Homeમેટિનીફિલ્મમાંથી ફંગોળાયો ઓટીટીએ આવકાર્યો

ફિલ્મમાંથી ફંગોળાયો ઓટીટીએ આવકાર્યો

૧૯૯૦ના દાયકામાં ધમાકેદાર પરફોર્મન્સથી પધરામણી થયા પછી ગયા દાયકામાં સાવ ભુલાઈ ગયેલા ધરમ પ્રાજીના પુત્તરની પાટા પરથી ખડી પડેલી ગાડી ‘ઘેર બેઠા થિયેટર’ના વાતાવરણમાં પાટા પર ચડી ગઈ છે

વિશેષ -હેન્રી શાસ્ત્રી

અમિતાભ બચ્ચન હોય કે બોબી દેઓલ, પ્રતિભા ઢાંકી નથી શકાતી. ૧૯૭૩થી ૧૯૯૩ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાદશાહી ઠાઠ ભોગવનાર શ્રીયુત અમિતાભ બચ્ચનનો કપરો કાળ શરૂ થયો. એક સમયે તેમને સાઈન કરવા નિર્માતાઓ તેમના બંગલાની બહાર લાઈન લગાવી ઊભા રહેતા. વખત એવો વાંકો થયો કે અમિતજીએ કામ મેળવવા યશ ચોપડાના દરવાજે ટકોરા મારવા પડ્યા. યશજીએ દીકરા આદિત્યની ફિલ્મ ‘મોહબ્બતેં’માં (૨૦૦૦) એક મહત્ત્વનો રોલ આપ્યો અને એ જ અરસામાં ટીવી પર ‘કૌન બનેગા કરોડપતિ’ શો શરૂ થયો. પછી વખત સીધો અને સાથે એવો ટટ્ટાર થયો કે આજે ૨૦૨૩માં અમિતજીની પાંચ ફિલ્મ ફ્લોર પર છે અને બીજા કેટલાક તેમની સાથે કામ કરવા તલપાપડ છે. સરખમણીનો મુદ્દો નથી, પણ ૧૯૯૦ના દાયકામાં ધમાકેદાર આગમન કરનાર ધરમજીના અનુજ પુત્ર બોબી દેઓલની કારકિર્દીમાં પણ આવું જ કંઈક નજરે પડી રહ્યું છે. પહેલી જ ફિલ્મ ‘બરસાત’ (૧૯૯૫) સુપરહિટ, બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ છોગામાં અને ‘નવા સ્ટારની પધરામણી’ જેવી નવાજેશથી બોબી દેઓલની ગાડી સડસડાટ દોડવા લાગી હતી. ‘ગુપ્ત’, ‘સોલ્જર’, ‘બાદલ’, ‘બિચ્છુ’ વગેરે ફિલ્મોથી બોબીની બોલબાલા વધી ગઈ. જોકે, સફળતાનો સિલસિલો બહુ લાંબો ન ચાલ્યો અને ૨૦૧૦ – ૨૦૨૦ દરમિયાન તો જૂજ સફળતા ઝાઝી નિષ્ફળતા એવો હિસાબ કિતાબ રહ્યો અને વખત એવો વાંકો થયો કે કામ વિના બેસવાનો અને હતાશામાં સરી પડવાનો વખત આવ્યો. જોકે, કોવિડ – ૧૯ની મહામારીને પગલે ઓટીટી પ્લેટફોર્મના દર્શકોમાં આવેલી મોટી ભરતીના મોજા પર સવાર થવાનો મોકો જે કલાકારોને મળ્યો એ યાદીમાં બોબી દેઓલનું નામ વટથી બિરાજમાન છે.
મહામારી દરમિયાન ઓટીટીના વધેલા પ્રભુત્વના સંદર્ભમાં એક મહત્ત્વના બદલાવનો ખ્યાલ અનુજ દેઓલને આવ્યો અને એ બદલાવને અમલમાં મૂકવાના પ્રયત્નો તેણે શરૂ કરી દીધા. ઓટીટી પર આવતી વેબ સિરીઝમાં વિષય અને પાત્ર કેવું છે એ મહત્ત્વને તેણે સમજી લીધું. શાહરુખ ખાનના બેનર રેડ ચિલીઝના નિર્માણ હેઠળ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘ક્લાસ ઓફ ૮૩’ ફિલ્મમાં બોબીને વરિષ્ઠ પોલીસ ઓફિસર (એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસર) વિજય સિંહનું પાત્ર સાકાર કરવાની તક મળી. બોબીએ બેઉ હાથે તક ઝડપી લીધી અને એના પરફોર્મન્સના ભારોભાર વખાણ થયા. હાંફી ગયેલા બોબીને ઢાળ દેખાયો અને પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘આશ્રમ’ની સફળતાને પગલે નિર્માતાઓના લિસ્ટમાં તેનું નામ ફરી દેખાવા લાગ્યું. ૨૦૨૦- ૨૩ દરમિયાન ‘આશ્રમ’ની ત્રણ સિઝન આવી જેના કુલ ૨૮ એપિસોડમાં કાશીપુરવાલે બાબા નિરાલાના રોલથી અનુજ દેઓલ ડિમાન્ડમાં આવી ગયો. ગયા વર્ષે ઓટીટી પર જ રિલીઝ થયેલી શાહરુખની કંપની રેડ ચિલીઝ નિર્મિત ‘લવ હોસ્ટેલ’માં નેગેટિવ રોલ ભજવીને પોઝિટિવ પ્રતિક્રિયાઓ મેળવી. આમ ઓટીટી પ્લેટફોર્મ બોબી માટે શુકનવંતું સાબિત થયું અને આજની તારીખમાં મિસ્ટર દેઓલની પ્લેટ ખીચોખીચ ભરેલી છે. એના આગામી પ્રોજેક્ટ્સમાં કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ ૫’, ’હરિ હર વીરા મલ્લુ’ (તેલુગુ – સાઉથની પેન ઈન્ડિયા ફિલ્મ), રોમાંચક જાસૂસી કથા ’શ્ર્લોક – ધ દેશી શેરલોક’, ‘અપને ૨’, થ્રિલર ‘શૂટઆઉટ એટ ભાયખલા’, ક્રાઈમ – મિસ્ટ્રી ‘પેન્ટહાઉસ’ અને ડ્રામા ફિલ્મ ‘એનિમલ’નો સમાવેશ થાય છે. કોઈ ફિલ્મનું પ્રિ – પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે તો અમુકના શૂટિંગ ચાલી રહ્યા છે તો એકાદ બે રિલીઝ થવાની તૈયારીમાં છે. ટૂંકમાં કહીએ તો પાટા પરથી ખડી પડેલી ધરમ
પ્રાજીના અનુજની ગાડી પાટે ચડી ગઈ છે. અલબત્ત એ સડસડાટ દોડશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે, પણ બોબી
દેઓલ આજે વોન્ટેડ મેન બની ગયો છે એ હકીકત છે.
આ સંદર્ભમાં બોબીએ એક ઈન્ટરવ્યૂમાં કહેલી વાત જાણવા જેવી છે. તેણે કહ્યું હતું કે ‘મેં કામ કરવાનું બંધ નહોતું કર્યું. વાત એમ હતી કે મારી ફિલ્મો ચાલતી નહોતી કે એની ચર્ચા નહોતી થઈ રહી. હા, વચ્ચે ત્રણ વર્ષ બહુ કપરા ગયા જ્યારે કામ વિના હું માખી મારતો બેસી રહ્યો હતો. અલબત્ત દરેક એક્ટરની કારકિર્દીમાં ઉતાર-ચડાવ આવતા જ હોય છે. મારી સાથે પણ એવું થયું. જોકે, જાત પર શ્રદ્ધા ન હોય તો પડ્યા પછી ઊભા થવામાં બહુ તકલીફ પડે. એ ત્રણ વર્ષમાં હું હતાશ થઈ ગયો હતો, પણ મારી આવડતમાંથી મેં ભરોસો નહોતો ગુમાવ્યો. મારી શ્રદ્ધા નહોતી ડગમગી ગઈ અને મહેનતના મીઠાં ફળ આજે નહીં તો આવતીકાલે ચાખવા તો મળે જ છે. જાત અનુભવ પરથી આ બધું શીખ્યો છું.
અત્યારે કારકિર્દીના ખૂબસુરત પડાવ પર હું ઊભો છું. મહેનત અને લગનથી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાના મારા સતત પ્રયાસ રહેશે.’
ખરાબ દિવસો વિશે અનુજ દેઓલે એકદમ નિખાલસતાથી વાતો કરી હતી. ‘મારો માઠો સમય ચાલી રહ્યો હતો. દારૂની લતે ચડી ગયો હતો,’ બોબી જણાવે છે, ‘મારા પરિવારના લોકોને મારી હાલત જોઈને બહુ દુ:ખ થતું હતું. હું હતાશામાંથી ક્યારે બહાર આવીશ એની ચિંતા તેમને કોરી ખાતી હતી. મારા બાળકો મારી પત્નીને સવાલ કરતા હતા કે ‘પપ્પા કામ પર કેમ નથી જતા?’ આ વાતે મને ચોંકાવી દીધો અને મેં કામ શોધવાનું શરૂ કર્યું. એવામાં એક દિવસ સલમાન સાથે મુલાકાત થઈ. તેણે કહ્યું કે જો ભાઈ દરેકની કારકિર્દીમાં ચડતી પડતી આવતી હોય છે. કપરા કાળમાં પોતે મારા ભાઈ (સની દેઓલ) અને દત્તની પીઠ પર સવાર થઈ આગળ વધ્યો હતો અને મારે પણ સોલો હીરોની ઈચ્છા બાજુએ મૂકી અન્ય હીરો સાથે કામ કરવું જોઈએ એમ તેણે મને જણાવ્યું હતું. એ વાત સાંભળી મેં સલમાનને એટલું જ કહ્યું કે મને તારી પીઠ પર સવાર થઈ આગળ વધવાનો મોકો આપ. તેણે એ વાત યાદ રાખી અને ‘રેસ ૩’નો રોલ મને ઓફર કર્યો. મારા જીવમાં જીવ આવ્યો અને મેં એ રોલમાં જીવ રેડીને કામ કર્યું. જીવનમાં ક્યારે અને કેવા વળાંક આવે એની કોઈ વ્યાખ્યા નથી હોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -