સ્પેશિયલ -પૂર્વી દેસાઈ
તંદુરસ્ત શરીરને માટે આપણે કેટકેટલી કાળજી રાખતાં હોઈએ છીએ. સવારે જાગીએ ત્યારે બ્રશ કરવાથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીનાં શરીર માટે કરવાના કામ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગયાં હોય છે. શરીર સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલી જરૂર છે શરીર સ્વચ્છ રાખવાની. અને જયારે શરીર સ્વચ્છ રાખવાની વાત આવે ત્યારે સૌથી વધારે ચુપ્પી સ્ત્રીઓનાં પ્રાઇવેટ પાર્ટ્સ વિષે સાધવામાં આવી છે. સ્ત્રીઓના શરીરના સૌથી મહત્ત્વનાં અંગો એટલે કે જનનાંગો વિષે વાત કરતાં હજુ પણ આપણે સંકોચ અનુભવીએ છીએ. ૨૦૧૪ની સાલનો એક રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યાં મુજબ એકલાં મુંબઈમાં જ ૨૫થી પાંત્રીસ વર્ષની ઉંમરની પરિણીત મહિલાઓમાંની લગભગ ૯૩ ટકા મહિલાઓ તેમના જનનાંગોની સ્વચ્છતા પ્રત્યે બેખબર અને બેદરકાર હોય છે. આ ૯૩ ટકામાંથી લગભગ ૪૦ ટકા મહિલાઓ જનનાંગોની જુદી જુદી સમસ્યાઓથી પીડાય છે.
મહિલાઓ પોતાનાં જનનઅંગો એટલે કે યોનિ અને એની સાથે જોડાયેલા બીજા અંગોની સ્વચ્છતા અને તંદુરસ્તી વિષે વાત કરતાં હજુ પણ સંકોચ અનુભવે છે. ઘણી વખત એવું પણ થાય છે કે સ્વચ્છતાને અભાવે યોનિમાર્ગમાં ઇન્ફેકશન થાય અને સ્ત્રીઓ સંકોચને કારણે ઘરમાં કહી જ શકતી નથી આને કારણે સમસ્યા વકરે છે અને હાલત વધારે ખરાબ થઇ જાય છે. વલસાડ જિલ્લામાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર નલિની કહે છે કે હજુ પણ જ્યારે દેશની મોટાભાગની સ્ત્રીઓ ગામડાંઓમાં વસે છે ત્યારે તેમની સાથે તેમનાં પ્રાઇવેટ પાર્ટ્સ વિશે વાત કરવાનું લગભગ અશક્ય જ છે, પરંતુ જે હાલતમાં સ્ત્રીઓ ઇન્ફેકશન લઈને અમારે ત્યાં સારવાર માટે આવે છે તે ખરેખર ચિંતાજનક છે. શહેરોમાં પણ આ મુદ્દે ખુલીને વાત કરવાની તાતી જરૂરિયાત છે.
ડૉક્ટર ફેલીશ ગેરશે સ્ત્રીઓની હોર્મોનલ હેલ્થ વિષે પુસ્તક પણ લખ્યું છે એમાં તેમણે આ સ્વચ્છતા માટે “વજાઇનલ હાઇજીન. શબ્દનો પ્રયોગ કર્યો છે. ડૉક્ટર ગેરશ કહે છે કે દીકરીઓને જયારે જાતે નાહવાની આદત પાડવામાં આવે ત્યારે જ તેમનાં જનન અંગોને પણ કેવી રીતે સાફ રાખવા એની સ્પષ્ટ સમજણ સંકોચ વગર દરેક માતા પિતાએ આપવી જ જોઈએ. ડૉક્ટર ગેરશ સ્વચ્છતાના હેતુસર યોનિને બે ભાગમાં વહેંચે છે. એક હોય છે વજાઈના એટલે કે યોનિ અને બીજો ભાગ વુલવા એટલે કે યોનિમાર્ગ. તેઓ જણાવે છે કે યોનિની રચના કુદરતે એવી રીતે જ કરી છે કે પોતાની સ્વચ્છતા શરીર જાતે જ કરી લે છે. એટલે કે યોનિમાં જ કેટલાંક એવાં રસાયણો સ્ત્રવે છે જેનાથી તે આપોઆપ સ્વચ્છ થતી રહે છે, પરંતુ વુલવા એટલે કે યોનિમાર્ગ એ શરીરની બીજા કોઈ પણ ભાગ પર હોય એવી ત્વચા જ છે. એટલે જે રીતે આપણા શરીરનાં બીજા ભાગોની ત્વચાને ધોવાની, હવાની અને પોષણની જરૂર પડે તેવી જરૂરિયાત યોનિમાર્ગની ત્વચા માટે પણ હોય છે.
એ સાફ કરવા માટે તમે સામાન્ય રીતે જે સાબુ વાપરતાં હો એ જ વાપરી શકો છો. સૌથી વધારે જરૂરી છે જયારે પણ તમે પેશાબ કરવા અથવા હાજતે જાઓ ત્યારે એ જગ્યાને સારી રીતે લૂંછીને કોરી કરવી જોઈએ. જયારે પણ યોનિમાર્ગને સાફ કરો ત્યારે આગળની તરફથી શરૂ કરીને પાછળની તરફ એ રીતે કપડું ફેરવવું જોઈએ. તેઓ તો ત્યાં સુધી કહે છે કે યોનિમાર્ગ અને ગુદા માર્ગ બંને એક જ કપડાંથી ક્યારેય સાફ ના કરવું. આ બંને જગ્યાઓ માટે ટીશ્યુ પેપર અથવાં કપડું અલગ-અલગ જ વાપરવાનું હિતાવહ છે.
ડૉક્ટર ગેરશ એક બીજી એક મહત્ત્વની વાત કરે છે તે એ કે સેક્સ કર્યાં પછી તરત પેશાબ કરી લેવો એ યોનિને બેક્ટેરિયા ફ્રી રાખવાનો સૌથી સહેલો ઉપાય છે. પાણીથી સાફ થઇ શકે તો એ તો સારું જ છે. આ ઉપરાંત તેઓ ઉમેરે છે કે યોનિની અંદરની તરફ ક્યારેય પણ સાબુ કે બીજી કોઈ ચીજથી સાફ કરવી જોઈએ નહિ. હા ફક્ત પાણી અને આંગળીનો ઉપયોગ કરીને તમે અંદર સુધી સાફ કરી શકો પણ ત્યાં ઘસીને સાફ કરવાની કે બીજા લિક્વિડ કે સાબુનો ઉપયોગ કરવાની જરૂર નથી.
જનન અંગોની વાત કરીએ ત્યારે પ્યુબિક હેર એટલે કે ગુપ્તાંગો પરના વાળની પણ વાત કરવી આવશ્યક થઇ જાય છે. હવે આ બાબતમાં ડૉક્ટર્સનો મત જુદો જુદો છે. કેટલાંક ડૉક્ટર એમ કહે છે કે એ સાવ બિનજરૂરી વાળનો ગ્રોથ છે અને કેટલાંક એમ કહે છે કે એ યોનિમાર્ગની સુરક્ષા કરે છે. તેમ છતાં તેની સ્વચ્છતા તો એટલી જ જરૂરી છે. ન્હાતી વખતે આ વાળ સાબુથી સરખાં સાફ કરવાં જોઈએ. જો એ વાળ નથી રાખવાં તો પણ એને કાઢવા માટેનાં સાધનો બિલકુલ સાફ હોય એ ખાસ ધ્યાન રાખવું.
ડૉક્ટર એલિસના મત મુજબ તમારી વજાઇનલ હેલ્થ પ્રાથમિક તબક્કે તો તમે જાતે પણ ચેક કરી શકો છો. જે ત્રણ તબક્કાઓમાં થઇ શકે દેખાવ, ગંધ અને સ્પર્શ. નિયમિતપણે આ ત્રણે રીતે તમારા યોનિપ્રદેશને ચેક કરવું અને કઈ પણ અસામાન્ય લાગે તો બધા સંકોચ છોડીને ડૉક્ટરને બતાવવું એ સૌથી સારો વિકલ્પ છે. તેઓ ઉમેરે છે કે માસિકસ્ત્રાવ વખતે વજાઇનાને ખાસ આળપંપાળની જરૂર હોય છે. પહેલાં તો ઘરના કપડાં વાપરતાં હો તો તાત્કાલિક બંધ કરો. બીજું સેનેટરી પેડ્સ પણ દર ત્રણ કલાકે બદલતાં રહેવું જોઈએ. હવે તો શહેરોમાં સ્ત્રીઓ મેન્સ્ટ્રુઅલ કપ પણ વાપરે છે તો એ પણ ગરમ પાણીમાં થોડી વાર ઉકાળીને સરખું સાફ કરીને પછી જ વાપરવું જોઈએ.
મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિ પછી યોનિમાં ડ્રાયનેસ આવી જતી હોય છે. એને લીધે ખંજવાળ અને રેશિસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આવે સમયે વિટામિન ઈ, વિટામિન સી જેવા સપ્લિમેન્ટ્સ પણ લેવા પડે છે. ડૉક્ટર એલિસ કહે છે કે તકલીફ થાય પછી ઉપાય કરવો એના કરતાં તકલીફ થાય જ નહીં એવાં પગલાં કેમ ના લઇ શકાય?
મુંબઈનાં એક સ્ત્રીરોગ વિશેષજ્ઞ સાથે વાત કરતાં તેમણે ખૂબ મહત્ત્વના કેટલાક મુદ્દાઓ પ્રત્યે ધ્યાન દોર્યું. જેમકે મોટે ભાગે સ્ત્રીઓના શરીરના આ હિસ્સાને હવા લગતી જ નથી, કારણ કે એ ભાગ ખુલ્લો રહેતો જ નથી. હવે સ્વાભાવિક છે કે શરીરનાં કોઈ પણ હિસ્સાને હવા ન લાગે તો ત્યાં તકલીફ થવાની જ છે. તો સૌથી પહેલાં તો સ્નાન કર્યા બાદ આંતરવસ્ત્રો પહેરતાં પહેલા યોનિને સાફ કપડાથી લૂંછીને થોડીવાર હવા લાગે એ રીતે બેસવું અથવા સૂવું જોઈએ. બીજું, આંતરવસ્ત્રો પણ રોજ રાત્રે બદલી નાખવાં જોઈએ. એટલે કે સવારે સ્નાન બાદ અને રાત્રે સૂતાં પહેલાં એમ બે વખત અંદરના કપડાં પણ બદલવાં જોઈએ. ત્રીજું સતત બ્રા અને પેન્ટી બંને પહેરી રાખવું પણ ખૂબ નુકસાનકારક છે. તમે રોજ વાપરતાં હો એ બધાં જ અંદરનાં કપડાં દર વર્ષે નવા લેતાં રહેવું સલાહભર્યું છે. એટલે કે અંતર્વસ્ત્રો એક વર્ષથી વધુ ન વાપરવા જોઈએ. સૌથી મહત્વની વાત વજાઈનાને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો વિના સંકોચ ડૉક્ટર સાથે વાત કરી તપાસ કરાવવી જોઈએ. વજાઈના એ સ્ત્રીઓનું સૌથી મહત્ત્વનું અંગ છે અને એની સ્વચ્છતા શરીરના બીજાં અંગો જેટલી જ જરૂરી છે એની સમજ બાળકોને નાનપણથી જ શીખવવી જોઈએ.