Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
‘જૂઠ’ પારખવું હવે સરળ બનતું જાય છે

પ્રાસંગિક - અનંત જોષીબે દિવસ પહેલાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પોંડિચરીના માછીમારો આગળ ભાષણ આપી રહ્યા હતા કે મત્સ્યોદ્યોગ માટે એક અલગ કેન્દ્રીય ખાતું હોવું જોઇએ. બસ પછી તો પૂછવું જ શું? ધડાધડ તેમને ઉત્તર મળતા ગયા કે ૨૦૧૯માં જ મોદી સરકારે આ ખાતું શરૂ કર્યું છે અને તેના ઇન્ચાર્જ બિહારના ગિરિરાજ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે ખાતું અને તેની યોજનાઓ સરસ રીતે ચાલી રહી છે અને પોંડિચરીમાં જ્યાં રાહુલે આ ભાષણ આપ્યું ત્યાં પણ કઇ કઇ યોજનાઓ અમલમાં મુકાઇ છે કે મુકાવાની છે તેની ચર્ચા પણ હું રાહુલ સાથે કરવા તૈયાર છું. કોઇ બાબતને જાણ્યા-પિછાણ્યા વગર સરેઆમ જૂઠું બોલવાની આદત રાહુલ ગાંધીમાં વધતી જાય છે. આ પહેલાં પણ તેઓ કિસાન બિલમાં જે ત્રણ કાયદાઓ છે તેમાં ક્યાં અને કેવું નુકસાન છે તે પ્રજાને કે શાસક પક્ષને સમજાવી શક્યા નથી, ફક્ત જૂઠાણું ચલાવે રાખે છે કે આ બિલને કારણે ખેડૂતોની જમીનો વેચાઇ જશે. હકીકત તો એ છે કે તેમનો પક્ષ જ્યારે સત્તામાં હતો કે શરદ પવાર જ્યારે કેન્દ્રમાં કૃષિપ્રધાન હતા ત્યારે એ લોકો પણ આવા જ કૃષિ કાયદા લાવવા અંગે નિવેદનો કરતા હતા. આ નિવેદનો તમને આજે પણ સત્તાવાર રીતે વાંચવા, સાંભળવા કે જોવા મળે. ફરક એટલો જ છે કે તેમણે જે કાયદા અંગે નિવેદનો કર્યાં તેને ભાજપ સરકારે અમલમાં પણ મૂકી દીધો અને એ પણ પૂર્ણપણે લોકસભામાં અને રાજ્યસભામાં બહુમતીથી ખરડો પસાર કરાવીને. રાહુલ આંકડાબાજીમાં પણ જૂઠાણાં ચલાવ્યે રાખે છે. એક ઠેકાણે જે આંકડો બોલ્યા હોય તો બીજી સભામાં એ જ આંકડો બમણો કે અડધો પણ થઇ જાય.

જોકે, આપણે અહીં રાજકારણની વાતો નથી કરવી, પરંતુ એક વાત તો સાબિત કરવી છે કે વર્ષો પહેલાં અસત્ય વારંવાર બોલીને તેને સત્ય કરી નાખવાના રાજકીય પેંતરા થતા અને કેટલાક સફળ પણ થતા, પરંતુ રાહુલ ગાંધીના સલાહકારો કે તેમના ભાષણ લખી આપનારા એમ માનતા હોય કે આ જમાનામાં તેમના નેતા સો વાર જૂઠું બોલશે તો લોકો તેમને સત્ય માની લેશે તો એ જમાનો હવે ગયો.

બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જર્મનીના ગોબેલ્સે આવી તિકડમબાજી ચલાવીને અનેક અફવાઓ અને જૂઠાણાં ફેલાવ્યાં હતાં, ત્યાર બાદ કોઇ પણ પક્ષ કે વ્યક્તિ જૂઠાણાં દ્વારા પોતાનો પ્રચાર કરતો હોય તેને ગોબેલ્સ પ્રચાર તરીકે ઓળખવામાં આવતો. પરંતુ આ ટેક્નિક હવે આગળ ચાલે એમ નથી. એનાં ઘણાં કારણો છે. એક તો માણસ હવે શિક્ષિત થતો જાય છે, ભણવાનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. વળી અનેક જાતની સરકારી-બિનસરકારી ખબર સંસ્થાઓ અને ઇલેક્ટ્રોનિક જાહેર-ખાનગી ન્યુઝ ચેનલોનો વ્યાપ વધતો જ જાય છે. કોઇ પણ ઘટનાના ફોટા અને વિડિયો જોઇએ એટલા પ્રમાણમાં મળી રહે છે. ટેક્નોલોજી પણ એટલી વિકસી છે કે સામન્ય માનવી પણ હવે કેમેરાવાળા સ્માર્ટફોન વાપરતો થઇ ગયો છે. ઇન્ટરનેટની માયાજાળ એટલી વિકસી છે કે એક સ્થળે રાહુલ પ્રવચન આપી રહ્યા હોય તેનો વિડિયો પળવારમાં દેશને ખૂણે ખૂણે પહેંચી જાય છે અને પાંચ મિનિટમાં તો અનેક સ્થળોએથી તેના પ્રત્યાઘાતો પણ આવતા થઇ જાય છે.

પહેલાંના સમયમાં ન્યુઝ ચેનલના નામે માત્ર થોડાં છાપાં અને આકાશવાણી-દૂરદર્શન જેવી ચેનલો જ હતી. આમાંથી આકાશવાણી અને દૂરદર્શન તો એ વખતે જેની સરકાર હોય તેના હાથમાં જ રહેતાં. હા, છાપાંમાં તટસ્થ સત્ય આવતું ખરું, પણ છેવાડેની અભણ પ્રજા જ્યાં કાળા અક્ષર ભેંસ બરાબર એવી સ્થિતિ હોય ત્યાં અખબારો ધારી અસર ઊપજાવી શકતાં નહીં. આવી જગ્યાએ કોઇ નેતાએ ઉચ્ચારેલાં જૂઠાણાં પણ પ્રજાને આસાનીથી ગળે ઊતરી જતાં અને એ નેતાના બોલબચ્ચનને કારણે તેમને મત પણ મળી જતા, પરંતુ હવે સમય બદલાયો છે અને આ બદલાતા સમય સાથે રાહુલ જેવા એક દેશના સૌથી જૂના અને મોટા પક્ષના નેતા કદમ મેળવી શક્યા નથી એ હકીકત છે. તેમના સલાહકારો પણ તેમને ઊંધે માર્ગે દોરતા હોય એમ બની શકે. એ જે હોય તે હવે આવાં જૂઠાણાં પછી તે કોઇ પણ વ્યક્તિનાં હોય એ ચાલતાં નથી. આનું તાજું ઉદાહરણ જોવું હોય તો એ પણ મળી આવે. બે વર્ષ પહેલાં જે લોકસભાની ચૂંટણી થઇ એના પ્રચાર દરમ્યાન રાહુલે ‘ચોકીદાર ચોર હૈ’ નામના વાક્યનો બેફામ મારો ચલાવ્યો હતો, પરંતુ જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે એ સાબિત થઇ ગયું કે પ્રજાએ આ સતત ચલાવાતા જૂઠાણાને સત્ય માન્યું ન હતું અને ચોકીદારને ગઇ ચૂંટણી કરતાં પણ વધુ બેઠકો મળી હતી.

આપણાં ઉપનિષદોમાં તમને સત્યને લગતાં અનેક સુવાક્યો મળી આવે છે. તેમાંથી ‘સત્યમેવ જયતે’ તો હવે દેશનું તકિયા કલામ બની ગયું છે. આપણી ચલણી નોટોમાં જે અશોક સ્તંભનું ચિત્ર દેખાય છે તેની નીચે તમને આ વાક્ય અચૂક વાંચવા મળશે. અરે, આ જ નોટ પર જે ગાંધીજીનું ચિત્ર જોવા મળે છે તે મહાત્મા ગાંધી અને એક સમયે હાલની કૉંગ્રસના આગેવાન ખુદ સત્યના પૂજારી હતા. તેમની આત્મકથાને પણ તેમણે ‘સત્યના પ્રયોગો’ જેવું નામ આપ્યું હતું. આજે તેમની જ પાર્ટીના આગેવાનોએ જાણ્યે-અજાણ્યે ‘જૂઠાણાં’નો માર્ગ અપનાવવો પડે એ પણ વિધિની વક્રતા ગણાય.

હવે તો લાઇ ડિટેક્ટરો પણ શોધાયાં છે. તેની ટેક્નિક એવી છે કે માણસ જૂઠું બોલતો હોય તો પકડાઇ જાય. એક કહેવત છે કે જૂઠ કે પાપ છાપરે ચઢીને પોકારે છે. હા, પહેલાં તેને છાપરે ચઢતાં વાર લાગતી હતી, પરંતુ હવે તો એ બોલાતાં વેંત જ છાપરે ચઢી જાય છે. એક જૂઠ બોલનારે પછી તે છુપાવવા સો જૂઠ બોલવાં પડે છે. જૂઠું બોલનારે યાદશક્તિ પણ સતેજ રાખવી પડે છે. ક્યારે કયા સંદર્ભમાં તે કેટલું જૂઠું બોલ્યો હતો એ તેના મગજમાંથી નીકળી જાય તો ભારે ગોટાળા સર્જાય. સત્ય બોલવાવાળાને તો આની કંઇ અસર થતી નથી. જૂઠાણાં હજાર હોય છે, જ્યારે સત્ય તો એક જ હોય છે એટલે તેને યાદ રાખવું ઘણું સરળ છે. જૂઠાણાંનો ક્યારેક તો પર્દાફાશ થાય જ છે, પરંતુ સત્યને આવી કોઇ સમસ્યા નડતી નથી. જૂઠાણાંનો ક્ષણિક વિજય થઇ શકે, પરંતુ અંતે સત્યનો વિજય નિશ્ર્ચિત છે. વળી હાલના બદલાયેલા સંજોગો અને ટેક્નોસેવી યુગમાંં તો આ વાત સોએ સો ટકા સત્ય સાબિત થતી જાય છે. આટલી વાતો દરેક મનુષ્ય પછી એ રાજકારણી હોય કે સામાન્યજન યાદ રાખે તો ‘સત્ય યુગ’ જલદી પાછો આવે ખરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8iJYwy
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com