ઊડતી વાત -ભરત વૈષ્ણવ
“ગિરધરભાઇ, તમારે બહુ મોટી ઓળખાણો છે ને? આઇન્સ્ટાઇનની જેમ વાળ ઊંચા કરી રાજુ રદીએ મારા ઘરમાં પ્રવેશ કરીને મારો દાણો દાબ્યો . હું સમજી ગયો કે રાજુ રદીના મગજમાં બિરબલની ખીચડી જેવું કશુંક પાકી રહ્યું છે અને પ્રેશર કૂકરની સિટી વાગી રહી છે !!
“હા ઘણા માણસો સાથે ઘણી ઓળખાણ છે. ક્યાંક પચાસ ટકા તો ક્યાંક સો ટકા ઓળખાણ છે! મેં રાજુને ઓળખાણોનું વિવરણ આપ્યું.
“ગિરધરભાઇ. શું ઓળખાણ પચાસ ટકા હોય ખરી ??હું ખાસ (રાજુ આમ-સામાન્ય પણ કયાં સમજે છે?) સમજ્યો નહીં? રાજુએ મનની ખાટી મીઠી મૂંઝવણ વ્યક્ત કરી!
“જો, રાજુ, પચાસ ટકા ઓળખાણ એક પક્ષે તો સો ટકા ઉભય પક્ષે હોય છે!! જેમ કે મારી પુતિન સાથેની ઓળખાણ મારા પક્ષે સો ટકા હોય પણ પુતિન મને ન ઓળખતાં હોય તો તે ઓળખાણ પચાસ ટકા કેટેગરીમાં આવે!! એ બધું છોડ પણ તારે શું કામ હતું કે જેમાં મારી ઓળખાણની જરૂર પડી? મેં પૂછયું!!
“ગિરધરભાઇ. તમને ખબર હશે કે જગતમાં મોટામાં મોટો એવૉર્ડ નોબલ એવોર્ડ છે. નોબલ પારિતોષિક એ આલ્ફ્રેડ નોબલ જેઓ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા તેમની યાદમાં આપવામાં આવે છે. તેઓ એક સ્વિડિશ વૈજ્ઞાનિક હતા અને તેમણે જ આ નોબલ પારિતોષિક આપવાની શરૂઆત કરી હતી. જેના ઉપર આખી દુનિયાની નજર હોય છે. નોબલ પારિતોષિક એ શાંતિ, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો ઉપર કરેલ ઉમદા કાર્ય માટે આપવામાં આવે છે. આલ્ફ્રેડ નોબલે કુલ મળીને ૩૫૫ અલગ અલગ પ્રકારની શોધ કરી હતી અને તેમાં સૌથી મહત્વની શોધ ડાયનામાઈટની હતી. આ શોધ પછી આખી દુનિયા આલ્ફ્રેડ નોબલને ઓળખવા લાગી હતી. તેમણે જે ડાયનામાઈટની શોધ કરી હતી તે ડાયનામાઈટ નો ઉપયોગ એ હથિયાર બનાવવા માટે થવા લાગ્યો હતો. જેને આપણે વિસ્ફોટ્ક તરીકે પણ ઓળખીએ છીએ. ૧૮૮૮ માં આલ્ફ્રેડ નોબલના ભાઈનું અવસાન થયું ત્યારે ત્યાના ફ્રેંચ સમાચારપત્ર “ઇરોનિયસ દ્વારા ભૂલથી તેના ભાઈની જગ્યાએ આલ્ફ્રેડ નોબલના મોતના સમાચાર છાપી દીધેલ. “ઇરોનિયસ સમાચારપત્રના તંત્રી દ્વારા કોઈપણ જાતની તપાસ કર્યા વગર આ સમાચાર તેમણે છાપી દીધેલ. જયારે બીજે દિવસે આ સમાચાર આલ્ફ્રેડ નોબલે વાંચ્યા ત્યારે તેઓ હસી પડ્યા હતા. પણ બાદમાં નોબલ સમાચારનું ટાઇટલ મોતના સોદાગરની આ જગતમાથી વિદાયવાંચીને અત્યંત વ્યથિત થયેલ અને વિચારવા લાગ્યા કે હું આ જગતમાંથી વિદાય લઇશ ત્યારે લોકો મને મોતના સોદાગર તરીકે ઓળખશે. (અલબત. મોતના સૌદાગરના ઉચ્ચારણથી લોકોની બનતી સરકાર બને તે પહેલાં વિખેરાઇ ગઇ હતી. એ વાત અલગ છે!!) સતાવીસમી નવેમ્બર ૧૮૯૫માં ‘એક વસિયત તૈયાર કરાવી પોતાની સંપતિમાથી ૯૪ ટકા સંપત્તિ એક ટ્રસ્ટને આપવાનું નક્કી કરેલ. જે ટ્રસ્ટ જગતમાં જે લોકો સારું સારું કામ કરે છે તેવા લોકોને સન્માનિત કરશે. તેમણે ચિકિત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ પાંચ ક્ષેત્રો નક્કી કરેલ. આ પછી બીજા જ વર્ષે ૧૮૯૬ના વર્ષમાં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ૧૯૦૧થી નોબલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. ૧૯૦૧ બાદ ૬૭ વર્ષ પછી ૧૯૬૮માં સ્વીડનની સેન્ટ્રલ બેન્કના તેની સ્થાપનાના ૩૦૦ વર્ષ પૂરા થતાં હોવાથી તેમણે નોબલ ફાઉન્ડેશનમાં મોટી રકમ આપી અને તેમણે નોબલ પુરસ્કારમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેર્યું. જે હતું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક આપવાની શરૂઆત એ વર્ષ ૧૯૬૯થી કરવામાં આવી. નોબલની જાહેરાત ઓકટોબરમાં કરવામાં આવે છે અને દર વરસે ૧૦મી ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબલની પુણ્યતિથિએ નોબલ એવૉર્ડ એનાયત થાય છે!! રાજુએ એકાએક વિષય બદલ્યો.
“રાજુ નોબલ સમિતિએ પાંચ પાંચ વાર મહાત્મા ગાંધીના નામની વિચારણા કરી પણ એક વાર મહાત્મા ગાંધીને નોબલ ન આપ્યો .પણ કેટલાક નસીબદારને બે બે વાર નોબલ મળેલ છે.મેડમ મેરી કયુરી,લિનસ પોલિંગ,જોન બાર ડીન,ફ્રેડરિક સિંગર,કે બારી શાર્પલેસને બે બે વાર નોબલ મળેલ છે. અત્યાર સુધીમાં હજારથી વધુ મહાનુભાવોને નોબલથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં ૩૫ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.ભારત અથવા ભારત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ હોય તેવા ૧૩ મહાનુભાવને નોબલ આપવામાં આવેલ છે. નોબલ એવોર્ડમાં ૯૦ લાખ સ્વિડિશ ક્રોના, (અંદાજિત યુએસ ડૉલર ૮૬,૦૦૦ ),
નોબલ મેડલ અને નોબલ ડિપ્લોમા આપવામાં આવે છે. મેં રાજુને પૂરક માહિતી આપી.
“ગિરધરભાઇ આ નોબલ ફોબેલમાં અનામતના નિયમોનો અમલ થતો હશે ખરો? સ્પર્ધકોની કુલ સંખ્યાના ૩૦% મહિલા માટે અનામત રાખતા હશે? એસસી અને એસટી માટે કેટલી અનામત રાખતા હશે? ગરીબીરેખા નીચે જીવતા લોકોને નોબલ આપતા હશે? ઇડબલ્યુએસ કેટેગરીમાં નોબલ મળતો હશે ને આપણે એમાં એપ્લાય કરીએ!! રાજુએ અનામત કેટેગરીમાં નોબલ લેવાની વ્યુહ રચના પ્લાન બી તરીકે વિચારી લીધી!!!
“રાજુ બધે આપણે આપણે ન કર. મારે નોબલ જોઇતો નથી! નોબલમાં અનામત બનામતના કેવી રીતે હોય! મેં રાજુને કડકતમ શબ્દોમાં ખખડાવ્યો.
“ગિરધરભાઇ ૯,૮૬,૦૦૦ ડોલરના કેટલા રૂપિયા થાય? જેમ રાતના સમયે લાઇટ પડે અને ગાયની આંખમાં ચમક દેખાય તેમ રાજુની આંખમાં ચમક દેખાઇ!!
“રાજુ. ભારતીય ચલણમાં ૮,૦૮,૫૨,૦૦૦ રૂપિયા થાય!! મેં એક ડોલરના બ્યાંશી રૂપિયા ગણી નોબલ ઇનામની રકમ ગણી દીધી.
ગિરધરભાઇ. હમણા શાર્પલેસ, કેરોલિન બેટોર્જી, મોર્ટન મેલ્ડલને રસાયણશાસ્ત્ર, સ્વાંત પોબોનને મેડીકલ માટે નોબલ આપવાની જાહેરાત થઇ છે. શાંતિ માટેના નોબલ માટે બે ભારતીયોની એન્ટ્રી મેકલવામાં આવી છે. રાજુએ કહ્યું.
“રાજુ. આ બધી નોબલ નવાન્હ પારાયણ કરવાનું કોઇ પ્રયોજન?? મેં નો બકવાસ સીધી વાત કરી.
“ગિરધરભાઇ. તમારે ઊંચી ઓળખાણો છે. તમે લાગતાવળગતાને ઓળખાણનો જેક મારીને મને શાંતિનો નોબલ મળે એવો ખેલ પાડી દો. મારું સેટિંગ કરાવી દો. હું તમને પણ રાજી કરી દઇશ. ઇનામની રકમના સિતેર ટકા તમારા. વધુ રકમનો લોભ ન કરતા!! રાજુએ મારા કાનમાં માનો કે ધગધગતું સીસું રેડ્યું. મારા કાનમાં ધાક પડી ગઇ!! આમ, પણ ધણિયાણી ધાક પાડતી હોય છે. એટલે કાયમી ધોરણે સેમી બહેરો છું.હું પેલા શાયરની પંક્તિની જેમ વો ધર આયે, વો મુજે દેખતે રહે, મૈં ઇનકો દેખતા રહા જેવો ઘાટ થઇ ગયો. મને કોઇ ગાંધીનગર રત્ન કે રાજ્ય રત્ન માટે લાયક ગણતા નથી અને મારે રાજુ રદીને માટે નોબલનું અંડાગંડા કરી સેટિંગ કરી આપવાનું?? લો હોલ કુવ્વત!!
“રાજુ તને કંઇ કેટેગરીમાં નોબલ આપવાનો? મેં રાજુને કારણ પૂછયું.
“ગિરધરભાઇ, મેં લગ્ન ન કરી (લગ્ન કરવા કેટલા ધખારા, બખાળા કર્યા એનો પણ અલગ ઇતિહાસ છે!!) વિશ્ર્વ શાંતિનું સંરક્ષણ, સંવર્ધન, સંગોપનમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે!! મને શાંતિ કેટેગરીનું નોબલ અપાવો. હુ જિંદગીભર તમારો પડ્યો બોલ ઝીલીશ રાજુ રદીએ પર્દાફાશ કર્યો.
“જો, રાજુ. પડ્યો બોલ ઝીલવાની ઇચ્છા હોય તો નોબલના ધખારા કર્યા સિવાય પરણી જા. મેં આમ કહી રાજુને ઘરની બહાર ધકેલી ઘરનો દરવાજો બંધ કર્યો!!!