| મૉડર્ન મમ્મી માટે માતૃભાષા કરતાં અંગ્રેજીનું મહત્ત્વ વધારે છે |
| કવિતાની કેડીએ - નલિની માડગાંવકર |
|
|  (ચેતવણી: માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ.)
મૉડર્ન મમ્મી: !!!!
મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.
રહેવાનું રાખ્યું છે અહીંયાં ગુજરાતમાં જે
લેવાતા ઈંગ્લિશમાં શ્ર્વાસ છે.
મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.
વેકઅપ, ક્વિક, ફાસ્ટ, ચલો ઝટ્ટ કરો
બ્રશ ઍન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ.
ઑલરેડી ઑનલાઈન કલાસ ઈઝ
સ્ટાર્ટ કેમ ભૂલી જાવ રોજ મારી ટિપ્સ?
દાદીમા બોલ્યાં કે ધીમે જરાક, ત્યાં
તો મમ્મી કહે નોટી બદમાશ છે,
મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.
સાયન્સ કે મેથ્સમાં કે ઈંગ્લિશ કે
ગમ્મે ત્યાં માર્કસ એક ઓછો ના
ચાલે
મૉડર્ન મમ્મીઓ તો જિનિયસ
બનાવવાના સપનામાં રાતદિવસ
મ્હાલે
લેફ્ટરાઈટ લેવાતાં બાળકને’ય લાગે
કે ચોવીસ કલ્લાક એના કલાસ છે.
મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.
નાનકડું પંખી પણ પોતાની પાંખોથી
રાખે છે ઊડવાની આશા
બાળકને’ય થાય કેમ બોલી શકાય
નહીં દાદા ને દાદીની ભાષા?
મા કરતાં માસીની બોલબાલા હોય
એવા પીંજરામાં
આખ્ખું આકાશ છે
મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે.
- કૃષ્ણ દવે
કવિ કૃષ્ણભાઈએ ‘મા’ કરતાં ‘મમ્મી’નો શબ્દપ્રયોગ કર્યો છે એ કવિનો ‘મા’ શબ્દ પ્રત્યેનો પ્રેમ છે. આજે પણ ‘ઠેસ’ વાગતાં બાળકો માને યાદ કરે છે. અને મા પણ હેડકી ખાતી ખાતી પોતાના બાળકને યાદ કરે છે. આ છે મા-બાળકની હેતની દુનિયા. જ્યાં બાળક માર ખાય પણ એની વેદના માતાને થાય. આવું છે બે વ્યક્તિ વચ્ચેનું સામ્રાજ્ય. બાળકના મધુર વળાંક લેતાં ‘હોઠો’ મા શબ્દ સંબોધન માટે તરસે છે. વિશ્ર્વનો અનંત ભાષા દિવસ તાજેતરમાં જ આપણે માણ્યો. ‘મા’ એકાક્ષરી શબ્દનું સંબોધન જે ભાષામાં થયું છે એ માતૃભાષાને અનંત વંદન કરવાની ઈચ્છા થાય. બંગભાષામાં આ વાત ઉમળકાભેર કરી છે;
"મારી ભાષા મારી આશા
આ મારી માતૃભાષા.
દેવ! તારે ખોળે, તારે બોલે
કેવી શાંતિ હેતની ધારા...
આ મારી માતૃભાષા.
આ પંક્તિઓ જ્યારે સમૂહમાં ગવાતી સાંભળીએ ત્યારે આંખો છલકાઈ જાય છે. આવી ભાષાની સ્પર્ધા થઈ શકે ખરી?
કવિએ પ્રારંભમાં જ એક અસરકારક દવાનો ડોઝ આપ્યો છે કે આ રચના દેખાદેખીથી બાળકોની પાછળ પડતી માતાઓ માટે છે. આવું...
સ્પર્ધાનું તત્ત્વ ‘મા’ જગતને ઉંબરે પહોંચ્યું છે. એમાં સમાજને જ આપણે જવાબદાર ગણી શકીએ. અર્થાત્ મમ્મીના મનને પલટાવવામાં, પહેરવેશમાં પલ્ટો લાવવામાં, મમ્મીની નબળા મનની બાજીને પલટાવવામાં જે એકમાત્ર જવાબદાર છે તે છે સામી વ્યક્તિનું પલટાયેલું મન.
બાળક જ્યારે સમજદાર થાય છે ત્યારે એ ‘મા’ના પરિવર્તનને ‘મમ્મી’માં થયાનું અસલ કારણ જાણે છે. ગુજરાતી અને અંગ્રેજી વાતાવરણમાં અણુએ અણુ ડૂબેલા શહેરની આ વાત છે. એમાં પણ ‘ત્રાસ’ અને ‘શ્ર્વાસ’ એ ફક્ત પ્રાસાનુપ્રાસની રચના માટે મળેલો શબ્દ નથી પણ એની પાછળ આપણી વેદનાની અંકાયેલી કેડી છે. વળી દાંત સાફ કરવા માટે પણ બ્રશનો ઉપયોગ છે. દંતમંજન નથી: બાજરીના રોટલાને બદલે પોટેટો ચિપ્સ છે. અર્થાત્ ખાવાપીવાની બાબતમાં પણ પશ્ર્ચિમનું અનુકરણ છે. દાદીમાની વાણીમાં પણ ટીકાનું જોશ નથી બલકે કુટુંબને સાચવવાની સમજણ છે. કુદરતી આ બાળકને મા કરતાં દાદી વધારે ગમતી થાય. એવું વાતાવરણ છે. પોતાની માતાને શું પૂરા માર્કસ મળેલા? જરા પણ નહીં. એના માતાપિતાને પૂછતાં સાચો જવાબ મળશે અને બાળક જે પંક્તિ બોલે છે એમાં ફક્ત સત્યનો જ આધાર નથી. એનાથી મોટો આધાર છે અને મોટો આધાર એટલે ઈશ્ર્વરનો.
આ પંક્તિ કવિતામાં રમતી રમતી આવી છે એ જોઈને કવિની પીઠ થાબડવાનું મન થાય કે આ કલાસનો આદિ-અંત નથી એ તો આખ્ખા દિવસના છે.
બાળક સમજદાર છે એટલે જ પંખીનું ઉદાહરણ મૂકે છે. પંખીની નાનકડી પાંખમાં આખ્ખું આકાશ ઘૂમવાનું બળ રહેલું છે એ સમય જ શ્રેષ્ઠ સાબિતી બની શકે, પરંતુ બાળક એનો જવાબ વાળે છે. એ ભલે પાંખો ફફડાવી થોડુંક ઊડે પણ એનો આનંદ આકાશમાં નાચવાનો છે. દાદા અને દાદીની ભાષામાં હૈયાનું ઊભરાતુું હેત છે અને એ માતૃભાષાએ આપેલું છે.
દરેક બાળક જેવી રીતે માતાના દૂધનો અધિકારી છે એ જ રીતે માતૃભાષાના લહેકાનો.
મા કરતાં માસીની બોલબાલા છે. અર્થાત્ માતૃભાષા કરતાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ છે. અને આમેય માતા કરતાં માસીનું વર્ચસ્વ ઘરમાં ખાનગી રીતે હોય છે એ આપણે ક્યાં નથી જાણતા!
ભલે આ બાળક પોતાના પીંજરાના સળિયામાંથી એક આકાશની મુક્તિને જોયા કરે! આ બાળકનું સપનું એનાથીયે મોટું છે.
કવિ કૃષ્ણભાઈ દવેએ આ કવિતા લખી છે વર્ષોના અનુભવથી...
માતૃભાષા એ તો વડલાની છાંય જેવી છે એની વડવાઈઓમાંથી હીંચકો બાંધી બાળક મુક્તપણે હીંચી શકે છે.
કવિ ઘણી વાર પ્રકૃતિનાં તત્ત્વો જોઈ માનવપ્રકૃતિની વાત કરે છે. આ રચનામાં એવી માનવપ્રકૃતિ છે કે જેને માટે આપણે જવાબદાર છીએ. વર્ષમાં એક દિવસ માટે તો આપણે આપણી માતૃભાષાને ઈશ્ર્વર પણ આશ્ર્ચર્યચકિત બની જોયા કરે એવો ને એટલો પ્રેમ કરીએ તો એમાં ખોટું શું છે! કદાચ ઈશ્ર્વર પણ આ એક દિવસના પુણ્યકર્મને તોલી નહીં શકે એવો ઉમળકો આપણે સહુએ બતાવવાનો છે. કવિ કૃષ્ણ દવેની અનેક પંક્તિઓ હૈયાસરસી રાખવાનું મન થાય પણ એમાંથી આ પંક્તિ અચૂક યાદ રાખી શકાય;
"ઘણી બધી ઘટનાઓ અહીંથી ગઈ
અતીતમાં વ્હેતી વ્હેતી
હું તો ત્યાંનો ત્યાં જ રહ્યો છું
જેમ કિનારે રેતી રહેતી. |
|