સમાજ સેવા, સોશિયલ વર્ક કે સેવાભાવી પ્રવૃત્તિઓ નામ અનેક પણ અર્થ તો એક જ… આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને આપણે અહીં વાત કરીશું એક એવી શખ્સિયત વિશે કે જેમને ભગવાને આપણી જેમ દિવસના ૨૪ કલાક જ આપ્યા છે, પણ તેમ છતાં તેઓ આ ૨૪ કલાકમાં ૨૪૦૦ કલાક જીવી લે છે… વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના મળીએ ઈન્દિરા કિનારીવાલાને.
કારકિર્દીના શ્રીગણેશ ફર્નિંશિંગમાં પ્રિન્ટિંગના બિઝનેસથી કરનારાં ઈન્દિરાબહેનને આજે કોઈ વિશેષ ઓળખની જરૂર નથી, કારણ કે તેમનું નામ નહીં પણ કામ જ બોલે છે. વ્યવસાયે ટેક્સટાઈલ ડિઝાઈનર એવાં ઈન્દિરાબહેન આજે એક સાથે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે અને સેંકડો લોકોના જીવનને સંવારવાનું ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યાં છે. ઈન્દિરાબહેનનું એવું દ્રઢપણે માનવું છે કે માણસનું નામ નહીં કામ બોલવું જોઈએ. કોઈ પણ ક્ષેત્ર કેમ ના હોય તમે જ્યારે તમારી જાતને એની સાથે ઓળઘોળ કરી નાખોને ત્યારે સફળતા મળે જ છે અને જો આવું કર્યા છતાં તમને સફળતા નથી મળતી તો તમે ક્યાંકને ક્યાંક તમારા પ્રયાસોમાં કોઈને કોઈ કમી ચોક્કસ રાખી હશે.
એક સફળ બિઝનેસવુમનથી એક સફળ અને સક્રિય સમાજ સેવિકા બનવાની તેમની સફર વિશે વાત કરતાં ઈન્દિરાબહેન મુંબઈ સમાચારને જણાવે છે કે મારી એક બહેનપણી હતી એણે મને એક દિવસ કહ્યું કે ઈન્દિરા બિઝનેસમાં તો કોઈ તારો હાથ ઝાલી શકે એમ નથી, હવે તારે સામાજિક પ્રવૃત્તિ તરફ પણ થોડું યોગદાન આપવું જોઈએ અને ૨૦૦૧થી તો હું મહારાષ્ટ્ર સ્ટેટ વિમેન કાઉન્સિલમાં મેમ્બર હતી જ બસ થોડું પુશ કર્યું અને મારા માટે જાણે એક નવી જ દુનિયાના દરવાજા ખુલી ગયા. ૨૦૧૬માં હું ફંડ્સ કમિટીમાં ચેરમેન તરીકે જોડાઈ. એ વખતે રોટરી ક્લબના સહયોગથી ન્યુ એરા સ્કૂલના ટીચર સાથે મળીને ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન પણ કર્યું હતું, જેમાં ૧૫ સ્કૂલના છોકરાઓ સાથે મેં મારા અંડર પ્રિવિલેજ બચ્ચાઓને પણ પાર્ટિસીપેન્ટ કરાવ્યું હતું. મોઢ સમાજની વાત કરું તો ૨૦૧૧થી શ્રી મોઢ વણિક સેવા સમાજ-અંધેરીમાં જોઈન્ટ સેક્રેટરી છું અને અખિલ મોઢ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં ૨૦૧૯થી ટ્રસ્ટી અને પ્રેસિડન્ટ છું. આ ટ્રસ્ટમાં મારા સહયોગી સભ્યોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે…
સમાજ સેવાની દિશામાં આગળ વધી રહેલાં ઈન્દિરાબહેનનો પરિવાર વિસ્તરવા લાગ્યો. અખિલ મોઢ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની જ એક એક્ટિવિટી હેઠળ વિલ્સન કોલેજમાં અમે લોકો ૪ સીપીયુ આપ્યા હતા. આ જ સંસ્થાના એક બીજી પ્રોજેક્ટ હેઠળ મુંબઈના થાણે નજીક આવેલા શાહપુરના ચિખલી ગામને દત્તક લેવામાં આવ્યું છે. આ ગામમાં ૯૫ જેટલા પરિવારો રહે છે. ગામના સરપંચ સાથે મળીને વાતચીત કરીને ગામના લોકોના જીવનધોરણને શક્ય એટલું ઊંચું લાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યાં છે. યુવાનોમાં એજ્યુકેશન અંગે જાગરૂકતા લાવીને તેઓ ભણી-ગણીને સારી લાઈફસ્ટાઈલ જીવે એ દિશામાં ઈન્દિરાબહેન અને તેમની ટીમ પ્રયાસો કરી રહી છે.
સમય… આજકાલ દરેક વ્યક્તિ ટાઈમ નથી મળતો નહીં તો મારે આ કરવું છે, ફલાણું કરવું છે, તે કરવું છે વગેરે વગેરે અસંખ્ય ફરિયાદો કરતી હોય છે, પણ ઈન્દિરાબહેનને જુઓ કે મળો તો કદાચ આ ફરિયાદ દૂર થઈ શકે એમ છે. આટલી બધી અલગ અલગ સંસ્થાઓ, સામાજિક પ્રવૃત્તિઓ માટે સમય કઈ રીતે મેનેજ કરી લો છો, એવું પૂછતાં જ ઈન્દિરાબહેન દિલ ખોલીને હસી પડે છે અને કહે છે કે જો એક વખત કંઈક કરવાનું નક્કી કરી લો ને તો સમય મળી જ જાય છે. સમય મળતો નથી સમય કાઢવો પડે છે. તમારું મન જે એક્ટિવિટી કરવા માટે તૈયાર હોયને એ એક્ટિવિટી કે કામ માટે તમને ઓટોમેટિકલી સમય મળી જ જાય છે.
ઈન્દિરાબહેનની આ વાત તો ૧૦૦ ટકા સાચી છે કે મન હોય તો માળવે જવાય. બાકી ઉપરવાળાએ એમને પણ તમારી-મારી જેમ ૨૪ કલાકનો જ દિવસ આપ્યો છે અને તેમ છતાં તેઓ આજે અનેક સંસ્થાઓ સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલાં છે અને વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ
ધરે છે.
પોતાની સામાજિક પ્રવૃત્તિઓનું કનેક્શન અધ્યાત્મ સાથે છે અને એ પાછળનું ગણિત સમજાવતા ઈન્દિરાબહેન જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ બીજી વ્યક્તિના દુ:ખ, દર્દ કે તકલીફને સમજી શકે જ્યારે તેના દિલમાં કરુણા વસતી હોય. તમારી અંદર કરુણાનું ઝરણું ત્યારે જ ફૂટે જ્યારે તમારી અંદર ઘમંડ નહીં હોય, અંહકારની બાદબાકી થઈ જાય અને તમે લોકોને એક સરખી નજરે જોવાનું શરૂ કરો. મને આનંદ છે કે મારા પરમાત્માએ મને નિમિત્ત બનાવી કે હું લોકોને મદદ કરી શકું.
કોઈ પણ કામ હોય કે પ્રવૃત્તિ હોય એમાં પરિવારનો સાથ સહકાર જરૂરી હોય છે, તમારી સામાજિક પ્રવૃત્તિઓમાં પરિવારનો કેવો સાથ-સહકાર રહ્યો એ સવાલના જવાબમાં તેઓ જણાવે છે કે મારા દીકરા-વહુ, દીકરી જમાઈ બધાએ જ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારી એક્સ્ટેન્ડેડ ફેમિલીએ પણ હંમેશાં જ મને પ્રોત્સાહિત કરી છે કોઈ પણ કામ કરવા માટે. સબકા સાથ, સબકા વિકાસની નીતિ મારા કેસમાં ખરેખર ખૂબ જ યથાર્થ પુરવાર થઈ છે. હું હંમેશાં બધાને સાથે લઈને ચાલવામાં માનું છું. બધા સાથે ચાલશે તો જ લોકોનો વિકાસ થશે.
ભવિષ્યની શું યોજનાઓ છે એવું પૂછતાં જ ઈન્દિરાબહેન એક પણ સેક્ધડનો વિચાર કર્યા વિના કહે છે કે મારે દરેક સ્ત્રીને આત્મનિર્ભર બનાવવી છે, સમાજમાં સમ્માનભેર જીવતી કરવી છે અને આ જ મારા જીવનનો ધ્યેય છે.
આ રહી ઈન્દિરાબહેનની સોનેરી સિદ્ધિઓ…
૨૦૧૮માં અંધેરી ચા રાજા અને લાલબાગ ચા રાજા દ્વારા હિંદુ મુસ્લિમ એકતા કમિટી માટે ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
૨૦૧૮માં જ ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા સ્પેશિયલ કેટેગરીમાં ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯થી તેમણે કરેલી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે તેજસ્વી મોઢ નારી શક્તિ ઈન્ટરનેશનલ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ઉપનગર મોઢ વણિક સમાજ વિલેપાર્લે દ્વારા નારી ૨૦૧૯માં નારી વંદના ઍવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો છે…
આટલી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે ઈન્દિરા કિનારીવાલા
મહારાષ્ટ્ર સ્ટેટ વુમેન્સ કાઉન્સિલ-૨૦૦૧થી અત્યાર સુધી તેઓ આ કાઉન્સિલ સાથે સંકળાયેલાં છે. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર સાથે ૨૦૧૩થી તેઓ સંકળાયેલાં છે. રાધિકા ટ્રસ્ટ વૃંદાવનમાં તેઓ ૨૦૧૫થી ટ્રસ્ટી તરીકે જોડાયેલાં છે. દ્વારકા મીરા મંદિર સાથે પણ તેઓ ૨૦૧૩થી જોડાયેલાં છે. ૨૦૧૧થી મોઢ-વણિક સેવા સમાજ અંધેરીમાં તેઓ જોઈન્ટ સેક્રેટરી છે.
અખિલ મોઢ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તરીકે ૨૦૧૯થી સંકળાયેલાં છે. આયુષમાન પ્રતિષ્ઠાન સાથે ૨૦૧૯થી તેઓ સલાહકાર તરીકે સંકળાયેલા છે
૩૧મી માર્ચ, ૨૦૧૮થી તેઓ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએટ્સના નેશનલ ડિરેક્ટર એન્ટી કરપ્શન સેલ સાથે પણ તેઓ જોડાયેલા છે.