બાપુ ખરા અર્થશાસ્ત્રી હતા, આજનો માનવી દોડીને કેટલાં પણ સુખ-સંપત્તિ ભેગાં કરી લે, શાંતિ માટે તેમણે ગાંધીજી પાસે જ આવવું પડશે
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
ગાંધીજીના અર્થવ્યવસ્થા અંગેના વિચારો: પદ્ધતિઓ બદલાઈ છે, પાયાના સિદ્ધાંતો મહદઅંશે એ જ આપણે આજે આત્મનિર્ભર ભારતની, મહિલાઓના સશકિતકરણની, શિક્ષણની, મેક ઈન ઈન્ડિયાની, ગ્રામ્યવિકાસની, વોકલ ફોલ લોકલ, ગરીબી નિવારણની, આર્થિક સમાનતાની અને ઈન્કલુઝિવનેસ (સર્વસમાવેશ) ની વાતો કરીએ છીએ, એમાં કદાચ શબ્દો નવા યા આધુનિક હશે, કિંતુ ગાંધીજી આ વાતો સાડા સાત દાયકા પહેલાં કહી ગયા હતા. ગાંધીજી કયારેય રાજકારણી નહોતા, સમાજકારણી કે મુડીવાદી પણ નહોતા, એમના સિદ્ધાતોમાં સત્ય, અહિંસા, એકતા અને શાંતિના પાયા હતા. ગાંધીજીના અર્થવ્યવસ્થા વિશેના કેટલાંય વિચારો આજે પણ રેલેવન્ટ છે, જે કંઈ બદલાયું છે તે ટેકોનોલોજીનું અને ગ્લોબલાઈઝેશનનું પરિણામ છે. માનવીય મનોવૃત્તિની દુર્દશાનું પરિણામ છે. લોકોની વિચારધારા પણ ચોકકસ બદલાઈ છે, પરંતુ ખરી શાંતિ માટે આખરે તો બધાંએ ગાંધીજીની વિચારધારા પાસે જ આવવું પડશે.
તાજેતરમાં ગાંધી વિરુદ્ધ ગોડસે સંબંધિત એક ફિલ્મ આવી ગઈ છે, એ ફિલ્મનું ટ્રેલર હાલ વાયરલ છે. લગે રહો મુન્નાભાઈ નામની ફિલ્મના ગાંધીજી અને તેમની ગાંધીગીરી હજી લાંબો સમય રહેશે. આ ગાંધીગીરીએ તો યુવા વર્ગને પણ ઘેલું લગાડયું હતું. આ ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીની ૭૫મી પુણ્યતિથિએ આપણને ગાંધીજીને વિભિન્ન સ્વરૂપે યાદ કરીશું, અહી આપણે ગાંધીજીના અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા વિશેના વિચારોને યાદ કરીએ તેમ જ આજના અને આગામી સમયમાં તે કેટલાં રેલેવન્ટ છે યા રહેશે તેને સમજવાનો પ્રયાસ કરીએ.
ગાંધીજી મૂડીવાદથી સતત દૂર રહ્યા હતા, જયારે કે ગરીબો તેમને હૈયે હતા. જોકે ગરીબોને મદદ કરવા માટે અથવા સમાજના હિતમાં કામ કરવા માટે તેમને ઉધોગપતિઓની-સંપન્ન લોકોની જરૂર પડતી અને ગાંધીજીના એક અવાજે એ ધનવાનો દાનની ગંગા વહાવતા રહેતા. ભારત આવ્યા બાદ જયારે તેમણે એક ગરીબ સ્ત્રીને નદીએ જે સ્વરૂપે કપડાં ધોતા જોઈ, તે દિવસ પછી ગાંધીજીએ પોતાના શરીર માટે જીવનભર એક પોતળી જ રાખી. ગાંધીજીનું લક્ષ્ય દેશના છેવાડાના માણસ સુધી રાષ્ટ્રના વિકાસનો લાભ પહોંચે એવું રહેતું. આજે ગાંધીજીની એ વિચારધારા આધુનિક નામ સાથે ઈન્કલુઝિવનેસ તરીકે બોલાય છે અને દેશ આ દિશામાં કામ કરી રહ્યો છે. ઈન્કલુઝિવનેસ એટલે સર્વસમાવેશ. દેશનો આર્થિક વિકાસ થાય તેનો લાભ માત્ર સીમિત વર્ગ સુધી રહેવાને બદલે છેવટના માનવી સુધી પહોંચે. એમાં જ વિકાસની ખરી સાર્થકતા છે.
સિમ્પલ લિવિંગ-હાઈ થિન્કિંગ
ગાંધીજી તેમના સમયથી જ આત્મનિર્ભરતામાં માનતા હતા અને તેથી જ તેઓ સિમ્પલ લિવીંગ (સરળ જીવન) ના આગ્રહી હતા, સિમ્પલ લિવીંગ એન્ડ હાઈ થિન્કિંગ આજે પણ અનેક લોકોનો જીવનમંત્ર છે. માનવજીવનમાં શાંતિ આ માર્ગે જ પ્રવેશી શકે એમ છે. ભારત આજે આત્મનિર્ભરતાની વાત કરે છે તેના પાયામાં ગાંધીજી જ ગણાય. ગાંધીજી ઈચ્છાઓ સીમિત રાખવાનું કહેતા. અન્યથા ઈચ્છાઓનો કયારેય અંત આવશે નહીં. ઈચ્છાઓને અર્થતંત્ર સાથે ગહન-વ્યાપક સંબંધ છે. આજે સમાજનો મહત્તમ વર્ગ બાપુની વિચારધારાથી વિરુદ્ધ જીવે છે, લોકોની ઈચ્છાઓ વધતી જ જાય છે. લોકોને જીવવામાં લકઝરી જોઈએ છે. વસ્તુઓનો વપરાશ બેફામ થઈ રહ્યો છે. ઉપયોગ સામે દુરુપયોગ વધી રહ્યો છે. એટલે જ માનવી કયારેય નહોતો એટલો અશાંત આજે છે અને શાંતિની ખોજમાં સતત ભટકતો રહે છે. કરુણતા એ છે કે શાંતિને પામવા માટે તે અશાંતિ ઊભી કર્યા કરે છે એની જ તેને સભાનતા આવતી નથી.
ગાંધીજીના આર્થિક સિદ્ધાંતોના પાયા
ગાંધીજીની આર્થિક નીતિઓના પાયામાં સરળતા, વિકેન્દ્રિકરણ, સ્વ-નિર્ભરતા, સહકાર, સમાનતા, અહિંસા, માનવમૂલ્ય, આત્મનિર્ભર ગામો, સ્વદેશીનો આગ્રહ અને બેઝિક ઉદ્યોગો માટે નેશનલાઈઝેશન અને ટ્રસ્ટીશીપની ભાવના રહી હતી. આજે આ બધાં જ વિચારોથી સમાજ સાવ જ વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યો છે. આજે ખાનગીકરણ, વિદેશી વસ્તુઓ, અસમાનતા, હિંસા, સહકારને બદલે ધિક્કાર, સરળતાને બદલે ગૂંચવણો વધતી જાય છે. આમાં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આજે ચાલતી બધી જ બાબતો ખોટી અને અયોગ્ય છે એમ કહી શકાય નહી, કિંતુ સમયનો બદલાવ છે. મોટાભાગનો સમાજ સુખની વ્યાખ્યા સુવિધામાં માનતો થયો છે, સંપત્તિને સન્માન મળતું હોવાથી લોકોમાં આ જ વિચારધારા કામ કરી રહી છે. વિકાસ માટેના ધારા-ધોરણો એકદમ બદલાઈ રહ્યાં છે. ટેકનોલોજીને લીધે જે પરિવર્તનને સદી લાગતી હતી એ પરિવર્તન આજે એક દાયકામાં અને કયાંક તો એક વરસમાં થઈ જાય છે. ગાંધીજીને ભૂલવાની કે તેમના વિચારોને કોરાણે મુકવાની આ કરુણતા છે. જો કે આજની તારીખે ગાંધીજી હોત તો તેમના ચોકકસ વિચારોમાં જરૂર બદલાવ આવ્યો હોત એવું માની શકાય.
મહિલાઓના અધિકાર-શિક્ષણ
ગાંધીજી એમના સમયમાં મહિલાઓના અધિકાર માટે આગ્રહી હતા, આજે સમાજના દરેક ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન અને પ્રતિનિધિત્વ વધતું જાય છે અને તેઓ સમાજ ઘડતરમાં મહત્ત્વની ભુમિકા ભજવી રહ્યાં છે. તેઓ ધર્મની સમાનતામાં માનતા હતા, સર્વને શિક્ષણને મળે તેના પણ આગ્રહી હતા. આજે જે -તે સરકારો ભારતને મહાસત્તા બનાવવાની વાતો કરે છે એ વાત ગાંધીજીએ સાત દાયકા પહેલાં કરી દીધી હતી, જેમાં મહાન રાષ્ટ્રમાં માનવીની પ્રમાણિકતા, સચ્ચાઈ, બલિદાન, નિષ્ઠા, સમર્પણભાવ, વગેરેને સમાવી લેવાની વાત કરતા હતા.તેથી જ આજે ભારત એકલું જ નહીં, સમગ્ર વિશ્ર્વ પણ ગાંધીજીને માને છે, આદર આપે છે. તેમના સત્યના પ્રયોગોને બિરદાવે છે. આજની તારીખમાં પણ તે બેસ્ટ સેલર બુક ગણાય છે. આ પ્રયોગો કરવા માટે પણ છપ્પનની છાતી જોઈએ.
ગાંધીજી સામે સવાલો-આક્ષેપો
ગાંધીજી મહાત્મા કહેવાયા તેના કારણો અનેક છે. તેમની વિરુદ્ધ આજે એક સતત નકારાત્મક ઝુંબેશ ચાલી રહી છે. ગાંધીજી પે અનેક આક્ષેપ થઈ રહયા છે, કેટલીક બાબતો માટે તેમને જવાબદાર ગણાવાઈ રહયા છે. આટલા વરસોમાં તેમના વિશેની ગેરસમજમાં વધારો થતો રહ્યો છે. દરેક મહાન વિભૂતિઓ માટે આમ થવું સહજ છે. ગાંધીજીને આપણે આક્ષેપોની કેટલીય ગોળીઓ મારીએ ગાંધીજીનું શરીર મરે છે, તેમના વિચારો નહી મરે, આપણે તેમના વિચારોને મારી પણ નહી શકીએ. જોકે સત્તા મેળવવા માટે ગાંધી હજી પણ રાજકારણીઓ માટે રસ્તો છે. ગાંધીજીને આપણે કરન્સી નોટસ પર છાપી દઈને પણ તેને ચલણી બનાવી દીધા છે, હવે તો નવા ટેકનોલોજી યુગમાં ગાંધીજી પણ ડિજિટલ થઈ રહ્યા છે. ઈ-રૂપિમાં ગાંધીજીની તસવીર નહી હોય.
વિચારભેદ-મતભેદ હોઈ શકે
હાલમાં એક સંસ્થા દ્વારા ભારતમાં આર્થિક અસમાનતા કેવી અને કેટલી છે તે વિશે એક અહેવાલ બહાર પડયો હતો, જેની ચર્ચા પણ વ્યાપક રહી હતી. જોકે આ એક અલગ ચર્ચાનો વિષય હોવાથી અહીં આપણે ગાંધીજીના વિચારોને સાથે રાખી વર્તમાન-ભાવિ આર્થિક વ્યવસ્થા પર વાત કરીએ. બાપુના સમયે રેંટિયોની અને ખાદીની, હાથકામની બોલબાલા હતી, આજે ટેકનોલોજી અને મશીનની બોલબાલા છે. ગાંધીજીના વિચારો આદર્શ છે, કિંતુ તમામ વિચારો આજના સમય સાથે સમન્વય ધરાવી શકતા નથી. સમય પરિવર્તન માગે જ છે. આજે ગ્લોબલાઈઝેશનનો યુગ છે.
તેની ઉપેક્ષા થઈ શકે એમ નથી. આ વિષયમાં વિચારભેદ યા મતભેદ હોઈ શકે, પરંતુ સમય બલવાન હૈ! અલબત્ત, આ મામલે ગાંધીજીના વિચારોની કયારેય સંપૂર્ણપણે ઉપેક્ષા થઈ શકે નહી. ગાંધીજીને લોકોએ મહાત્મા કહ્યા, કિંતુ તેઓ એક સામાન્ય માનવીનું જીવન જીવ્યા.
પરિવર્તનનો સ્વીકાર, પરંતુ
ગાંધીજીના વિચારોનું સત્ય કાયમ પ્રકાશમય રહ્યું અને રહેશે. તેમના કેટલાંક સિદ્ધાંતો સદાય માર્ગદર્શક બન્યા કરશે. ગાંધીજી તેથી જ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ. સમયના પરિવર્તન સાથે પણ ભારત સરકાર ગાંધીજીના વિવિધ સિદ્ધાંતોનો સહારો લઈ શકે છે. કેમ કે ગાંધીજીની આર્થિક વિચારધારા આઉટડેટ થઈ નથી. તેમના પાયા એટલાં મજબૂત છે કે માનવજાતને તેની જરૂર રહેવાની જ. અલબત્ત, હવેના સમયમાં ગાંધીજીની વિચારધારા નવા સ્વરૂપે આકાર પામી રહી છે. બેરોજગારી ઘટાડવા. ગરીબી દૂર કરવા, અસમાનતા ઘટાડવા, શાંતિને સ્થાપવા, અહિંસાને પોષવા, માનવમૂલ્યોને જાળવવાની બાબતો આજે પણ આવશ્ર્યક છે. આઝાદીના ૨૫ વરસ બાદ અર્થશાસ્ત્રી-લેખક વાડીલાલ ડગલીએ એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું રંકનું આયોજન. આ પુસ્તકમાં આઝાદી બાદ પણ ગરીબોની દશાને ધ્યાનમાં રાખી અનેક સવાલો ઉઠાવાયા હતા, આ સવાલો એટલા શકિતશાળી અને આક્રોશ ભરેલા હતા કે ત્યારની સરકારે આપણા જ ભારતીય લેખકના આ પુસ્તક પર પ્રતિબંધ મુકી દીધો હતો. આઝાદીનો લાભ કોને થયો? કેટલો થયો? ગરીબ ગરીબ જ રહયો. તેમ આજે વિકાસ કોની માટે? વિકાસનો લાભ કયાંસુધી, કેટલો અને કેવો પહોંચે છે? એ સવાલો ઊભા છે. વર્તમાન સરકાર આ દિશામાં સભાનતા અને જવાબદારી સાથે કામ કરે એવી આશા રાખીએ અને સરકાર આમ કરે તેમાં સર્વાંગી હિત રહેશે. સમય અને પરિવર્તનને સ્વીકારવા રહ્યા, પણ પાયાના સિદ્ધાંત સાથે પણ વિકાસ કરી શકાય છે. દેશની ઈકોનોમી ફાસ્ટેસ્ટ રહી હોવાનું ગૌરવ સારું, પણ તેની ઝડપમાં ગરીબ-વંચિત વર્ગ ભુલાઈ ન જાય કે પાછળ ન રહી જાય તે પણ જોવું રહ્યું.
છેલ્લે, એટલું કહેવું જરૂરી લાગે છે કે ગાંધીજીના વિચારોને નવા સ્વરૂપે અમલમાં મૂકવા મૂડીવાદ અને સમાજવાદનું ઉત્તમ કોમ્બિનેશન યોગ્ય બની શકે. ભારત સરકાર આ દિશામાં આગળ વધી રહી હોવાનું પ્રતીત થાય છે, પણ તેના અમલને કેટલો સમય લાગશે એ જોવાની પ્રતીક્ષા રહેશે.
———
બોકસ
મેક ઈન ઈન્ડિયા-ગાંધીજીનું સ્વદેશીકરણ
આત્મનિર્ભર ભારત- ગામોની સ્વનિર્ભરતા
છપ્પનની છાતી- ગાંધીજીની નિર્ભયતા અને અહિંસા
બેરોજગારીની સમસ્યા- ગાંધીજીની બધાંને કામની નીતિ
વર્તમાન વીમેન એમ્પાવરમેન્ટ – મહિલા સશકિતકરણ
પ્રાયોરિટી ટુ વીમેન – મહિલાઓના અધિકાર
સ્વચ્છ ભારતની ઝુંબેશ- ગાંધીજીની સ્વચ્છતાનો આગ્રહ
સત્તા અને સંપત્તિની લડાઈ- ટ્રસ્ટીશિપની વિચારધારા