Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
૧૪ વર્ષના ઋષભે લાખો લિટર પાણી બચાવી કમાલ કરી દીધી

વિશેષ - હિના પટેલવ્યક્તિ ઇચ્છે તો કંઇ પણ કરી શકે છે પછી ભલે તે કોઇ બાળક જ કેમ ન હોય. અહીં વાત કરવી છે ૧૪ વર્ષના વિદ્યાર્થી વૃષભ પ્રશોભની. આ બાળકે એરેટરનો અવિષ્કાર કરીને લાખો લિટર પાણી બચાવ્યું છે. વિશ્ર્વના અનેક દેશોમાં જળસંકટ તોળાઇ રહ્યું છે ત્યારે ઋષભની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.

એક અંદાજ છે કે ભારતની જનસંખ્યા વર્ષ ૨૦૫૦ સુધી ૧.૬ અબજ (૧૬૦ કરોડ) થઇ જશે. એનો મતલબ કે પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઘટવાની સંભાવના છે. આઇસીએઆરનો એક રિપોર્ટ જણાવે છે કે ૨૦૨૫ સુધી ભારતમાં પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ૧,૪૬૫ ક્યુબિક મીટર સુધી ઘટવાનો અંદાજ છે અને ૨૦૫૦ સુધી તે ઘટીને ૧,૨૩૫ ક્યુબિક મીટર રહી જશે. આ આંકડા ૧,૦૦૦ ક્યુબિક મીટરથી ઓછા થઇ જાય તો ભારતને ‘જળસંકટથી પ્રભાવિત દેશ’ જાહેર કરી દેવામાં આવશે. આવી નોબત ન આવે તે માટે ઋષભ પ્રશોભે ‘જળ મિશન’ શરૂ કર્યું છે અને એક વર્ષમાં ૭૦ લાખ લિટર પાણી બચાવ્યું છે.

ઋષભે આ કામ કેવી રીતે કર્યું? તેનો જવાબ છે બે હૉટેલ, સ્કૂલ અને હાઉસિંગ સોસાયટીના નળોમાં ‘એરેટર’ લગાવીને. એરેટર નાનું ‘મિકેનિકલ ડિવાઇસ’ છે, જેને નળમાં ફિટ કરવામાં આવે છે. તે હવાને પાણીથી મિલાવે છે અને ખાતરી કરે છે કે નળમાંથી આવતા પાણીનો પ્રવાહ સ્થિર રહે, પછી પ્રવાહ ભલે ગમે તેવો હોય. જે નળ પ્રતિ મિનિટ ૧૫ લિટર પાણીનો પુરવઠો પૂરો પાડે છે, તેમાં જો એરેટર લગાવી દેવામાં આવે તો તે પાણીનો પુરવઠો છ લિટર પ્રતિ મિનિટ સુધી ઓછો કરી દે છે. આ ડિવાઇસ એક મહિનામાં ૧,૨૭૪ લિટર પાણી બચાવી શકે છે.

વર્ષ ૨૦૧૯માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત સંગઠન દ્વારા આયોજિત એક સામાજિક પહેલમાં ઋષભે ભાગ લીધો હતો. અહીં તેણે પર્યાવરણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો. તે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો, જ્યાં તેને પર્યાવરણથી જોડાયેલા કોઇ એક મુદ્દાને સમજીને તેના ઉકેલ માટે સમાધાન પ્રસ્તુત કરવાનું હતું.

ઋષભ જણાવે છે કે ‘મેં વાયુ પ્રદૂષણ જેવા અનેક મુદ્દે અભ્યાસ કર્યો છે, પણ પાણીની અછત એક એવી સમસ્યા હતી, જેને મેં બેંગલુરુમાં જાતે જોઇ હતી. મેં જોયું કે અનેક તળાવો સુકાઇ રહ્યાં છે અને અનેક ઘરોમાં પાણીની સમસ્યા સંબંધિત ખબરો મળતી રહેતી હતી.’ તેણે લગભગ ત્રણ મહિના એ જ નક્કી કરવામાં વિચાર્યા કે તે પર્યાવરણથી જોડાયેલા કયા મુદ્દા પર કામ કરશે.

જમીની સ્તર પર આ સમસ્યાને સમજવા માટે ઋષભે બેંગલુરુમાં કેટલાંક સંગઠનો, એક્ટિવિસ્ટ અને જળ સંરક્ષકો સાથે વાતચીત કરી. તેને જાણવા મળ્યું કે વધતી જતી લોકસંખ્યા સાથે પાણીની માગ વધી રહી છે, પણ તેનો પુરવઠો માગણીની સરખામણીમાં ઘણો ઓછો છે. આ સમસ્યાનો એક જ ઉપાય છે કે પાણીના વપરાશને ઓછો કરવામાં આવે.

ઋષભ કહે છે કે ‘ઘરગથ્થુ સ્તરે પાણીના વપરાશને ઓછો કરવાનો સૌથી સારો વિકલ્પ છે કે નળમાં એરેટર ફિટ કરવામાં આવે. સામાન્ય રીતે આપણા કિચનના સિંક અને બાથરૂમમાં લાગેલા નળમાંથી પ્રતિ મિનિટ છ લિટર પાણી નીકળે છે અને એરેટર દ્વારા તેને ત્રણથી ચાર લિટર સુધી ઓછું કરી શકાય છે.

૨૦૧૯માં ઋષભે આ ‘એરેટર’નું પરીક્ષણ કર્યું, જેથી તે જોઇ શકે કે તે કેટલું કારગત છે. તેણે બેંગલુરુમાં તેની દાદીના ઘરમાં એક એરેટર લગાવ્યું. તે તેના ઘરમાં એરેટર ન લગાવી શક્યો, કારણ કે તેના બિલ્ડિંગમાં ૧૭ ઘરના પાણીનું બિલ એકસાથે આવતું હતું. એવામાં તે પાણીમાં થઇ રહેલી બચત અને બિલમાં કપાતનું ચોક્કસ અનુમાન ન લગાવી શકત.

તેણે જણાવ્યું કે ‘ફક્ત એક એરેટરના ફિટિંગના એક મહિના બાદ જ અમે દાદીના ઘરના પાણીના બિલમાં ૩૦ ટકા સુધીની કપાત જોઇ. અગાઉ તેમનું બિલ લગભગ ૩૪૦ રૂપિયા આવ્યું હતું, જે ઘટીને ૨૫૦ રૂપિયા થઇ ગયું.’

ઋષભે તેના ઘરમાં એરેટરની કાર્યક્ષમતા પણ તપાસીને જોઇ. તે જણાવે છે કે ‘મેં એરેટર લગાવ્યા વગર નળમાંથી એક સામાન્ય આકારની બાલદી પાણીથી ભરી. પછી તે જ નળમાં એરેટર લગાવ્યા પછી બાલદી ભરી. મેં જોયું કે બંને વખત એક મિનિટમાં બાલદીમાં કેટલું પાણી ભરાય છે. સારી વાત એ હતી કે બંને વાર પાણીની માત્રામાં વધુ અંતર નહોતું.’

ઋષભે આ અંગે તેના સોસાયટીના સભ્યોને જાણ કરી અને દરેકના ઘરમાં બે એરેટર ફિટ કરવામાં આવ્યાં. એક કિચનના નળમાં અને બીજું બાથરૂમમાં વોશ-બેસિનના નળમાં. પ્રત્યેક ઘરે એરેટર માટે પૈસા આપ્યા, જેની કિંમત લગભગ ૩૦૦ રૂપિયા પ્રતિ યુનિટ હતી. ઋષભ કહે છે કે ‘એક વર્ષની અંદર જ સોસાયટીમાં પાણીનો વપરાશ ઘટી ગયો અને તેમણે વીસ લાખ લિટર પાણી બચાવ્યું.’

ઋષભે કેરળના કોચીનમાં બે હૉટેલોનો સંપર્ક કર્યો અને ત્યાંના જનરલ મેનેજરને તેનો આઇડિયા જણાવ્યો. તે કહે છે કે ‘હૉટેલનો મેનેજર પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ હતો. તેણે બંને હૉટેલના તમામ બાથરૂમમાં એરેટર લગાવવાનો નિર્ણય લીધો. એક જ વર્ષમાં બંને હૉટેલે લગભગ પચાસ લાખ લિટર પાણીની બચત કરી.’

બાદમાં ઋષભે તેની સ્કૂલની પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો અને તે પણ આ વિચારથી પ્રભાવિત થઇ ગઈ. આ અંગે તેની પ્રિન્સિપાલ જણાવે છે કે ‘ઋષભ મારી પાસે આ અંગે પ્રસ્તાવ લઇને આવ્યો અને મને જણાવ્યું કે તેને કારણે શાળાને કઇ રીતે ફાયદો થશે. તે જાણીને હું એરેટર લગાવવા માટે સહમત થઇ ગઇ. પ્લમ્બરની મદદથી શાળાના નળોમાં એરેટર લગાડવામાં આવ્યાં. કોરોના મહામારી વચ્ચે શાળા બંધ થઇ જતાં એક વર્ષમાં તેનાથી કેટલો બદલાવ આવ્યો તે જાણી શકાયું નથી. જોકે તે પાણીની ખપત ઓછી કરવાની દિશામાં એક સારું પગલું હતું.’

આ વર્ષે ઋષભ વધુમાં વધુ શાળા, હૉટેલ, મૉલ્સ વગેરેમાં એરેટર પહોંચાડવા ઇચ્છે છે. તેનો ઉદ્દેશ શહેરમાં એક કરોડ લિટર પાણી બચાવવાનો છે. આપણે આશા કરીએ કે ઋષભ તેના ઉદ્દેશમાં સફળ થાય. આ સાથે જ ઋષભ જેવા બાળક પાસેથી પ્રેરણા લઇને લોકો પર્યાવરણ પ્રતિ સંવેદશીલ બને એ જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

25E2h167
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com