બિહારઃ દેશની પહેલી હાઈ લક્ઝરી ક્રુઝ ગંગા વિલાસ તેની પહેલી સફરના ત્રીજા જ દિવસે ફસાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. વારાણસીથી નીકળેલી આ ક્રુઝ બિહારના છપરામાં અટવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્રુઝને લીલી ઝંડી દેખાડી હતી.
નક્કી કરેલાં ટાઈમટેબલ પ્રમાણે ગંગા વિલાસને અહીં કિનારા પર ઊભા રહેવાનું હતું પણ છીંછરા પાણીને કારણે તે વચ્ચે જ ફસાઈ ગઈ હતી. હવે આવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલી મોટી ક્રુઝનો રુટ નક્કી કરતી વખતે એ વાતની માહિતી નહોતી લેવામાં આવી કે કયા ક્ષેત્રમાં નદી કેટલી ઊંડે છે કે પછી પાણી એટલું છીંછરું તો નથી કે ક્રુઝ ફસાઈ જાય? આ બધા તરફ આંખ આડા કાન કરીએ તો પણ હવે લાખ રુપિયાનો સવાલ એ છે કે ગંગા વિલાસ જો નદીમાં કોઈ જગ્યાએ ફસાઈ જાય તો શું થશે? એટલે કે તેને કઈ રીતે બહાર કાઢવામાં આવશે.
જો તમને યાદ હોય તો 2021માં સ્વેજ નદીમાં એક વિશાળકાય માલવાહક જહાજ ધ એવર ગિવન અટકી પડ્યું હતું અને આ જહાજ અટકી જવાને કારણે આખો સમુદ્રી માર્ગ બંધ થઈ ગયો હતો અને પારાવાર મહેનત અને દિવસોના પ્રયાસ બાદ આખરે જહાજની નીચેની માટી ખોદીને અને તેમાંથી વજન ઓછું કરીને ત્યાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે ગંગા વિસાર એ માલવાહક નહીં પણ ટુરિસ્ટ ક્રુઝ છે, એટલે તેને હળવું કરવા માટે લોકોને ઉતારવામાં ખાસ કોઈ મુશ્કેલી નહીં પડે.