ મળ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરી દો, કારણ કે જો તમે આપેલી લિંક પર ક્લિક કરો છો તો તમારું બેન્ક એકાઉન્ટ તરત જ ખાલી થઈ શકે છે. એટલા માટે આવા મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો અને સામેની વ્યક્તિને પણ તેની જાણ કરો. આ એક પ્રકારનું ફ્રોડ છે એટલે એનાથી બચવું જોઈએ.