જવાહરલાલ નહેરુ બાદ હિરોશીમા જનારા પ્રથમ વડા પ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનની ત્રણ દિવસની મુલાકાતે જવા રવાના થશે. અહીં દુનિયાના તમામ દેશો એકઠા થઈ રહ્યા છે. આ વખતે પરમાણુ હુમલાનો ભોગ બનેલા જાપાનના હિરોશિમામાં જી-7 દેશોનું આ સંમેલન યોજાવા જઈ રહ્યુ છે. પીએમ મોદી 1974માં પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ જાપાનના હિરોશિમાની મુલાકાત લેનારા પ્રથમ પીએમ હશે. તેમના પહેલા, તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુએ 1957માં હિરોશિમાની મુલાકાત લીધી હતી, ત્યારથી કોઈ ભારતીય વડાપ્રધાને જાપાનમાં હિરોશિમાની મુલાકાત લીધી નથી. એટલા માટે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેથી 21 મે સુધી જાપાનના પ્રવાસે જવાના છે. આ વખતે જાપાન G-7 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. G-7 દેશોમાં જાપાન, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, યુએસએ, યુકે અને જર્મની છે. આ કોન્ફરન્સ માટે ભારત સહિત અન્ય ઘણા દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભારત પોતાના મુદ્દાઓ રજૂ કરશે અને તેનો સંદેશ આખી દુનિયામાં જાય તેવું ઈચ્છશે. પીએમ મોદી ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. ખાસ કરીને ચીનની હરકતો રોકવા માટે જી-7 સમિટમાં પીએમ મોદીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોંધનીય છે કે G-7 વિશ્વના સૌથી શક્તિશાળી સંગઠનોમાંથી એક માનવામાં આવે છે.
અહીં આપણને એક સવાલ જરૂર થાય કે 1974 પછી કોઈ PMએ હિરોશિમાની મુલાકાત કેમ લીધી નથી. તો એનો જવાબ એ છે કે ભારતે પોખરણમાં 1974માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેની સીધી અસર ભારત અને જાપાનના સંબંધો પર પડી હતી. ભારતના આ પગલાનો જાપાન સહિત તમામ પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો હતો. જાપાન તરફથી ભારત વિરોધી નિવેદનો આપવામાં આવ્યા હતા અને પ્રતિબંધો લાદવાની પણ વાત થઈ હતી.
આગામી કેટલાક વર્ષોમાં જાપાન સાથેના સંબંધો પુનઃસ્થાપિત થાય તે પહેલાં 1998માં એટલે કે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે ફરી એક વાર બીજું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી જાપાને ભારત પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. જાપાને ભારતની ખૂબ ટીકા કરી હતી, જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ વધુ ઘેરી બની હતી.
પરમાણુ પરીક્ષણ બાદ બગડેલા જાપાન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સમયગાળો વર્ષ 2000માં ત્યારે શરૂ થયો જ્યારે જાપાનના પીએમ યોશિરો મોરીએ ભારતની મુલાકાત લીધી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જાપાન-ભારત સંબંધો અહીંથી સુધરવા લાગ્યા. આ પછી 2006માં ભારતના તત્કાલીન પીએમ મનમોહન સિંહ જાપાનના પ્રવાસે ગયા હતા. મનમોહન સિંહે જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી અને સંબંધોનો નવો યુગ શરૂ થયો હતો. શિન્ઝો આબેના લાંબા કાર્યકાળ દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થયો હતો અને બંને દેશો વચ્ચે વેપારમાં ઘણો વધારો થયો હતો. આજે ભારત અને જાપાન વચ્ચેનો વેપાર રેકોર્ડ સ્તરે છે અને બંને દેશ અનેક પ્રોજેક્ટ્સમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત ચીનના આક્રમક વલણને લઈને પણ જાપાન અને ભારતની મિત્રતા ઘણી ખાસ છે . જાપાન સાથેની ભારતની મિત્રતા હંમેશા ચીનની નજરમાં બળતરા સમાન રહી છે. જાપાન અને ભારત પણ ક્વાડ સંસ્થાનો ભાગ છે, જેમાં યુએસ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ સામેલ છે. આ સંગઠનને ચીન સામે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દરેક વખતે ચીનની વધતી આક્રમકતાનો જવાબ આ મંચ પરથી આપવામાં આવ્યો છે. તેથી જ ચીન ક્વાડથી પણ ડરે છે. ભારત અને જાપાન પણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને લઈને સતત સાથે કામ કરી રહ્યા છે.
જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા પોતે હિરોશિમાથી આવ્યા છે. એટલે જ આ વખતે આ શહેરમાં G-7 સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1945માં હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જે પછી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. પહેલો બોમ્બ હિરોશિમામાં ફેંકવામાં આવ્યો હતો, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણો વિનાશ થયો હતો. આ જ કારણ છે કે જાપાનમાં મૃત્યુના દ્રશ્યો જોઈ રહેલા આ શહેરમાં આ મોટી કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેથી કરીને પરમાણુ હથિયારોના વધતા ખતરાને લઈને દુનિયાને સંદેશો આપી શકાય.