શ્રદ્ધાની આફતાબ દ્વારા નિર્મમ હત્યા થયા પછી લિવ ઈન રિલેશનશિપ વિશે ચોરે ને ચૌટે ચર્ચાઓ થવા લાગી છે
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
અંગ્રેજી ભાષા પણ કમાલની છે. લિવ-LIVE સ્પેલિંગ હોય તો સાથે રહેવું અને LEAVEના સ્પેલિંગ હોય તો છોડવું એવો શબ્દ થાય છે.
બોલવામાં લિવ બોલાય પણ અર્થઘટન બિલકુલ વિપરિત છે. દિલ્હીમાં આફતાબે કરેલી શ્રદ્ધાની ઘાતકી હત્યા પછી ચૌરેને ચોટે લિવ ઇન રિલેશનશિપની ચર્ચા થવા લાગી છે. બધા જ લિવ ઇન રિલેશનશિપનો કરુણ અંજામ આવતો નથી.
પરંતુ જેમ ડોશી મરે ને જમ ઘર ભાળી જાય તેમ અમુક પ્રેમીઓ આ વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવતા થઇ ગયા છે. લગ્ન કરતાં લિવ ઇન રિલેશનશિપમાં છૂટા પડવું અતિ સહેલું છે એ વાત જગજાહેર હોવાથી કેટલાક લોકો તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.
લગ્ન કર્યા પછી છૂટાછેડાના અદાલતી ચક્કરમાં ફસાવા કરતાં લિવ ઇનથી લિવ આઉટ થવાનું ઘણા લોકોને ફાવી ગયું છે ત્યારે તેના દરેક પાસાં પર ચર્ચાવિચારણા જરૂરી બની ગઇ છે.
સગાઇ એક પ્રકારની મિનિ લિવ ઇન રિલેશનશિપ
ઘરમાં સંતાનોના લગ્નની વાત ચાલતી હોય ત્યારે વડીલો એક સલાહ આપતાં કે સગાઇ અને લગ્ન વચ્ચે ઓછામાં ઓછો એક વર્ષનો ગાળો રાખવો. આ વાત ખરેખર ડહાપણભરી હતી. છોકરા છોકરી એકબીજા સાથે હરેફરે, વાતચીત કરે તો તેમને એેકબીજામાં રહેલી સામયતા અને મતભેદો વિશે ખબર પડે. કેટલાક સમાજમાં તો છોકરા છોકરીઓ લગ્નપ્રસંગે પોતાના સાસરે રાત્રે રોકાઇ જાય તેવું પણ બને. અલબત્ત તેઓ સાથે એકાંતમાં સૂએ નહીં તેની તકેદારી અવશ્ય રખાય. આ વ્યવસ્થાને કારણે પણ છોકરા-છોકરી એકબીજાને ઘરના કપડામાં નજીકથી જોઇ શકે. તેમની દિનચર્યા નિહાળી શકે. સંવાદ સાધી શકે અને આટલું કર્યા પછી પણ સગાઇ તોડવી હોય તો તોડી શકાતી. સગાઇ અને લગ્ન વચ્ચે ત્રણે ઋતુ પસાર થાય તો આટલો ફાયદો થાય.
આ જ સગાઇ હવે થોડા સુધારા (કે બગાડા?) સાથે લિવ ઇન રિલેશનશિપમાં આવી છે જેમાં છોકરા-છોકરી માત્ર સાથે રહેતાં જ નથી પણ શારીરિક સંબંધ પણ બનાવે છે. એમ કહોને કે કોઇ પણ જાતની જવાબદારી વિના પતિપત્નીની જેમ સાથે રહેવાના ઓરતા પૂરા કરે છે.
લિવ ઇન એટલે ગાજરની પિપુડી,
વાગે ત્યાં સુધી વગાડવાની નહીં તો ખાઇ જવાની.
ફાવે ત્યાં સુધી સાથે રહેવાનું નહીં તો અલગ થઇ જવાની છૂટ.
સૌથી વધારે મહિલાઓએ ભોગવવું પડે છે
એક વાત તો નક્કી જ છે કે સાથે જીવવાની કોઇ પણ પ્રથા હોય, આજના આધુનિક સમયમાં પણ સૌથી વધારે મહિલાઓને જ ભોગવવાનું આવે છે. મહિલાઓને કુદરતે વધુ પડતી સંવેદનશીલતા અને ક્ષમાભાવ આપ્યો છે. ભેંસના શિંગડા જેમ ભેંસને ભારે પડે તેમ સ્ત્રીઓને આ સ્વભાવ ઘણી વાર ભારે પડે છે. શ્રદ્ધાના કેસમાં પણ આવું જ બન્યું. આફતાબે તેની હત્યા કરી તે પહેલાં ઘણી વાર તેની પર હાથ ઉપાડ્યો હતો, એવી મારઝૂડ કરી હતી કે તેના ચહેરા પર પણ નિશાન ઊઠી આવ્યા હતા. તેની ફિઝિયોથેરાપિસ્ટ સહેલીએ આ વાતનો પર્દાફાશ પણ કર્યો છે. શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી છતાંય બાદમાં કોણ જાણે કેમ તે ભાવુક બનીને તેની સાથે રહી.
માબાપ સાથે સંબંધ ન તોડો
એક વાત એ પણ ચર્ચાય છે કે શ્રદ્ધાએ તેનાં માબાપને રોકડું પરખાવી દીધું હતું કે તે હવે પુખ્ત વયની થઇ ચૂકી છે અને પોતે પોતાના જીવનના નિર્ણયો લેશે. પ્રેમ લગ્ન હોય કે લિવ ઇન રિલેશનશિપ, આજ કાલના છોકરાછોકરીઓ જેમની સાથે વીસ-પચ્ચીસ વર્ષ સુધી રહ્યા હોય તે માબાપને પોતાના આકર્ષણ કે પ્રેમ ખાતર છોડી દેતા અચકાતા નથી. તેમના અનુભવનો લાભ લેતા નથી. એરેન્જ મેરેજ કરવા હોય ત્યારે છોકરીઓ હજાર જાતની ચકાસણી કરે છે. તેમનાં માબાપ પણ ઘણી ચકાસણી કરે છે, પણ કોણ જાણે કેમ વિજાતીય આકર્ષણ કે પ્રેમ થયા પછી તેમને બીજું કશું જ દેખાતું નથી. કોઇકે સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો છે. એરેન્જ મેરેજ કરતી વખતે છોકરાને ત્રણ બેડરૂમ હૉલ કિચન છે કે નહીં એવું વિચારતી ક્ધયાને જો પ્રેમ થઇ જાય તો એ છોકરા સાથે જંગલની ઝૂંપડીમાં પણ રહેવા તૈયાર થઇ જાય છે. આ વાતનો છોકરાઓ પણ ભરપૂર ફાયદો ઉઠાવે છે અને છોકરીઓને લગ્ન પહેલાં અને પછી પણ ઇમોશનલી બ્લેક મેઇલ કરતા રહે છે. શિક્ષિત છોકરીઓએ પોતાની સંવેદનશીલતા માત્ર પ્રેમી સાથે જ નહીં, પણ માબાપ સાથે પણ દાખવવી પડશે. માબાપની ઇચ્છા અને અનુભવને શિક્ષક સમજીને પોતાનો પાર્ટનર નક્કી કરવાના પાઠ ભણવા પડશે. શ્રદ્ધાએ પોતાનાં માબાપને તરછોડી દીધાં હતાં અને હવે તે કયા મોઢે તેમની પાસે જાય એવા વિચારે પણ તે આફતાબ સાથે રહી હોય. એક વાર તે તેનાં માબાપ પાસે ગઇ હોત અને પેટછૂટી વાત કરી હોત તો કદાચ આવી દુર્ઘટના ન પણ બની હોત. પેલી કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માબાપે તેને સુબહકા ભૂલા શામ કો લોટ આયા એમ સમજીને અપનાવી લીધી હોત. સાથ સહકાર પણ આપ્યો હોત. આજ કાલની છોકરીઓએ આ વાત સમજવા જેવી છે. લિવ રિલેશનશિપમાં રહેતી મહિલાઓને લગ્નની જેમ કાયદાનું કોઇ સંરક્ષણ છે કે નહીં? આની ચર્ચા આવતે અઠવાડિયે. ઉ