Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સોનમ લાવ્યા સૈન્ય માટે સોનેરી દિવસો

સ્પેશિયલ -અનંત મામતોરાતમારામાંથી જેણે ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ જોઇ હશે, તેમને પેલા વાંગડુ પ્રોફેસર યાદ હશે જે લદ્દાખમાં રહીને પર્યાવરણને અનુકૂળ અનેક પ્રેરણાત્મક શોધો કરે છે. આ પાત્ર અને આ ફિલ્મ જેમના જીવનની પ્રેરણા લઇને બની છે એ સોનમ વાંગચૂક આજે પણ લદ્દાખમાં રહીને અનેક પ્રકારની માનવોપયોગી શોધ કરે છે.

આજે જ્યારે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે અવારનવાર છમકલાં થયા કરે છે ત્યારે અહીં ભારતીય સૈનિકોના ચાંપતા પહેરાની સતત જરૂર હોય છે. અહીં હાડ થિજાવતી ઠંડીમાં સૈનિકો માભોમનું રક્ષણ કરવા સતત ઊભા હોય છે. પછી એ સૈનિકો ભારતના હોય કે ચીનના, પણ સાચી પ્રશંસાના અધિકારી છે. આ સૈનિકો હાલ જે તંબુ કે ધાતુના ક્ધટેઇનરમાં રહે છે તેમાં અતિશય ઠંડી હોય છે. સૈનિકોને કમસે કમ સૂતી વખતે કે આરામની ક્ષણોમાં કાતિલ ઠંડીની વચ્ચે થોડી હૂંફ મળી રહે તે માટે આ સોનમ વાંગચૂક નામના એન્જિનિયરે લદ્દાખમાંની પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન કરીને એવા ઉપયોગી સોલાર ટેન્ટ બનાવ્યા છે જે બીજી અનેક રીતે પણ લાભકારક છે. ચાલો આપણે આ ટેન્ટ વિશે વધુ જાણીએ.

અર્ધગોળાકાર આકારમાં બનાવેલા આ તંબુમાં ત્રણ અંગ છે. આ અર્ધવતુળાકારનો એક ભાગ એવા મટીરિયલમાંથી બન્યો છે જે સૂર્યનાં કિરણોને અંદર આવવા દે છે. દિવસના ભાગમાં ઠંડી હવાના મારથી બચવા અને સૂર્યકિરણોની હૂંફ મેળવવા માટે સૈનિકો અહીં આરામથી બેસી શકે છે. પોતાનાં હથિયાર સાફ કરી શકે છે. મોબાઇલ ચાર્જ કરી શકે છે અને સમય પણ પસાર કરી શકે છે.

ત્યાર બાદ વચ્ચે જે દીવાલ છે એ એવા પદાર્થોમાંથી બની છે જે સૂર્યની ગરમીને પોતાનામાં શોષી શકે છે અને ટકાવી શકે છે. જેમ જેમ રાત પડતી જાય તેમ તેમ આ દીવાલોમાં ટકાવેલી ગરમી અર્ધગોળાકાર તંબુની બીજી બાજુના વાતાવરણને ગરમ કરતી જાય છે. આ ભાગની દીવાલોમાં ઇન્સ્યુલેટરોનાં પડ લગાડેલાં હોય છે. એકથી માંડીને ચાર સ્તરનાં પડ લગાડવાની વ્યવસ્થા છે. આ ઇન્સ્યુલેટરની દીવાલ પેલી વચ્ચેની દીવાલે છોડેલી ગરમીને બહાર જતાં અટકાવે છે પરિણામે આ ભાગ ગરમ રહે છે. ઇન્સ્યુલેટરનાં જેટલાં વધુ પડ એટલી વધુ ગરમી. આ પડો વધારી-ઘટાડીને જોઇતી ગરમી કે ઠંડી મેળવી શકાય છે. અહીં સૈનિકો રાત્રિના હૂંફભર્યા વાતાવરણમાં નીંદર માણી શકે છે.

તંબુની બહાર અને તંબુના આ ભાગ વચ્ચે ઠંડીમાં કેટલો તફાવત છે તેની સ્પષ્ટતા કરતાં વાંગચૂક જણાવે છે કે જો બહારના ભાગમાં રાત્રિના સમયમાં -૧૪ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું ઉષ્ણતામાન હોય તો અંદર ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું ઉષ્ણતામાન જાળવી શકાય છે. આથી વધૂ હૂંફાળો ઓરડો તૈયાર કરવો હોય તો પણ કરી શકાય, પરંતુ વાંગચૂક કહે છે કે એ સૈનિકો માટે હિતાવહ નથી. અચાનક રાત્રે કોઇ કટોકટી આવે અને સૈનિકોએ લડવા માટે બહાર નીકળવું પડે તો આટલા તફાવતના ગાળાને તેઓ જલદીથી અપનાવી શકે છે. ઓરડાની અંદર વધુ ગરમ વાતાવરણમાં રહ્યા પછી અચાનક બહારના અતિ ઠંડા વાતાવરણમાં જવાનું થાય તો સૈનિકોનાં તન-મનને અતિ કઠણાઇનો સામનો કરવો પડે છે. હાલમાં જે ઉષ્ણતામાન જળવાય છે એ પણ બહારથી પહેરો ભરીને આવતા સૈનિકો માટે તો સ્વર્ગ સમાન જ છે.

આ હૂંફાળા સોલાર ટેન્ટ ફક્ત દિવસભર શોષેલી સૂર્યની ગરમી ઉપર ચાલતા હોવાથી વીજળીનો ખર્ચ તો બચી જાય છે. ઉપરાંત બીજા ઘણા ફાયદા છે.

વાંગચૂકની જ ભાષામાં વાત કરીએ તો એ કહે છે કે, ‘સામાન્ય સંજોગોમાં સૈનિકોએ પોતાના શરીર તેમ જ આસપાસના વાતાવરણની ગરમી ટકાવી રાખવા ઘણું તેલ-કેરોસીન, પેટ્રોલ કે ડીઝલ બાળવું પડે. જે ખૂબ મોંઘું તો પડે સાથે સાથે તેમાંથી જે કાર્બન ઉત્સર્જિત થાય છે તે પર્યાવરણને નુકસાન કરે છે. આજે દિલ્હીમાં આપણે ક્લાઇમેટ ચેન્જની અસર જોઇએ છીએ, પણ હવે તો લદ્દાખમાં પણ ગ્લોબલ વોર્મિંગને લીધે બરફના ગ્લેશિયર પીગળવા માંડ્યા છે ત્યારે આપણે જેટલી શક્ય હોય તેટલી કાર્બન ઉત્સર્જનની પ્રક્રિયાને ઓછી કરી શકીએ તેટલી કરવી જોઇએ. આ કામ માટે સોલાર ટેન્ટ વધુ ઉપયોગી પુરવાર થાય એમ છે.

બીજું, આ ટેન્ટ પેલા હાલમાં વપરાતા ક્ધટેઇનર કરતાં વધુ મોટી - લગભગ બમણી જગ્યા ધરાવતા હોય છે અને ખર્ચો લગભગ અડધો આવે છે. એક ટેન્ટ બનાવવાનો ખર્ચ આશરે પાંચ લાખ આવે તો ક્ધટેઇનર લગભગ દસ લાખ રૂપિયામાં પડે છે. સરવાળે આ સોલાર ટેન્ટ કિફાયતી પણ છે. હા, નાનકડા પરંપરાગત તંબુ સોંઘા પડે, પરંતુ તેમાં સૈનિકો ઠંડીમાં ઠૂંઠવાઇ જાય.’

વાંગચૂક તો વળી આગળ વધીને કહે છે કે આપણા સૈનિકો હોય કે ચીનના, પણ બેઉ છે તો આખરે માણસો જને, બન્ને પોતાની માતૃભૂમિનું રક્ષણ કરવા આટલી ઊંચાઇ પર કડકડતી ઠંડીમાં આવતા હોય છે. આવા સોલાર તંબુઓ તેમને પણ કામ આવી શકે. ફરક એટલો કે હવે આપણે ચીનમાંથી કોઇ વસ્તુ આયાત ન કરીએ, પરંતુ ભારત ચીનને નિકાસ કરે એવો સમય આવવો જોઇએ.

આ ટેન્ટને સહેલાઇથી છૂટો કરીને એક સ્થળેથી બીજો સ્થળે પણ લઇ જઇ શકાય છે. આનો મોટામાં મોટો સ્પેરપાર્ટ ત્રીસ કિલો વજનનો હોઇ સૈનિકો આરામથી હેરફેર કરી શકે છે. એ વધુમાં જણાવે છે કે આગળ એલ્યુમિનિયમમાંથી સોલાર ટેન્ટ બનાવવાના પ્રયોગો પણ મારી પ્રયોગશાળામાં તૈયાર થઇ રહ્યા છે જે વજનમાં હજુ વધુ હલકા અને વધુ સુવિધાવાળા હશે.

વાહ, સોનમ (વાંગચૂક) તો ખરેખર સૈન્ય માટે સોનેરી દિવસો લાવ્યા.

પહેલી સપ્ટેમ્બર, ૧૯૬૬ના દિવસે જન્મેલા સોનમ વાંગચૂકે સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખની ૧૯૮૮માં સ્થાપના કરી હતી. આ સંસ્થામાં એવા વિદ્યાર્થીઓ ભણે છે જેમને આપણી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા માફક ન આવી હોય અને કંઇક નવું અને અનોખું પર્યાવરણલક્ષી સંશોધન કરવાની હોંશ હોય. સોનમ વાંગચૂક આ સહુ માટે પ્રેરણારૂપ છે. આમિર ખાન અભિનીત ખૂબ લોકપ્રિય ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ પણ આ માણસમાંથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે જેમાં ગોખણપટ્ટી તેમ જ વિદ્યાર્થીનાં તન-મનને ટેન્શન આપી જાય તેવી શિક્ષણ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

આવા પ્રેરણાસ્રોતસમા સોનમ વાંગચૂકે જે સૌરશક્તિ પર આધારિત ટેન્ટ બનાવ્યા છે એની આજે કડકડતી ઠંડીમાં ચીન સરહદે ખૂબ જરૂર છે. આવા ટેન્ટ સૈનિકોને ઠંડીથી તો બચાવશે જ સાથે પર્યાવરણને પણ પ્રદૂષણથી બચાવશે. વાહ સોનમ, તમને સો સો સલામ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h3T8J37
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com