કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે ગુજરાતમાં ચૂંટણીલક્ષી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાવણ સાથે સરખામણી કરી હતી. દરેક ચૂંટણી માટે મોદી પર વધુ આધાર રાખવા બદલ ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ અમદાવાદના બહેરામપુરામાં એક જાહેર રેલીમાં કહ્યું હતું કે , “અમને કોર્પોરેશનની ચૂંટણીઓ, ધારાસભ્યોની ચૂંટણીઓ કે સાંસદની ચૂંટણીઓ, દરેક જગ્યાએ તમારો (મોદીનો) ચહેરો દેખાય છે… શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?”
ભાજપે સ્વાભાવિક જ કૉંગ્રેસના આવા નિવેદનને હળવાશથી નથી લીધું. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ કોંગ્રેસ પાર્ટી પર વડાપ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. “મૌત કા સૌદાગર” થી “રાવણ” સુધી કોંગ્રેસ સતત ગુજરાત અને તેના પુત્રનું અપમાન કરે છે.” એમ અમિતે જણાવ્યું હતું.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે કૉંગ્રેસના નેતાઓએ મોદી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હોય કે તેમનું અપમાન કર્યું હોય, પરંતુ આવા દરેક શાબ્દિક હુમલાઓ બાદ મોદી વધુ મજબૂત વધુ કદાવર નેતા બનીને ઉભર્યા છે. અને દરેક વખતે અચુક એવું થયું છે કે મોદીનું અપમાન કરતી કૉંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે અને તેમનો પોપ્યુલારિટી ગ્રાફ નીચે આવી ગયો છે.
‘મૌતના સૌદાગર’ મોદી
2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મૌતના સૌદાગર કહ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ગુજરાતના નવસારીની ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે- જેઓ ગુજરાતની સરકાર ચલાવે છે તેઓ જુઠ્ઠા, અપ્રમાણિક અને મોતના સોદાગર છે, પરંતુ પોતાના ઉત્તમ વક્તૃત્વ કૌશલ્યનો ઉપયોગ કરીને, મોદીએ આ અપમાનને કોંગ્રેસ સામેના હથિયારમાં ફેરવી દીધું, અને કહ્યું કે મોતના સોદાગર એ લોકો છે જેમણે સંસદ પર હુમલો કરનારાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે”. થોડા દિવસો પછીની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું અને મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી ગુજરાતમાં સત્તા પર આવ્યો હતો.
‘ચાયવાલા અને નીચ’ મોદી
2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે એક સભામાં પીએમ મોદીને ચાયવાલા અને નીચ કહ્યા હતા. પીએમ મોદી પર ઐય્યરની ટિપ્પણી અયોગ્ય અંગત હુમલો હતો, પણ તેમની આ ટિપ્પણીએ ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર મોદીને ઘણી મદદ કરી હતી. મોદીએ આ અપશબ્દોને પોતાની ઢાલ બનાવી હતી અને દરેક ભાષણમાં તેમની નમ્ર પૃષ્ઠભૂમિને પ્રકાશિત કરવા અને કોંગ્રેસ પર હુમલો કરવા માટે આ જ શબ્દનો ઉપયોગ કર્યો હતો. અને 2014ની લોકસભાની ચૂંટણીનું પરિણામ તો દુનિયાની નજર સામે છે. કૉંગ્રેસ માત્ર 45 બેઠકો પર સંકેલાઇ ગઇ.
“બહાદુર જવાનોના લોહીથી રાજકીય નફાખોરી” કરતા મોદી
2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધી કાશ્મીરમાં પુલવામા હુમલા અને 2016 માં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સને લઈને રાજકીય બોક્સિંગ રિંગમાં કૂદી પડ્યા હતા. તેમણે પીએમ મોદી પર એનડીએ સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે “બહાદુર જવાનોના લોહીથી રાજકીય નફાખોરી” કરવાનો આરોપ મૂક્યો હતો. 2019ના લોકસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે તેમનું નિવેદન બૂમરેંગ થઈ ગયું.
મોદીજી દુલ્હન જેવા છેઃ નવજોત સિંહ સિદ્ધુ
પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે IAF દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા પછી, કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદીની તુલના એક દુલ્હન સાથે કરી જે ફક્ત કામ કરવાનો ડોળ કરે છે. “મોદીજી એ દુલ્હન જેવા છે જે થોડીક રોટલી બનાવે છે પણ વધુ અવાજ કરે છે જેથી પડોશને ખબર પડે કે તે કામ કરી રહી છે. વેલ, તેમના આ નિવેદનથી મોદીને તો કંઇ નુક્સાન નહીં થયું, પરંતુ પંજાબમાંથી કૉંગ્રેસનો એકડો નીકળી ગયો.
‘ચોકીદાર ચોર છે’
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, શા માટે દરેક ચોરોની અટક મોદી છે. તેમણે રાફેલ ફાઈટર જેટ ડીલનો મુદ્દો ઉઠાવ્યો અને ચોકીદાર (મોદી) ચોર હોવાનો આક્ષેપ કર્યો. આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે રાહુલે મોદીની માફી માગવી પડી હતી.
ઔરંગઝેબનો આધુનિક અવતાર – મોદી
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા સંજય નિરુપમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔરંગઝેબનો આધુનિક અવતાર ગણાવ્યા હતા. મોદીએ વારાણસીમાં સેંકડો મંદિરો ધ્વસ્ત કર્યા અને કાશી વિશ્વનાથના દર્શન માટે 550 રૂપિયાની ફી રાખી છે. તેમણે ભગવાનને મળવા માટે ભક્તો પર જજિયા વેરો લગાવ્યો છે, એવો આક્ષેપ સંજય નિરુપમે કર્યો હતો.
‘હું મોદીને ફટકારી શકું છું’ – નાના પાટોલે
ટૂંક સમય પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ એક ભાષણમાં જણાવ્યું હતું કે ‘હું મોદીને ફટકારી શકું છું અને તેમને અપશબ્દો પણ કહી શકું છું'”
વખતોવખત, એ સાબિત થયું છે કે કોંગ્રેસ પોતાના નિવેદનોથી હાંસીપાત્ર ઠરી છે અને પોતાની જ જાળમાં ફસાઇ છે. જોકે, કૉંગ્રેસ કરતા તો અન્ય પ્રાદેશિક પક્ષો વધારે સમજદાર પુરવાર થયા છે. તેઓ સમજી ગયા છે કે પીએમ મોદી પર અંગત હુમલો કરવો એટલે પોતાના જ પગ પર કુહાડો મારવો.