સપના દેસાઈ
મુંબઈ: ભારતમાં જી-૨૦ સમિટના આયોજનને કારણે દેશનું નામ આખી દુનિયામાં ખ્યાતિપ્રાપ્ત કરવાનું છે ત્યારે બીજી તરફ આ જી-૨૦ સમિટના કારણે મુંબઈમાં વિકાસનાં કામો અટકી પડ્યાં છે. ગોખલે પુલ અને અન્ય કેટલાક મહત્ત્વના બ્રિજના ટેન્ડરનું કામ પણ આ જ કારણસર વિલંબમાં પડી રહ્યું છે. અત્યારે પાલિકા વહીવટીતંત્ર આખું જી-૨૦ સમિટના આયોજનને પગલે મુંબઈને સુંદર બનાવવામાં લાગી પડ્યું છે.
અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના પુન: બાંધકામ માટેનો વર્ક ઓર્ડર આ અઠવાડિયામાં બહાર પડવાનો હતો, પરંતુ સૂત્રોના કહેવા મુજબ મુંબઈમાં ૧૩ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોેજાઈ રહેલી જી-૨૦ સમિટ માટે પાલિકાના નાના-મોટા અધિકારીઓ શહેરના સૌદર્યકરણના કામમાં લાગી ગયા છે, તેને કારણે અન્ય કામને પાછળ મૂકી દેવામાં આવ્યા છે.
ગોખલે પુલ બંધ થવાથી અંધેરીમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પારાવાર પરેશાન થઈ ગયા છે. તેથી પુલના કામને ઝડપી બનાવવા માટે પાલિકાએ રેલવે ભાગના પુન:બાંધકામ માટે ટેન્ડર મગાવ્યાં હતાં, જે ૩૦ નવેમ્બરના ખોલવામાં આવ્યાં હતાં. ખાનગી કંપનીને કામ સોંપ્યા બાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવશે એવું પાલિકા પ્રશાસને કહ્યું હતું, જોકે હજી સુધી તેના ઠેકાણા નથી.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે બ્રિજનું કામ ચાલુ કરવા માટે કૉન્ટ્રેક્ટરને વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી. જી-૨૦ સમિટ માટે વિદેશથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ આવવાના હોવાથી તેેમના આગમન પહેલાં જ મુંબઈને શણગારવાના કામમાં પાલિકાના અધિકારીઓ લાગી ગયા છે. તેથી મુંબઈના વિકાસને લગતા અન્ય કામ ૧૬ ડિસેમ્બર બાદ જ મંજૂર કરવામાં આવશે.
જી-૨૦ સમિટ શરૂ થવા પહેલા મુંબઈના સૌંદર્યીકરણના કામ પાલિકાએ હાથ ધર્યા હતા, જેમાં અનેક જગ્યાએ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વીઆઈપી મૂવમેન્ટ જ્યાં થવાની છે તે રસ્તાને ખાડામુક્ત કરવામાં આવ્યા છે. સરકારી ઈમારતો જેમાં મુખ્યત્વે ગેટ-વે ઓફ ઈન્ડિયા, એશિયાટિક લાઈબ્રેરી, મુંબઈ મહાનગરપાલિકાનું મુખ્યાલય, રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસની ઈમારત પર લાઈટિંગ કામ કરવામાં આવ્યા છે. તેમ જ અહીંના રસ્તાઓની અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક સફાઈ પર ધ્યાન આપવામાં આવી રહ્યુંં છે. ઍરપોર્ટને લાગીને આવેલા રસ્તાઓની જાળવણી, ફૂટપાથ, સાઈનબોર્ડ વગેરેના સમારકામ કરીને તેને નવેસરથી શણગારવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન સૂત્રોએ કહ્યું હતું કે ફક્ત ગોખલે પુલના જ નહીં, પણ અન્ય વિકાસને લગતા કામમાં પણ વિલંબ થવાનો છે, કારણ કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં સુધારાના કામ ચાલી રહ્યા છે અને તેમાં ખાસ્સો એવો સમય લાગવાનો છે.