સુરતમાં દિવસને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય એમ દરરોજ કોઈ ગંભીર અપરાધની ઘટના બને છે. સુરત ક્રાઇમ હબ બની રહ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. એવામાં હવે ધોળા દિવસે બે જૂથો વચ્ચે ગેંગવોર ફાટી નીકળી હતી. દારૂના ધંધામાં સંડોવાયેલા બે જૂથો વચ્ચે અથડામણ થતા બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. આ બન્ને જૂથના શખ્સો મૂળ ઓડિશાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અટલજીનગરમાં આવેલા કાપડના કારખાનામાં કામ કરતા ઓડિશાવાસી બે જૂથો સામસામે આવી ગયા હતા. દારૂના ધંધાની હરિફાઇ મામલે લોહિયાળ જંગ ખેલાયો હતો. અગાઉ થયેલી માથાકૂટને લઈને આજે વહેલી સવારે એક જૂથના સાત શખ્સોએ અન્ય જૂથના સભ્યો પર તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં ચાર યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોના મોત નીપજ્યા છે જ્યારે બે શખ્સો હજુ ગંભીર રીતે ઘાયલ છે.
મૃત્યુ પામેલા બંને યુવકો ઓડિશાના છે, ત્યારે સામે હુમલો કરનારા શખ્સો પણ ઓડિશાના છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનારા સાતમાંથી પાંચ લોકોની અટકાયત કરી છે.