Homeઈન્ટરવલગાયત્રી મંત્ર જાપ, પુરશ્ર્ચરણ અને અનુષ્ઠાન વિધિ

ગાયત્રી મંત્ર જાપ, પુરશ્ર્ચરણ અને અનુષ્ઠાન વિધિ

નિત્ય ત્રિકાળ દેવ પૂજન, જપ તર્પણ, હવન તથા બ્રાહ્મણભોજન આ પાંચ વિધિઓના સંપુટને પુરશ્ર્ચરણ કહે છે. મંત્રફળ સિદ્ધિ માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વકની ક્રિયા એટલે પુરશ્ર્ચરણ.

તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ

ગાયત્રી મંત્ર એટલો અસરકારક છે કે એનું શાસ્ત્રોકત વિધિથી પુરશ્ર્ચરણ કરવામાં આવે તો આશ્ર્ચર્યકારક પરિણામ મળે છે, એ આશીર્વાદ પ્રાપ્ત કરવા શુદ્ધ મન, શરીર અને વૃત્તિઓને નિયમ પૂર્વક અનુશાસનમાં રાખવા જરૂરી છે.
શ્રીમદ દેવી ભાગવતના અગિયાર અને બારમા સ્કંધમાં ગાયત્રી મંત્ર જાપ, પુરશ્ર્ચરણને અનુષ્ઠાન વિધિ વિશે વિગતે માહિતી અપાઈ છે. અહીં નારદજી શ્રી નારાયણને પૂછે છે, ચાંદ્રાયણ વગેરે વ્રતો વિષે આપે જે કહ્યું એ બધા ખૂબ મુશ્કેલ છે, એટલે દેવીને પ્રસન્ન કરનાર, સુખ પૂર્વક અનુષ્ઠાન કરી શકે એવું કોઈ કર્મ હોય તો કહો.
શ્રી નારાયણ કહે છે, ગાયત્રીમાં જે શ્રદ્ધા રાખે છે, એ કૃતાર્થ થાય છે. સંધ્યામાં જે અર્ધ્ય પ્રદાન કરે છે અને સચ્ચિદાનંદ સ્વરૂપ ગાયત્રીનું ધ્યાન ધરે, મંત્ર જાપ કરે છે. આ સંવાદ દરમ્યાન શ્રી નારાયણ નારદજીને ગાયત્રી મંત્રની વિગતે વાત કરે છે અને આ આખો અધ્યાય અનેક વિગતોથી સભર છે. ગાયત્રી મંત્રના ઋષિ, છંદ, દેવતાઓ, રંગ તથા મુદ્રાઓ, ગાયત્રી કવચની વિગતો, અથર્વ વેદમાં કહેવાયેલ ગાયત્રી હૃદયની વાત, ગાયત્રી સ્તોત્ર, ગાયત્રી સહસ્ત્રનામ, ગાયત્રી મંત્રનો દીક્ષા વિધિ કહ્યો છે.
ગાયત્રી શતક પાઠમાં ભક્ત માતાને પ્રસન્ન કરવા તેમની કૃપા વાંછે છે, પોતાની મર્યાદા દર્શાવતા ભક્ત કહે છે,
નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ, જાણું ના હું સંધિ સમાસ,
પુરશ્ર્ચરણ ને અનુષ્ઠાન નથી કરવાને શક્તિમાન,
નથી પૂજન વિધિનું ભાન, નથી મંત્ર તંત્રનું જ્ઞાન,
હું બાળક ને તું છે મા એ હક્કથી માગું છું મા.
પુરશ્ર્ચરણ અને અનુષ્ઠાન ભિન્ન છે. અથવા એમ કહી શકે કે અનુષ્ઠાન એ પુરશ્ર્ચરણનો ભાગ હોઇ શકે છે. અગિયારમાં સ્કંધનો બારમો અધ્યાય પુરશ્ર્ચરણની વિગતે વાત કહે છે.
નિત્ય ત્રિકાળ દેવ પૂજન, જપ તર્પણ, હવન તથા બ્રાહ્મણભોજન આ પાંચ વિધિઓના સંપુટને પુરશ્ર્ચરણ કહે છે. મંત્રફળ સિદ્ધિ માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વકની ક્રિયા એટલે પુરશ્ર્ચરણ. પુર: એટલે પૂર્વ તરફ અને ચરણ અર્થાત ચાલવું. આગળ ચાલવાની તૈયારી એટલે પુરશ્ર્ચરણ. શુભ ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે પર્યાપ્ત આત્મબળ એકત્રિત કરવા આંતરિક શક્તિઓને જાગૃત અને વિકસિત કરવામાં આવે છે એ પ્રક્રિયા પુરશ્ર્ચરણ કહેવાય છે. પુરશ્ર્ચરણનો નિયમ છે કે જેટલા મંત્રોનો જાપ થાય એના દશાંશ આહુતિઓનો હવન, હવનના દશાંશ તર્પણ, તર્પણના દશાંશ માર્જન અને માર્જનના દશાંશ સંખ્યામાં બ્રાહ્મણ ભોજન કરાવવું. સવા લાખ મંત્ર જપ હોય તો ૧૨૫૦૦ આહુતિઓનો હવન, ૧૨૫૦ તર્પણ, ૧૨૫ માર્જન અને ૧૨થી વધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પુરશ્ર્ચરણ ૨૪૦૦૦થી લઈ સવા કરોડ મંત્રજાપ સુધીનું હોય છે. એમાં આર્થિક અને શારીરિક ક્ષમતાઓ ભાગ ભજવે છે. એ ન કરી શકનાર સાધક અનુષ્ઠાન કરી શકે છે.
પર્વતની ટોચ પર, નદીના તટ પર, બીલીના મૂળ પાસે, જળાશય પાસે, ગાયના વાડામાં, દેવાલયમાં, પીપળાના વૃક્ષ નીચે, તુલસીના વનમાં, ગુરુની નિકટ અથવા ચિત્ત એકાગ્ર થઈ શકે એવા કોઈ પણ સ્થળે પુરશ્ર્ચરણ કરવાથી મંત્ર સિદ્ધિ મળે છે. પુરશ્ર્ચરણની શરૂઆતમાં દસહજાર ગાયત્રી મંત્ર જાપનું વિધાન છે. વેદમંત્રોનું પુરશ્ર્ચરણ હોય કે નૃસિંહ, વરાહ, સૂર્ય આદિ દેવોનું પુરશ્ર્ચરણ હોય, ગાયત્રી જપ એ સર્વેની પ્રાથમિક જરૂરિયાત છે. ગાયત્રી મંત્રથી પુરશ્ર્ચરણ કરનાર મંત્રની શુદ્ધિ અને જાપ કરનારની આત્મશુદ્ધિનો આશય હોય છે. આ સમયે વિચાર શુદ્ધિ, અન્ન શુદ્ધિ જરૂરી છે.
વિશ્ર્વામિત્ર ઋષિ મુજબ ગાયત્રી મંત્રના પુરશ્ર્ચરણનું માપ બત્રીસ લાખનું છે. કેટલાક એમ પણ માને છે કે મંત્રમાં જેટલા અક્ષરો છે એટલા લાખ મંત્રોથી પુરશ્ર્ચરણ થવું જોઈએ.
અનુષ્ઠાન એક વિશેષ પ્રકારની સાધના છે જેમાં નિશ્ર્ચિત સંખ્યામાં મંત્રનો જાપ નિશ્ર્ચિત સમયાવધિમાં કરવાનો સંકલ્પ ધારણ કરી એ કાર્ય પાર પાડવામાં આવે છે. અનુ એટલે નિશ્ર્ચિત અને સ્થાન એટલે જગ્યા. એક જ આસન પરથી સવા લાખ મંત્રજાપ નવથી ચાલીસ દિવસમાં કરવામાં આવે એને અનુષ્ઠાન કહેવાય છે. ચાલીસ દિવસના અનુષ્ઠાનમાં રોજ ૨૯ માળા કરવાની થાય. ચીકણી માટીની ગંગાજળમાં બનાવેલી ગોળીથી માળા ગણતરી કરવી જોઈએ. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લઘુ અનુષ્ઠાન પણ થાય છે. ઘણાં સાધકો અમુક લાખ મંત્રજાપ કરવાનો નિર્ધાર કરે અને એ માટે નિશ્ર્ચિત સ્થાન પર નિશ્ર્ચિત સમયાવધિમાં રોજ બેસે એને અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનનો હેતુ છે ભૌતિક બાબતોથી છૂટી નિશ્ર્ચિત સમયાવધિમાં જાતના ઉત્થાન માટે મંત્રજાપ કરવા.
સાવધાન મનથી અને શુદ્ધ શ્રદ્ધાભર્યા ચિત્તથી જળમાં ઊભા રહીને જે ત્રણલાખ ગાયત્રી મંત્ર જપે એને પણ પુરશ્ર્ચરણ ગણાય છે. પુરશ્ર્ચરણ પૂર્ણ થાય એટલે એ મંત્રજાપની માનસિક અવસ્થાને જે તે ઇચ્છિત કર્મ સાથે જોડી માનસિક મંત્રજાપ કર્યા રાખવા, એથી ઇચ્છિત ફળ પ્રાપ્તિ સરળ બને છે. અલગ અલગ કર્મફળ પ્રાપ્તિ માટે વિવિધ સંખ્યામાં ગાયત્રી મંત્ર જપનું વિધાન છે.
આપણે ત્યાં ત્રણ પ્રકારની વિધિ પ્રચલનમાં છે, ત્રણેનું સામંજસ્ય પૂજાવિધિ પૂર્ણ કરે છે. એ ત્રણ છે મંત્ર, તંત્ર અને યંત્ર. મંત્ર સૌથી હાથવગું અને ઉપયોગી તથા સરળ સાધન છે. ગુરુઓ શિષ્યની પ્રકૃતિ અનુસાર તેને એક બીજમંત્ર આપતા અને શિષ્ય એ મંત્રના અર્થ સુધી પહોંચી, એ મંત્રને હૃદયસ્થ કરી એના અનુષ્ઠાનમાં મન અર્પણ કરતાં. ગાયત્રી મંત્ર અત્યારના સમયમાં સહુથી અસરકારક અને ઉપયોગી મંત્ર ગણાય છે જે તુરંત ફળ આપે છે. ગાયત્રી મંત્ર સાથે વૈજ્ઞાનિક પ્રયોગો પણ થાય છે અને એના આશ્ર્ચર્યકારક તારણો મળ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -