મુંબઈ: માયાવી નગરીમાં રોટલો મળે પણ ઓટલો નહિ. જોકે જરૂરિયાતમંદ માટે ફરી એક વાર મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)
લઈ આવ્યું છે મુંબઈગરા માટે ઘરની લોટરી. લગભગ ચાર વર્ષની રાહ જોયા બાદ આજથી (સોમવારથી) મ્હાડાના ઘર લોટરી માટે અરજદાર અરજી કરી શકશે.
આ વર્ષે મ્હાડા દ્વારા મુંબઈમાં તૈયાર થયેલા ૪,૦૮૬ મકાનની લોટરી બહાર પાડવામાં આવશે. આ ઘરની અરજી કરવા માટે અરજદારો સોમવારે એટલે કે આજે બપોરે 3 વાગ્યાથી ઓનલાઈન અથવા મ્હાડા દ્વારા તૈયાર કરાયેલ એપ દ્વારા નોંધણી કરાવી શકે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૨૬ જૂને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત,
અરજદારો ૨૬ જૂનના રોજ રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધી ઓનલાઈન ડિપોઝિટ પૈસા જમા કરાવી શકે છે. છેલ્લે મ્હાડા એ ૨૦૧૯માં લોટરી કરી હતી એટલે આ લોટરી માટે મુંબઈગરાને લગભગ ચાર વર્ષની સુધી રાહ જોવી પડી છે.
આ વખતે એફોર્ડેબલ હાઉસ (પરવડે એવા ઘર)ની સાથે લક્ઝરી વાળા ઘરનો પણ લોટરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે વિવિધ શ્રેણી અન્વયે ૩૪ લાખથી લઈને સાત કરોડ રૂપિયાના સુધીના ઘર ઉપલબ્ધ રહેશે.
મ્હાડાના અધિકારીના જણાવ્યા અનુસાર લોટરીમાં સૌથી મોંઘા ઘરની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે. આ ઘર તાડદેવ કોમ્પ્લેક્સમાં લગભગ ૧૫૦૦ ચોરસ ફૂટમાં છે. તે જ સમયે, જુહુ કેમ્પસમાં એક ઘરની કિંમત લગભગ ચાર કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. લોટરીમાં સૌથી નાના ઘરની કિંમત લગભગ ૩૪ લાખ રૂપિયા છે. વિક્રોલીનું આ ઘર લગભગ ૨૭૦ ચોરસ ફૂટનું છે.
લોટરીમાં દાદર, પરેલ, વિક્રોલી, અંધેરી, જુહુ, એન્ટોપ હિલ અને અન્ય કેમ્પસમાં આવેલા ઘરોને આવરી લેવામાં આવ્યા છે, પરંતુ ગોરેગાંવમાં બનેલા ૧૮૦૦ ઘરમાંથી મોટા ભાગનાને લોટરીમાં સામેલ કરવામાં આવ્યા છે. મ્હાડાના ઘરોમાં પહેલી વખત જિમ અને સ્વિમિંગ પૂલ સહિતની અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્હાડાના મકાનોની લોટરી સંબંધિત સમગ્ર પ્રક્રિયા માત્ર ઓનલાઈન જ કરવામાં આવશે. લોટરી બહાર પાડતા પહેલા અરજદારોના દસ્તાવેજો પણ ઓનલાઈન તપાસવામાં આવશે, જેથી લોટરી બહાર પડયાના થોડા દિવસોમાં, તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકાય અને વિજેતાને ચાવીઓ સોંપી શકાય. મ્હાડાએ ફરજિયાત દસ્તાવેજોની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. લોટરી સોફ્ટવેરને અપડેટ કરીને, મ્હાડાએ જરૂરી દસ્તાવેજોની સંખ્યા ઘટાડીને સાત કરી દીધી છે. અગાઉ લોટરી માટે ૨૧ દસ્તાવેજની જરૂર હતી. હવે ફક્ત સાત દસ્તાવેજ પૈકી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોમીસાઇલ સર્ટિફિકેટ, ઈનકમ સર્ટિફિકેટ, સોગંદનામુ, જાતિનું પ્રમાણ પત્ર અને આરક્ષણની કેટેગરી સંબંધિત ક્વોટાનું પ્રમાણપત્ર રાખવું.