| લોનવસૂલીમાં અંડરવેઅરનું લિલામ |
| અજબ ગજબની દુનિયા - હેન્રી શાસ્ત્રી |
|
|  ઉધાર પૈસા મેળવવા મુશ્કેલ છે એ ખરું, પણ ઉછીના આપેલા પૈસા પરત મેળવવા એ એથીય વિશેષ કપરું કામ છે. એમાંય જો સરકારે લોન આપી હોય તો એની વસૂલી કરતાં પરસેવો વળી જતો હોય છે. વસૂલી માટે પઠાણી ઉઘરાણી કે પછી કડક હાથે કામ લેતા ઑફિસરો જેવાં ઉદાહરણો આપણે ત્યાં જાણીતાં છે. વસૂલી માટે ધાકધમકીનો ઉપયોગ પણ કંઈ નવાઈની વાત નથી. જોકે, રશિયાના પાડોસી દેશ યુક્રેનનો પૈસા વસૂલીનો કિસ્સો તો આ બધા પ્રકારને ટપી જાય એવો અલાયદો છે.
લોનની ચુકવણી ન થાય તો એ વ્યક્તિની સંપત્તિનું લિલામ કરી વસૂલી થાય એ વાત બહુ જાણીતી છે. પણ તમને એ વાતની ખબર નહીં હોય કે પૈસા પરત મેળવવા માટે વ્યક્તિના અંડરવેઅરનું લિલામ કરવામાં આવે. નથી ખબરને! સાથે એ સવાલ પણ થાય કે આ વસ્ત્રના ઊપજી ઊપજીને કેટલા પૈસા ઊપજે? જોકે, યુક્રેનમાં પૈસાની વસૂલી માટે વ્યક્તિનાં વસ્ત્રોને પણ બાકાત નથી રાખવામાં આવતાં. ઑનલાઇન ઑક્શનમાં ન્યાય મંત્રાલયની વેબસાઈટ પર એક અંડરવેઅરનું તાજેતરમાં લિલામ કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિનું આ કેવું વિચિત્ર સ્વરૂપ એવો વિચાર તમને આવી શકે છે. યુક્રેન હાલ મંદીના સપાટામાં સપડાયું છે અને લીધેલી લોનની ચુકવણીમાં નિષ્ફ્ળ રહેલા લોકોની સંખ્યા ખાસ્સી વધી ગઈ છે. ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં દેવાદાર લોકોની સંખ્યા વધીને ત્રણ લાખ પર પહોંચી ગઈ હતી. આ સિવાય ગાય અને ઘેટાંનાં પણ લિલામ કરીને પૈસાની વસૂલી કરવામાં આવી હોવાનું નોંધાયું છે. ગયા વર્ષે મે મહિનામાં તો બે શ્ર્વાનને પણ લિલામથી વેચાણ માટે રાખવામાં આવ્યા હતા જેની સોશિયલ મીડિયામાં બહુ ટીકા થઈ હતી.
---
પ્યાર દિવાના હોતા હૈ...
ફિલ્મ ‘કટી પતંગ’ માટે ગીતકાર આનંદ બક્ષીએ ગીત લખ્યું હતું કે ‘પ્યાર દિવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ, હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ.’ પ્રસંગોપાત્ત દેશ-વિદેશમાં પ્રેમ વ્યક્ત કરવાના વિવિધ કિસ્સાઓ બનતા રહે છે. પ્રેમીજન માટેના પ્રેમનો પડઘો અલાયદી રીતે પાડવા દરેક હૈયું ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. કોઈએ અગાઉ ન કર્યો હોય એવો અખતરો કરવાની હોંશ દરેક જણને હોય છે. જોકે, આ બધામાં તાજેતરનો યુક્રેનનો કિસ્સો અનોખી છાપ પાડે છે. આ દેશના પ્રેમી પંખીડાએ એવું કર્યું છે કે જે દુનિયાભરના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. યુક્રેનના કિવ નામના શહેરમાં રહેતા એલેક્ઝાન્ડર અને વિક્ટોરિયાએ તાજેતરના વેલેન્ટાઈન્સ ડે, ૧૪ ફેબ્રુઆરીએ પ્રેમની પરીક્ષાનો પ્રારંભ કર્યો છે. પરીક્ષાનું પેપર અઘરું અને અણધાર્યું છે. એકબીજાના હૈયામાં કેદ આ યુગલે એકબીજાના હાથ હાથકડીમાં બાંધી લીધા છે. વિપરીત-મુશ્કેલ સંજોગોમાં પણ એકબીજા માટે લાગણી-સ્નેહ અતૂટ રહે છે કે કેમ એ તેઓ ચકાસવા માગે છે. આ સિલસિલો ત્રણ મહિના સુધી ચાલુ રહેશે જો વચ્ચે ક્યારેય પણ ‘હવે સહન નથી થતું’ એવી લાગણી બેમાંથી કોઈને પણ થશે તો હાથકડી ખોલી નાખવામાં આવશે અને પછી શું નિર્ણય લેવાશે એ ત્યારે નક્કી થશે. રસપ્રદ વાત એ છે કે બાંધ્યું જીવન સરળતાથી આગળ વધે એ માટે કપડાં સહિત ઘણી બાબતોમાં યુગલે અખતરાઓ કર્યા છે. ૧૪ મેના દિવસે શું થાય છે એ જાણવાની તાલાવેલી તો રહેવાની જ.
---
લક્ષ્મીનો વરસાદ, લક્ષ્મીની કામના
જાવા, સુમાત્રા સહિત સત્તર હજાર ટાપુઓના દેશ તરીકે જાણીતા એશિયાઈ દેશ ઈન્ડોનેશિયાના રહેવાસીની કથા રસપ્રદ છે. મૃતદેહોને લઈ જવા માટે વપરાતા કોફિન બનાવવાનું કામ કરતા ૩૩ વર્ષના યુવાન પર આકાશમાંથી લક્ષ્મીનો વર્ષાવ થયો છે. એક દિવસ આ ભાઈસાહેબ કામ પતાવીને ઘરે પાછા ફર્યા ત્યારે તેણે જોયું કે ઘરનું છાપરું તૂટી ગયું હતું. આકાશમાંથી એક મોટા ખડક જેવો પદાર્થ નીચે પડ્યો અને કોઈક રીતે ગબડીને બહાર આવ્યો અને જમીનમાં ૧૫ સેન્ટિમીટર એટલે કે અડધા ફૂટ જેટલો ખાડો પાડી દીધો. એણે આ ખડક ખાડો ખોદીને બહાર કાઢીને જાણકાર લોકોને દેખાડ્યો. પછી એની રીતસરની જાંચ-પડતાલ થઈ અને ખબર પડી કે એ કોઈ મામૂલી ખડક નથી, પણ ઉલ્કા છે. ૨.૧ કિલો વજનની આ ઉલ્કા ૧૮.૫ લાખ ડોલરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો. નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે ખડક જેવી દેખાતી આ ઉલ્કા ૪.૫ અબજ વર્ષ જૂની છે.
આ ઉલ્કાને નસીબની બલિહારી ગણી એને વેચવા આ ભાઈસાહેબ તૈયાર નહોતા, પણ પછી એ ખડક તેણે ત્રણ અલગ અલગ ડીલરોને વેચી દીધો. ઈશ્ર્વરની મહેરબાનીથી થયેલી મબલક કમાણીનો અમુક હિસ્સો જોશુઆ પોતાના વિસ્તારમાં એક ચર્ચ બાંધવા માટે વાપરવા માગે છે. બીજી એક વાત તેણે જે કહી એ વિચારવા જેવી છે. ત્રણ પુત્રના પિતાએ કહ્યું કે ‘એક દીકરી તો હોવી જ જોઈએ એવી કાયમ મારી ઈચ્છા રહી છે. નસીબ આડેનું પાંદડું ખસી જતાં આ જે લાભ થયો છે એ જ રીતે હવે ક્ધયારત્નનો લાભ થશે એવી આશા અસ્થાને નથી.’ લક્ષ્મીના વરસાદ પછી બીજી લક્ષ્મીની કામના આ માણસ કરી રહ્યો છે. |
|