રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર નથી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે અશોક ગેહલોત અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. સચિન પાયલટ ભ્રષ્ટાચારના વિરોધમાં પદયાત્રા પર નીકળ્યા છે. સચિન પાયલટની ‘જન સંઘર્ષ યાત્રા’ વચ્ચે અશોક ગેહલોતને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે ગેહલોતને ‘લોકોના મુખ્યપ્રધાન’ ગણાવ્યા છે.
કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં અશોક ગેહલોતના વખાણ કરતા કેપ્શનમાં ‘લોકોના મુખ્ય પ્રધાન’ એમ લખવામાં આવ્યું છે. શેર કરાયેલા વીડિયોમાં અશોક ગેહલોત કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. CM વિદ્યાર્થીઓ સાથે વિદેશમાં અભ્યાસને લગતી સમસ્યાઓનું નિરાકરણ આપી રહ્યા છે.
जन-जन के मुख्यमंत्री pic.twitter.com/ioYnjzwUwi
— Congress (@INCIndia) May 11, 2023
અશોક ગેહલોતને એવા સમયે કોંગ્રેસનું સમર્થન મળ્યું છે જ્યારે સચિન પાયલટ ગેહલોત અને તેમની સરકાર વિરુદ્ધ ‘જન સંઘર્ષ પદયાત્રા’ કાઢી રહ્યા છે. પાયલટે ગુરુવારે અજમેરથી તેમની ‘જન સંઘર્ષ પદયાત્રા’ શરૂ કરી હતી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજસ્થાનના મુખ્ય પ્રધાનને કારણ વગર જનતાના નેતા કહેવામાં આવતા નથી. દરેક વખતે તેઓ સાબિત કરે છે કે તેઓ જનતાના નેતા છે. કૉંગ્રેસે પાયલટની ‘જન સંઘર્ષ યાત્રા’થી દૂરી બનાવી લીધી છે.
રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. એવા સમયે પક્ષના બે મોટા નેતા વચ્ચેનો ગજગ્રાહ કૉંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલ બની શકે છે.