મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં આજે વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા અને વ્યાજદરમાં વધારાની આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે ધાતુના ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક બજારને અનુસરતા આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન, નિકલ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૫૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો ધીમો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન, નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૫ ઘટીને રૂ. ૨૧૭૫, રૂ. ૩૭ ઘટીને રૂ. ૨૧૩૩ અને રૂ. ૧૨ ઘટીને રૂ. ૮૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૭૩૦ અને રૂ. ૨૭૨ તથા કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૭૫૪ અને રૂ. ૭૪૬ના મથાળે રહ્યા હતા.