ચાર દિવસ પછી એટલે કે પહેલી એપ્રિલથી નવું નાણાંકિય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવું વર્ષ પોતાની સાથે ઘણા બધા ફેરફારો લઈને આવી રહ્યું છે. આ નવા ફેરફારો વિશે માહિતી મેળવી લેવી તમારા માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય એમ છે.
પહેલી એપ્રિલથી શેર બજારમાં રોકાણ, આવકવેરો સહિત અનેક અન્ય ખર્ચાઓ સાથે સંકળાયેલા નિયમોમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પાન-આધાર કાર્ડની લિંકિંગ ડેડલાઈન 31 માર્ચ સુધીમાં પૂરી થઈ રહી હતી, પણ હવે આ મુદ્દતને વધારીને 2024 કરવામાં આવી છે. અનેક ઓટો કંપનીઓ પોતાની ગાડીઓ મોંઘી કરશે આ ઉપરાંત એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે તથા બેંકોની રજાઓની યાદી જેવા ફેરફાર પણ છે. જે દર મહિનાની પહેલી તારીખ રિવાઈઝ થાય છે. આવા અનેક ફેરફારો તમારી ડેટુ ડે લાઈફને અફેક્ટ કરવા જઈ રહ્યા છે.
આવો જાણી લઈએ આ નવા ફેરફારો વિશે જેથી પાછળથી કોઈ મુશ્કેલી ના પડે…
આધારકાર્ડ-પેનકાર્ડ લિંકિંગ ડેડલાઈન
જો તમે હજુ સુધી તમારું પેન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યું હોય તો હવે કરાવી લો. પહેલાં આ માટે 31મી માર્ચની મુદ્દત આપવામાં આવી હતી, પણ હવે આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. આવું નહીં કરનાર લોકોના પેન કાર્ડ ઈનએક્ટિવ થશઈ જશે. આવકવેરા એક્ટની સેક્શન 139AA મુજબ દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ 2017ના રોજ એક PAN ફાળવવામાં આવ્યું છે અને જે આધાર નંબર મેળવવા પાત્ર છે, નિર્ધારિત ફોર્મ અને યોગ્ય રીતથી પોતાના આધાર નંબરની જાણકારી આપશે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ સુધીમાં લેટ ફી પેમેન્ટ સાથે પોતાનું આધાર અને પેન અનિવાર્ય રીતે લિંક કરાવવું પડશે. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલ બાદ તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.
કાર લેવાનું સપનું થશે ખર્ચાળ
BS-6ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે ઓટો કંપનીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે આ ઉપરાંત ઈન્ફલેશનને જોતાં આ કંપનીઓ આ વધેલા ખર્ચાનો બોજો ગ્રાહકો પર નાખી રહી છે અને આવામાં જો તમે પહેલી એપ્રિલ પછી ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા ખિસ્સા ઉપર પણ વધુ બોજો પડશે. Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પહેલી એપ્રિલથી પોતાની ગાડીઓના અલગ અલગ વેરિએન્ટ્સમાં ભાવમાં વધારો કરશે.
દિવ્યાંગજનો ફરજિયાત બનશે UDID
દિવ્યાંગજનોએ 17 સરકારી યોજનાઓનો લાભ લેવા માટે એક એપ્રિલથી ફરજિયાતપણે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા દિવ્યાંગજનો માટેના વિશિષ્ટ ઓળખપત્ર (UDID) સંખ્યા બતાવવી પડશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે UDID ન હોય તો તેમણે દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે UDID નામાંકન સંખ્યા (ફક્ત UDID પોર્ટલ દ્વારા મળેલ) પ્રદાન કરવું પડશે. દિવ્યાંગ કેસોના વિભાગ તરફથી બહાર પડેલા એક કાર્યાલય વિજ્ઞપ્તિ મુજબ એ ખ્યાલ રાખવામાં આવે કે કાયદેસર UDID સંખ્યાની ઉપલબ્ધતા હોવા પર દિવ્યાંગતા પ્રમાણપત્રની ફિઝિકલ કોપી કે દિવ્યાંગતા પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી.
6 ડિજિટવાળા HUID માર્કવાળા દાગીના જ વેચાણપાત્ર
દેશમાં એક એપ્રિલથી સોનાના એવા દાગીના અને કલાકૃતિઓનું વેચાણ થઈ શકશે જેના પર છ અંકોવાળા હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) સંખ્યા અંકિત હશે. આનો સીધેસીધો અર્થ એવો થયો કે 31મી માર્ચ બાદ HUID વગરના જૂના હોલમાર્કવાળા દાગીનાનું વેચાણ થઈ શકશે નહીં. ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરવા માટે તમામ પક્ષકારો સાથે સલાહ સૂચનો કર્યા બાદ આ અંગે 18 જાન્યુઆરીના રોજ નિર્ણય લેવાયો હતો. ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. તે 16 જૂન 2021થી સ્વૈચ્છિક હતું. છ અંકોવાળા HUID સંખ્યાને એક જુલાઈ 2021થી લાગૂ કરાઈ છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ ક ર્યું કે ગ્રાહકો પાસે હાલના જૂના હોલમાર્કવાળા દાગીના કાયદેસર ગણાશે.
હાઈ પ્રીમીયમવાળી વીમા પોલીસી પર ભરવો પડશે ટેક્સ
બજેટ 2023માં નાણાં પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો તમારું વીમાનું પ્રીમીયમ વાર્ષિક 5 લાખથી વધુ હશે તો તેનાથી થતી કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી વીમાથી થતી રેગ્યુલર ઈન્કમ સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હતી. તેનો ફાયદો HNI એટલે કે નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલને મળતો હતો. ત્યારબાદ HNI ને ઈન્શ્યુરન્સથી થનારી કમાણી પર લિમિટેડ લાભ જ મળશે. તેમાં ULIP પ્લાનને સામેલ કરાયો નથી. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે.
ગોલ્ડના કન્વર્ઝન પર નહીં લાગે કેપિટલ ગેઈન ટેક્સ
આ વર્ષે બજેટમાં જાહેરાત થઈ હતી કે જો તમે 1 એપ્રિલથી ફિઝિકલ ગોલ્ડને ઈ-ગોલ્ડ કે ઈ-ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરશો તો તમારે તેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ આપવો પડશે નહીં. ગોલ્ડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જો કે જો તમે કન્વર્ઝન બાદ તેને વેચશો તો તમારે LTCG ના નિયમો હેઠળ ટેક્સ ભરવો પડશે.
LPG, CNG, PNG ના ભાવમાં પણ થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ ઓઈલ અને ગેસના ભાવમાં સંશોધન કરે છે. બની શકે કે આ વખતે પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવમાં ફેરફાર જોવા મળે. તમારા કુકિંગ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
15 દિવસ બેંક બંધ રહેશે
એપ્રિલ મહિનામાં વિવિધ કારણોસર બેંક આશરે 15 દિવસ બંધ રહેશે. જેમાં તહેવારો, જયંતી, વીકએન્ડ રજાઓ સામેલ છે. નવા નાણાંકિય વર્ષની શરૂઆત જ રજા સાથે થઈ રહી છે. એપ્રિલમાં આ વખતે આંબેડકર જયંતી, મહાવીર જયંતી, ઈદ ઉલ ફિત્ર સહિત અને અવસરોએ બેંક બંધ રહેશે. આ ઉપરાંત કુલ 7 દિવસની વીકેન્ડની રજાઓ પણ સામેલ છે.
Debt Mutual Fundમાં LTCG ટેક્સ બેનિફિટ નહીં મળે
ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટેક્સ મુદ્દે ફાયદાકારક ગણાતું હતું. પરંતુ શુક્રવારે લોકસભામાં પાસ થયેલા ફાઈનાન્સ બિલમાં તેને LTCG એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈનના દાયરામાંથી બહાર કરાયું છે. ઈક્વિટીમાં ઓછું રોકાણ કરનારા ડેટ મ્યુચ્યુઅલ ફંડને લોંગ ટ ર્મ ટેક્સ બેનિફિટ નહીં આપવાનો પ્રસ્તાવ આવી ગયો છે. હવે એવા ડેટ ફંડ જે ઈક્વિટીમાં પોતાની સંપત્તિનું 35 ટકાથી ઓછું રોકાણ કરે છે તેમણે લાંબા ગાળાના ટેક્સ લાભથી વંચિત કરવામાં આવી શકે છે. તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. આવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના રોકાણકારો જે પોતાની સંપત્તિના 35 ટકા ઈક્વિટી શેરોમાં રોકાણ કરે છે તેમના પર તેમના સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.
NSEપર લેવડદેવડ ફીમાં 6 ટકાનો વધારો પાછો ખેંચાશે
નેશનલ સ્ટોક એક્સચેન્જે 1 એપ્રિલથી કેશ ઈક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં લેવડદેવડ ફીમાં કરેલો છ ટકાનો વધારો પાછો લેવાનો નિર્ણય લીધો છે. વધારાની ફી પહેલી જાન્યુઆરી, 2021થી અમલી કરવામાં આવી હતી અને એ સમયે બજારની કેટલીક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એનએસઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE આઈપીએફટી) કોર્પ્સને આંશિક રીતે વધારવા માટે લગાવવામાં આવ્યો હતો. NSE એ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે તેમના નિદેશક મંડળે ગત ગુરુવારે પોતાની બેઠકમાં લેવડદેવડ ફીમાં છ ટકાની વૃદ્ધિને પાછી ખેંચવાનો નિર્ણય લીધો.
ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશન જરૂરી
ડીમેટ ખાતાઓ મામલે નોમિનીની અંતિમ તારીખ 31 તારીખ 2023 છે. જો તમે આ ડેડલાઈન સુધીમાં નોમિનેશન ન કર્યું તો 1 એપ્રિલથી ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ડેબિટ માટે ફ્રિઝ થઈ જશે. સેબીના નિયમ મુજબ જે લોકો પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે તેમણે 31 માર્ચ 2023 સુધીમાં નોમિનીનું નામ દાખલ કરવું જરૂરી છે.