આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીર સંઘપ્રદેશમાં G-20 ની બેઠક યોજાવાની છે, એવા સમયે અહીંથી શક્તિશાળી IED મળી આવ્યા છે અને સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસો પણ તેજ બન્યા છે. સુરક્ષા જવાનોના 3 એન્કાઉન્ટરમાં 7 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. સુરક્ષા એજન્સીઓને ઇનપૂટ મળ્યા છે કે આતંકવાદીઓ આગામી G-20 મીટિંગને વિક્ષેપિત કરવાની યોજના બનાવી રહ્યા છે, જેને કારણે સમગ્ર જમ્મુ અને કાશ્મીરને હાઇ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. સુરક્ષા અધિકારીઓ પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે. આ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
પોલીસે અહીં એક આતંકવાદીના મદદગારની ધરપકડ કરી છે. આ સાથે અહીંથી લગભગ છ કિલો IED પણ મળી આવ્યું છે. આ મામલે પોલીસ અને સુરક્ષા દળોની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, પુલવામા પોલીસે આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ કરી છે. તે પુલવામાના અરીગામ વિસ્તારનો રહેવાસી છે. તેની પાસેથી મળેલી માહિતી બાદ પોલીસે લગભગ પાંચથી છ કિલો વજનનું IED જપ્ત કર્યું હતું અને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
રાજૌરીના કાંડી જંગલ વિસ્તારમાં આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ IEDsનો આ મોટો જથ્થો ઝડપાયો હતો. શુક્રવારે જ આતંકવાદીઓએ કાંડી વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો હતો, આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. રવિવારે જમ્મુ-કાશ્મીર પોલીસે મોટી માત્રામાં IEDs જપ્ત કર્યા હતા કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ IEDની રિકવરી અંગે જાણકારી આપી હતી.
એક ટ્વિટમાં, કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આતંકવાદીના સહયોગીના ખુલાસાના આધારે, 5-6 કિલો IED બરામદ કરવામાં આવ્યું હતું, જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે.
છેલ્લા પાંચ દિવસમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 7 આતંકવાદીઓમાંથી ત્રણ દક્ષિણ કાશ્મીરના હતા. કાશ્મીરમાં સતત ત્રણ એન્કાઉન્ટર બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ લેવલ પર વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓ અથવા વિસ્ફોટકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હિલચાલ અટકાવવા માટે ઉભા કરાયેલા વિવિધ ચેકપોઈન્ટ પર સ્નિફર ડોગ્સ સુરક્ષા કર્મચારીઓને વાહનોની તપાસમાં મદદ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે કારણ કે કાશ્મીર આ મહિનાના અંતમાં G-20 કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે.
જમ્મુ-કાશ્મીરમાં આ સમયે હાઇ એલર્ટ છે. સેના ખાસ કરીને રાજૌરીના જંગલોમાં અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. રાજૌરી જિલ્લાના કોત્રંકાના કેસરી હિલ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજૌરીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સેના, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દરેક પગલે નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી છે.