| સૌથી મોંઘો મૉરિસ નસીબનો બળિયો |
|  ખેલ અને ખેલાડી - અજય મોતીવાલા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું ૧૮મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં હતું તો મિની-ઑક્શન, પરંતુ સાઉથ આફ્રિકાના ૩૩ વર્ષીય ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસ માટે એ મેગા-ઑક્શન બની ગયું. તેનું નસીબ તો જુઓ કેવું ચમકી રહ્યું છે. વીસ મહિનાથી તે સાઉથ આફ્રિકાની ટીમમાં જગ્યા નથી મેળવી શક્યો, સાત આઇપીએલ રમીને ૮૦ વિકેટ લેવાનો સાધારણ પર્ફોર્મન્સ બતાડ્યો છે અને ટોચના પચાસ બૅટ્સમેનોમાં તેનું નામોનિશાન નથી અને ૨૦૨૦ની સાલમાં યુએઇમાં રમાયેલી આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી ખાસ કંઈ સારું રમ્યો પણ નહોતો એમ છતાં આ વખતે તેનાં નસીબ કેવાં ઊઘડી ગયાં કે તે સૌથી ઊંચા ૧૬.૨૫ કરોડ રૂપિયા (૨.૨ મિલ્યન ડૉલર)ના ભાવે ખરીદવામાં આવ્યો છે. આજ સુધી ક્રિકેટજગતનો કોઈ પણ ખેલાડી (ભારતનો કે વિદેશનો) હરાજીમાં આટલો મોંઘો સાબિત નથી થયો.
રાજસ્થાન રૉયલ્સે મૉરિસને ભારે રસીકસી વચ્ચે ૧૬.૨૫ કરોડ રૂપિયાના ભાવે ખરીદી લેવામાં સફળતા મેળવી હતી. તે ૨૦૨૧ની આખી સીઝન રમી શકશે કે નહીં એની રાજસ્થાન રૉયલ્સના માલિકોએ ખાતરી કર્યા પછી જ તેને ઑક્શનમાં ઊંચામાં ઊંચા ભાવે ખરીદવાનો નિર્ણય લીધો હતો.
મૉરિસને આટલા બધા ઊંચા ભાવે ખરીદવા પાછળ કેટલાંક કારણો કામ કરી ગયાં હોવાનું મનાય છે. સતતપણે કલાકે ૧૪૦ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકવાની તેનામાં ક્ષમતા છે, એક જ ઓવરમાં અલગ-અલગ વૅરિયેશનથી બૅટ્સમૅનને મુસીબતમાં મૂકી શકે છે અને બૅટિંગમાં નીચલા ક્રમમાં (ડેથ ઓવર્સમાં) આક્રમક રમીને ટીમને જિતાડવાની તાકાત પણ તેનામાં છે. તે મૅચ-ફિનિશર તરીકે જાણીતો છે.
ખરેખર, મૉરિસ નસીબનો બળિયો તો છે જ. આઇપીએલમાં એકંદરે તેનો પર્ફોર્મન્સ સાધારણ રહ્યો છે. તેનો ઇન્જરી-રેકૉર્ડ પણ સારો નથી. આ આઇપીએલ ચાલતી હશે એ દરમિયાન તે ૩૪ વર્ષનો થશે. તેના વિશે નેગેટિવ મુદ્દા ઘણા કહી શકાય. જોકે, ૨૦૧૮માં દિલ્હી ડેરડેવિલ્સે (હવે દિલ્હી કૅપિટલ્સ) તેને ૧૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બે વર્ષ બાદ, ૨૦૨૦માં રૉલય ચૅલેન્જર્સ બૅન્ગલોરે તેને ૧૦ કરોડ રૂપિયામાં મેળવ્યો હતો અને હવે રાજસ્થાને ૧૬.૫ કરોડમાં ખરીદીને તેને ન્યાલ કરી દીધો છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે તેને હરાજી માટે કેમ છૂટો મૂકી દીધો હતો એ ચર્ચાનો વિષય છે, પરંતુ ૧૮મી ફેબ્રુઆરીએ ચેન્નઈની હરાજીની શરૂઆતમાં બૅન્ગલોરના જ ફ્રૅન્ચાઇઝીએ તેને નીચા ભાવે ખરીદવાનો નિર્ણય લીધો હતો અને તેને ખરીદવા મુંબઈ ઇન્ડિયન્સ સાથે હરીફાઈ કરી હતી. એ બન્ને ટીમ તેને મેળવવામાં નહોતી ફાવી અને છેવટે રાજસ્થાને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
આઇપીએલમાં એક સીઝન માટે સૌથી વધુ ૧૭ કરોડ રૂપિયાની રકમ વિરાટ કોહલી મેળવે છે અને તમે વિચાર કરો કે મૉરિસ ૧૬.૨૫ કરોડના પ્રાઇઝ-મની સાથે બીજા સ્થાને આવી ગયો છે. જે ખેલાડી પોતાના દેશ (સાઉથ આફ્રિકા) વતી સવાઆઠ વર્ષની કરિયરમાં માંડ ૭૦ ઇન્ટરનેશનલ મૅચ રમ્યો છે અને આઇપીએલમાં ૮૦ મૅચ રમી શક્યો છે તે એટલી મોટી રકમમાં સાઇન થયો છે કે હવે તે ૨૦૨૧ની સાલ પછી ન રમે તો પણ સાહ્યબીથી જીવન માણી શકે.
૨૦૧૫ની આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે યુવરાજ સિંહને ૧૬ કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો હતો અને ગયા અઠવાડિયાના ગુરુવારની સવાર સુધી હરાજીમાં ખરીદાયેલા ખેલાડીઓમાં એ ભાવ હાઇએસ્ટ હતો. જોકે, મૉરિસે યુવરાજને પાછળ રાખી દીધો છે. ૨૦૧૫થી ૨૦૧૮ સુધીની આઇપીએલમાં જેની બોલિંગ-સરેરાશ ૩૦-પ્લસ જેટલી નબળી હતી અને બૅટિંગમાં સ્ટ્રાઇક-રેટ માંડ ૧૬૦-પ્લસ હતો એ મૉરિસને રાજસ્થાને પટારો આપી દીધો છે. હા, મૉરિસને કરિયર દરમિયાન ઈજાની સમસ્યા ઘણી વાર નડી છે. એ જોતાં તે આઇપીએલમાં જેટલી ઓછી મૅચો રમશે એટલી મૅચોની સરેરાશ રકમ તેના પ્રાઇઝ-મનીમાંથી કપાઈ જશે, પરંતુ આઇપીએલના સૌથી મોંઘા ખેલાડીઓમાં તો તે ગણાશે જ.
રાજસ્થાન રૉયલ્સના ‘ડિરેક્ટર ઑફ ક્રિકેટ’ કુમાર સંગકારાએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘ઇંગ્લૅન્ડનો જોફરા આર્ચર અમારી રાજસ્થાનની ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર છે. અમે તેને સારો ટેકો આપી શકે એવા ભરોસામંદ ફાસ્ટ બોલરની તલાશમાં હતા. અમે એવો ખેલાડી મેળવવા માગતા હતા કે જેની બૅટિંગ પણ સારી હોય. અમને ઊંચા કદનો અને હાર્ડ-હિટર તરીકે જાણીતો મૉરિસ સૌથી યોગ્ય લાગ્યો હતો. ડેથ ઓવરોમાં તેનો ઇકોનોમી-રેટ અમને સર્વશ્રેષ્ઠ લાગ્યો એટલે અમે તેને ખરીદ્યો છે.’
ક્રિસ મૉરિસ ‘મૅચ ફિનિશર’ તરીકે પ્રખ્યાત છે, પરંતુ ૨૦૨૦માં યુએઇમાં રમાયેલી આઇપીએલમાં સાવ તળિયે રહેલી રાજસ્થાન રૉયલ્સ ટીમને તે આ વખતે ૧૬.૨૫ કરોડ રૂપિયાના વળતર સામે કેવું ‘ફિનિશ’ અપાવશે એ જોવામાં સૌને રસ હશે.
--------------------
અંગત જીવન વિશે...
ક્રિસ મૉરિસનો જન્મ ૧૯૮૭ની ૩૦મી એપ્રિલે પ્રિટોરિયામાં થયો હતો. તેને નાનપણથી તેના પિતા વિલી મૉરિસે ક્રિકેટની તાલીમ આપી હતી. વિલી મૉરિસ સાઉથ આફ્રિકાના ડોમેસ્ટિક ક્રિકેટના ખેલાડી હતા. તેઓ પણ ફાસ્ટ બોલર હતા.
ક્રિસ મૉરિસની પત્નીનું નામ લિસા છે.
મૉરિસની ઊંચાઈ ૬ ફૂટ ૪ ઇંચ અને વજન ૯૦ કિલો છે.
મૉરિસને ક્રિકેટ ઉપરાંત ગૉલ્ફ રમવાનો તેમ જ મુસાફરી કરવાનો અને સંગીત સાંભળવાનો શોખ છે.
જૅક કૅલિસ, એબી ડી’વિલિયર્સ અને ક્રિસ ગેઇલ તેના સૌથી ફેવરિટ બૅટ્સમેનો અને ડેલ સ્ટેન તેનો સૌથી વધુ પસંદગીનો બોલર છે.
મૉરિસને હાર્ડ ડ્રિન્ક પીવું ગમે છે, પરંતુ સ્મોકિંગથી દૂર રહે છે.
મૉરિસ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેના અસંખ્ય ચાહકો છે.
---------------------
કરિયર પર નજર
પૂરું નામ: ક્રિસ્ટોફર હેન્રી મૉરિસ
ઉંમર: ૩૩ વર્ષ, ૨૯૮ દિવસ
કઈ ટીમો વતી રમ્યો?: સાઉથ આફ્રિકા, સાઉથ આફ્રિકા ‘એ’, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કૅપિટલ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, રાજસ્થાન રૉયલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર, હૅમ્પશર, લાયન્સ, નેલ્સન મંડેલા બે જાયન્ટ્સ, સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પૅટ્રિયટ્સ, સરે, સિડની થન્ડર અને ટાઇટન્સ.
બૅટિંગ સ્ટાઇલ: રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન
બોલિંગ સ્ટાઇલ: રાઇટ-આર્મ ફાસ્ટ-મિડિયમ બોલર
ટેસ્ટ-કારકિર્દી: ૪ ટેસ્ટમાં કુલ ૬૯ રન અને ૧૨ વિકેટ, છેલ્લી ટેસ્ટ ૨૦૧૭માં રમ્યો
વન-ડે કારકિર્દી: ૪૨ વન-ડેમાં કુલ ૪૬૭ રન અને ૪૮ વિકેટ, છેલ્લી વન-ડે ૨૦૧૯માં રમ્યો
ટી-ટ્વેન્ટી કારકિર્દી: ૨૩ ટી-ટ્વેન્ટીમાં ૧૩૩ રન અને ૩૪ વિકેટ, છેલ્લી ટી-ટ્વેન્ટી ૨૦૧૯માં રમ્યો
આઇપીએલ સહિતની ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં પર્ફોર્મન્સ: ૨૨૦ મૅચમાં ૧૭૯૧ રન અને ૨૭૩ વિકેટ |
|