ગુજરાતમાં ઉત્તરાયણ ખૂબ જ લોકપ્રિય અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. રાજ્ય સરકારે આને એક ઉત્સવ બનાવી દીધો છે ત્યારે આજથી પતંગોત્સવનો પ્રારંભ થશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોની હાજરીમાં ઉત્સવનો રંગારંગ પ્રારંભ થશે.
કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવી છે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટની યજમાની કરી કરવા જઈ રહ્યો છે .
આ ઉપરાંત દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે. અમદાવાદ સહિત દસ શહેરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 52 દેશ, 14 રાજ્યએ ભાગ લીધો છે. આકાશમાં ઉડતા આ રંગીન, વિશાળ પતંગ જોવા અમદાવાદીઓ મોટી સંખ્યામા આવે છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે એની વર્કશોપ પણ રાખવામાં આવી છે. આ સાથે હેન્ડીકાફ્ટ અને ખાણી-પીણીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે.