| શું તમારી ડિગ્રીઓ નોકરીમાં કામ આવે? |
| ફોકસ-સોનલ મહેતા-શેઠ |
|
|  કેટલાય લોકો હોય છે જે મોટી મોટી ડિગ્રી હાંસલ કરે છે અને વિચારે છે આ ડિગ્રીના જોરે તેમને કોઇ મોટી, સારા પગારવાળી નોકરી મળી જશે, બઢતી થશે અને તેમના બધાં સપનાં સાકાર થશે, પરંતુ ઘણી વાર એવું થાય છે કે તેમના સપનાં તૂટી જાય છે અને એવી નોકરી કરવી પડે છે જે ડિગ્રી અનુસાર નથી હોતી. ઘણી વાર એવું થાય છે કે નોકરીને કારણે એટલું બધું ટેન્શન ઉત્પન્ન થાય છે કે જીવનમાં કોઇ બીજો રસ્તો પસંદ કરવો પડે છે. એવા સમયે એમ લાગે છે કે ડિગ્રીએ તમારાં સપનાં રોળી નાખ્યાં. આપણે જોયું છે કે ઘણાય એમટૅક અથવા એમબીબીએસ ડિગ્રીધારી લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરે છે અને એમાં પણ અસફળ થાય છે. એવા સમયે લોકો ફ્રસ્ટેટ થઇને ડિપ્રેશનમાં પણ સરી પડે છે.
કેટલીય વાર એવું થાય છે કે તમે જે સપનું જોયું હતું અથવા તો કોણ જાણે કઇ પરિસ્થિતિમાં એ સપનું જોયું હતું કે જીવનમાં કંઇક બનશો, પરંતુ તમે એ બની નહીં શક્યા. ઇતિહાસને ફંફોળીને જોશો તો એવા ઘણા દાખલા મળી આવશે. ઘણા મહાન લોકોે થઇ ગયા, જેઓ જીવનમાં કંઇક બનવા માગતા હતા અને કંઇક બીજું જ બની ગયા. જોકે, એમાં મોટે ભાગે એમ કહી શકાય કે તેઓ જે બનવા માગતા હતા એના કરતાં ઘણા આગળ નીકળી ગયા અને પોતાનું નામ રોશન પણ કરી ગયા.
ઘણા લોકોનું સપનું હોય છે કે ભણીગણીને સારી નોકરી મળે અને ખૂબ કમાણી કરે. તમારું પણ એ સપનું હોય તો પછી તમે એમ ના વિચારો કે મારી ડિગ્રી કંઇ કામ નહીં આવી. કમાણી તો કોઇ પણ સારા રસ્તે કરી શકાય છે. તમારું સપનું રૂપિયા કમાઇને આરામદાયક જીવન ગુજારવાનું છે તો તો ઠીક છે, પણ એવા પણ ઘણા લોકો હોય છે, જેમનું લક્ષ્ય પૈસા કમાવાનું નહીં, પરંતુ દેશસેવા અથવા સમાજસેવા કરવાનું હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે પ્રસિદ્ધ થવા માગે છે તો એમના માટે પૈસાની કંઇ ગણતરી જ નથી હોતી.
જોકે, એવું જરૂરી નથી કે તમે જે ડિગ્રી મેળવી છે એ અનુસાર જ નોકરી કરો. કમ્પ્યુટર એન્જિનિયર વ્યક્તિ કોઇ આઇટી કંપનીમાં નોકરી કરવાને બદલે પોતાનો બિઝનેસ પણ કરી શકે છે અથવા પોતાની રેસ્ટોરાં પણ ખોલી શકે છે અને લાઇફમાં સેટલ થઇ શકે છે. એમબીએ કરીને તમે કોચિંગ ક્લાસ પણ ખોલી શકો છો કે કોઇ કંપની પણ ખોલી શકો છો કે કોઇ મોટી કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી પણ મેળવી શકો છો અથવા તો એનજીઓ પણ ચલાવી શકો છો.
ઘણી વાર એવું થાય છે કે એન્જિનિયરિંગ કરવામાં તેમના લાખો રૂપિયા બરબાદ કર્યા પછી પણ કોઇ નોકરી નથી મળતી. ડૉક્ટરી ભણવામાં લાખો રૂપિયા ખર્ચ્યા, કારણ કે પિતાજી પણ ડૉક્ટર છે અને તેઓ એમ ઇચ્છે છે કે તેમનો દીકરો પણ ડૉક્ટર બને, પણ પુત્રની ઇચ્છા છે કે એ કોઇ ઍક્ટર કે સંગીતકાર બને. આવા સમયે ડિગ્રી તમારા સપનાના માર્ગ પર બાધા બની શકે છે. જોકે, એવા પણ કેટલાય લોકો છે જેમણે ડૉક્ટરીની ડિગ્રી હાંસલ કરી હતી અને પછી તેઓ અભિનેતા બની ગયા. ડૉ. શ્રીરામ લાગુનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સુપર મોડેલ અદિતિ ગોવિત્રીકરનું નામ પણ સેલિબ્રિટી લિસ્ટમાં આવે છે. એ મિસિસ વર્લ્ડ પણ બની હતી અને એ ક્વૉલિફાઇડ ડૉક્ટર પણ છે. એવા તો ઘણા ડૉક્ટર છે જેઓ અન્ય ફિલ્ડમાં પણ આગળ આવ્યા અને નામદામ, ધનદોલત કમાયા.
એક વાત સારી રીતે સમજી લો કે તમે જે બનવા માગો છો, જરૂરી નથી કે તમે એ બની શકો કે ના બની શકો. તમે એનાથી વધુ સારા પણ બની શકો. એવા સમયે તમે એમ નહીં વિચારો કે હું આ નહીં કરી શક્યો, હું આ નહીં બની શક્યો. તમે માત્ર કામ કરવા અંગે વિચારો. કંઇ બનવા અંગે નહીં. કંઇક બનવાનું નહીં પણ કંઇક કરવાનું વિચારો. મનમાં વિચારેલું દરેક વાર થાય જ એવું નથી. આપણે યોગ્ય રાહની પસંદગી કરવા કરતાં પસંદગી પામવાની મજા લેવી જોઇએ. ડિગ્રીથી આઝાદ થઇને આપણી યોગ્યતા વધારવા પર ધ્યાન આપવું જોઇએ તો સફળ થઇ શકાય. યાદ રાખો સફળ વ્યક્તિને એની ડિગ્રી નથી પૂછવામાં આવતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ડિગ્રી કોઇ પૂછે છે? લોકો સામે ચાલીને એમની સાથે બિઝનેસ કરવા આતુર હોય છે. ડિગ્રી હાંસલ કરવામાં સમય બરબાદ કરવા કરતાં કંઇક કરવામાં, યોગ્યતા હાંસલ કરવામાં સમયનો સદુપયોગ કરો. ઉ
|
|