મુંબઈ: વિશેષ સીબીઆઈ કોર્ટે 2009ના ડબલ મર્ડર કેસમાં ગૅન્ગસ્ટર છોટા રાજન અને અન્ય ત્રણ જણને ગુરુવારે નિર્દોષ છોડ્યા હતા.
વિશેષ જજ એ. એમ. પાટીલે પુરાવાના અભાવે ચારેયને છોડી મૂક્યા હતા. તપાસકર્તા પક્ષ વાજબી શંકાઓ ન રહે એ રીતે કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાનું કારણ કોર્ટે આપ્યું હતું.
છોટા રાજન કાવતરામાં સંડોવાયેલો હોવાનું પુરવાર કરવામાં પણ તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો હોવાનું જજે કહ્યું હતું.
કોર્ટે નિર્દોષ જાહેર કરાયેલા અન્ય ત્રણ જણમાં મોહમ્મદ અલી શેખ, ઉમેદ શેખ અને પ્રણય રાણેનો સમાવેશ થાય છે.
તપાસકર્તા પક્ષ અનુસાર દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાંની ફૂટપાથ પર જુલાઈ, 2009માં બે શખસે શાહીદ ગુલામ હુસેન ઉર્ફે છોટે મિયાં પર ગોળીબાર કર્યો હતો. ફરાર થતાં પૂર્વે હુમલાખોરોએ અન્ય ત્રણ જણને પણ ગોળી મારી હતી. આ હુમલામાં છોટે મિયાં અને સઈદ અર્શદનાં મૃત્યુ થયાં હતાં.
તપાસ દરમિયાન પોલીસે રાણેની ધરપકડ કરી હતી, જેણે આ કેસમાં અન્ય આરોપીઓની ભૂમિકા કથિત રીતે ઉઘાડી પાડી હતી.
જોકે રાજન જેલમાંથી બહાર નહીં આવી શકે, કારણ કે બાકીના અનેક કેસમાં તે ખટલાનો સામનો કરી રહ્યો છે. પત્રકાર જે ડેની હત્યાના કેસમાં તેને સજા પણ થઈ છે. ઈન્ડોનેશિયાના બાલીથી 2015માં ભારત લાવવામાં આવ્યા પછી તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે.