| ઇતિહાસ ફરી લખવાનો ઐતિહાસિક નિર્ણય લેવાશે? |
|  સમજણ -મુકેશ પંડ્યા
છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાસ કરીને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી ભારતનો ઇતિહાસ ફરીથી લખવાની માગ બળવત્તર બની છે. દેશના ઘણા લોકો અને હાલની સરકાર માને છે કે છેલ્લાં ૯૦૦ વર્ષમાં (મુગલ અને બ્રિટિશકાળ દરમ્યાન) જે ઇતિહાસ લખાયો તેણે ભારત અને ભારતીયોને ખરા અર્થમાં ન્યાય આપ્યો નથી. તેમાં મુસ્લિમો અને અંગ્રેજોની દૃષ્ટિએ જ ઇતિહાસ લખાયો હોવાની છાપ પડી ગઇ છે. સ્વાતંત્ર્ય બાદ પણ દેશની આઝાદી માટે લડેલા મુખ્ય પક્ષ કોંગ્રેસ કે તેના સાથી પક્ષ ડાબેરીઓનો પ્રભાવ આપણા ઇતિહાસ પર રહ્યો છે એ વાત પણ નકારી શકાય એમ નથી. એથી જ આજની સરકારને લાગે છે કે કેટલીક નોંધપાત્ર ઘટનાઓ કે વ્યક્તિઓને જાણીબૂજીને હાંસિયામાં ધકેલી દેવાઇ છે તો કેટલાકને તેઓ હતા તેના કરતાં મોટા બનાવીને ચીતરવામાં આવ્યા છે.
એમાં કોઇ શક નથી કે ઇતિહાસ પછી તે ભારતનો હોય કે દુનિયાનો એ વિજેતા અને સત્તાધારીઓ પ્રતિ કૂણું વલણ રાખીને જ લખાયો હોય છે, પરંતુ ખરેખર ઇતિહાસની વ્યાખ્યા એટલે તો સતત, તટસ્થ અને વ્યવસ્થિત રીતે વર્ણન કરાયેલી ભૂતકાળની ઘટનાઓનો ઉપસંહાર. એવી ક્રમબદ્ધ હારમાળા જેમાં દરેક કાળની વ્યક્તિ અને પ્રસંગોનું એ જેવાં હતાં એવું જ હકીકતવાર નિરૂપણ થયેલું હોય. ઇતિહાસમાં તો દરેકનાં સારાં કે નરસાં બન્ને પાસાંનું કોઇ પણ જાતના ભેદભાવ વગર વર્ણન થવું જ જોઇએ.
હવે જ્યાં સુધી ભારતના ઇતિહાસને લાગેવળગે છે ત્યાં સુધી તેને મુખ્યત્વે પાંચ સમયગાળામાં વહેંચી શકાય. એક - વૈદિક કાળ જેને આપણે ઇ. સ. પૂર્વે ૧૦૦૦થી ઇ. સ. પૂર્વે ૬૦૦૦ સુધીનો ગણીએ જેમાં રામાયણ અને મહાભારત જેવી મહાઘટનાઓ રચાયેલી. બીજો ભારતનો સુવર્ણયુગ ઇ. સ. ૫૦૦થી લઇને ઇ. સ. ૮૦૦ સુધીનો, ત્યાર બાદ મુગલકાળ ઇ. સ. ૧૦૦૦થી લઇ ઇ. સ. ૧૭૦૦ સુધીનો, એ પછી અંગ્રેજોનો શાસનકાળ ઇ. સ. ૧૭૦૦થી લઇ ૧૯૪૭ સુધીનો અને પાંચમો સમયગાળો એટલે દેશની આઝાદીથી લઇને અત્યાર સુધીનો ગાળો. આમાંથી પ્રથમ બે સમયગાળામાં સ્વાભાવિક રીતે જ ઘણું ખૂટે છે, ઘણી ચાવીરૂપ ઘટનાઓ ગુમ થયેલી દેખાય છે. ઘણી કલ્પનાઓ અને વાસ્તવિકતાઓનું સંમિશ્રણ થઇ ગયું છે. ઘણા જો અને તો પણ છે.
આ ખૂટતી કડીઓનું સંશોધન થવું જરૂરી છે. આ બે સમયગાળા એ ભારતીય સંસ્કૃતિનો શિરમોર સમો એવો વખત કહી શકાય, જ્યારે ભારત અન્ય દેશોની તુલનાએ કળા, સંસ્કૃતિ, જ્ઞાન, હુન્નર અને સભ્યતાની બાબતમાં ઘણું આગળ હતું. આ સમયની જેટલી માહિતી મળે એ મેળવીને પછી ઇતિહાસ લખવાથી ન ફક્ત આપણી નવી પેઢીને પણ સમગ્ર દુનિયાને તે સમયની ભારતની જાહોજલાલી અને સાંસ્કૃતિક-સામજિક-વૈજ્ઞાનિક ઊંચાઇનો ખ્યાલ આવશે.
ત્યાર બાદના ત્રણ ગાળા એટલે કે મુસ્લિમ, અંગ્રેજ અને કોંગ્રેસ શાસનકાળ. આ ઇતિહાસ ક્રમવાર લખાયો તો છે, પણ આગાઉ કહ્યું તેમ તેમાં વિજેતાઓની અને લાંબા સમય સુધી સત્તા પર રહેલા રાજવીઓ કે શાસનકર્તાઓની છાપ પડી જ છે. મુસ્લિમ અને અંગ્રેજોના શાસન વખતે લખાયેલ ઇતિહાસ ભારતીયોના પરિપ્રેક્ષ્ય કે ભારતીયોના લાભાર્થે તો લખાયો જ ન હતો એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે.
વળી કૉંગ્રેસના શાસનમાં પણ આઝાદી પહેલાં કે તેના પછી જે પણ લોકો કે પક્ષો સુધ્ધાં તેની વિચારધારા સાથે સહમત નહોતા તેમાંથી ઘણા લોકોની ઉપેક્ષા થઇ હોવાના આક્ષેપો થયા છે. આ બાબતમાં તથ્ય હોય એવું પણ લાગે છે. કૉંગ્રેસમાં નેહરુ અને ગાંધીની સરખામણીએ સરદાર પટેલ અને સુભાષચંદ્રનાં ભૂતકાળ કે ઇતિહાસ જે રીતે ચીતરાવા જોઇએ એવા નથી ચીતરાયા એ હકીકત છે.
તેની પણ પહેલાં મોગલ કાળની વાત કરીએ તો ઇતિહાસમાં અકબરને ‘અકબર ધ ગ્રેટ’ તરીકે સ્થાન અપાયુ ંછે, પણ તે જે રીતે મહારાણા પ્રતાપ સામે લડ્યો, માનસિંહને યેનકેન પ્રકારેણ પોતાનો કરી લીધો, અનેક હિંદુઓના જાન પણ ગયા એ રીતે તેને નખશિખ ચીતરવામાં આવ્યો છે કે કેમ એ પણ જોવું પડે. અરે અકબરની વાત જવા દો, બાબર અને ઔરંગઝેબ જેવા હિન્દુદ્વેષીઓનો ઇતિહાસ તેમની નજરથી લખવામાં આવ્યો હોઇ તેની આપણા જનમાનસ પર હોય એનાથી અલગ જ છાપ પડે છે. કર્ણાટકના ટીપુ સુલતાન પણ અંગ્રેજો સામે લડ્યા હતા તેવો ઇતિહાસ છે, પરંતુ તેની અગાઉ તેમણે પોતાના શાસન વખતે અનેક હિન્દુઓનાં ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનાવી દીધા હોવાનું ચર્ચાય છે. કર્ણાટકની સરકારે તો ટીપુ સુલતાનની સત્યતા ચકાસીને ઇતિહાસ બદલવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.
એવા ઘણા મુસ્લિમ શાસકો હતા જેઓ બ્રિટિશરો સામે લડ્યા, પરંતુ આ દેશની મૂળ પ્રજા અર્થાત્ હિંદુઓને ભારે પ્રમાણમાં રંઝાડ્યા હોય.
આ લોકોને હાલમાં ઇતિહાસમાં લખાયા છે એ જ રીતે રાખવા કે પછી ફેરબદલ કરીને હકીકતોને બહાર લાવવી એ નવા ઇતિહાસકારો માટે ઘણું અગત્યનું કામ બની રહેશે એમાં સંશય નથી.
એક વાત તો છે કે ઇતિહાસ એટલે ભૂતકાળનું લેખન પછી તે આજના સંદર્ભમાં સારું લાગતું હોય કે ખરાબ. સાથે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે ઇતિહાસ એટલે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ જ નહીં, પરંતુ એ સમજવાની તકેદારી કે તે કાળમાં જે બન્યું હતું તે વર્તમાનને કઇ રીતે જોડે છે? આજે આપણને ખરાબ લાગે કે ઓહો, આપણા પર હજાર વર્ષ સુધી મુસ્લિમ અને અંગ્રેજો રાજ કરી ગયા, પણ ઇતિહાસના સંશોધન દ્વારા આજે આપણે એ પણ જાણવાની અચૂક કોશિશ કરવી જોઇએ કે શા માટે આવી નોબત આવી? એ જાણવાની કોશિશ પણ કરવી પડશે કે શા માટે હિન્દુ રાજાઓ વિદેશી આક્રમણખોરો સામે એકત્રિત થઇને લડી ન શક્યા, સંપીને રહી ન શક્યા. કેવા કેવા દેશદ્રોહી તે સમયે હતા. એ દેશદ્રોહીઓનો ઉપયોગ કરીને પછી કેવી રીતે વિદેશીઓ તેમનું પણ કાસળ કાઢી નાખતા હતા. આખરે સંશોધન કરીને આપણે એટલું તો શીખવું પડશે કે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય અને આજના સ્વતંત્ર ભારતમાં પણ આપણે વિદેશીઓના હાથા ન બનીએ કે તેમના અપપ્રચારનો ભોગ ન બનીએ અને દેશ તેમ જ પરદેશમાં રહેતા ગદ્દારોને સમયસર ઓળખી શકીએ.
જે રીતે ભારત અત્યારે ભૂતકાળના અનેક વિવાદાસ્પદ કાયદાઓ બદલી રહ્યું છે. આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરવાની નેમ રાખે છે. વિકાસના પંથે વિહરવાનું વિચારી રહ્યું છે એ આપણને ભૂતકાળના એ સુવર્ણ સમયની યાદ અપાવે છે જ્યારે ભારત દુનિયામાં શિક્ષાથી લઇ અનેક કળાકરતબોમાં અગ્રેસર હતું, દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી અને બીજા દેશો એ જ વખતે પા...પા... પગલી ભરી રહ્યા હતા, પરંતુ એ વખતે આપણા શાસકો એક રહીને આપણી સંસ્કૃતિ અને જાહોજલાલીનું રક્ષણ ન કરી શક્યા એ પણ કડવી સચ્ચાઇ છે. આનું પુનરાવર્તન ન થાય અને બીજા દેશો ઇર્ષ્યા-અદેખાઇથી આપણને રંજાડે નહીં એ પણ ઇતિહાસમાંથી શીખવું પડશે. આજે કિસાનને લગતા જે ત્રણ કાયદાઓ આવ્યા છે ત્યારથી દેશના અને વિદેશના વિરોધીઓ જે રીતે સામદામદંડભેદની નીતિ અપનાવી રહ્યા છે એ રીતે આપણે ફરી તેમના હાથા ન બની જઇએ એ શીખવાની જરૂર છે.
આપણી નવી પેઢી પણ ઇતિહાસ વાંચીને ભૂતકાળની ભૂલોમાંથી કંઇ શીખી શકે અને ભવિષ્યના ભારતનું નિર્માણ કરી શકે એ રીતે ઇતિહાસનું પુનર્લેખન થાય એ અત્યંત જરૂરી છે.
ભૂતકાળમાં અનેક વિદેશીઓ આવ્યા તે આપણને લૂંટવા માટે જ આવ્યા હતા એટલે તેમનો ઇતિહાસ સ્વાર્થી એક તરફી અને રક્તરંજિત તો રહેવાનો જ, પણ આપણે તો તેમની પણ અગાઉના આપણા હિંદવી શાસકોની ખૂટતી કડીઓ શોધવાની જરૂર છે જે આપણને ભારતીય હોવાની સાચી માહિતી પણ આપી શકે અને જેનો અંધકારમાં ધરબાયેલો ભાતીગળ પણ ભવ્ય ભૂતકાળ આપણને અને વિદેશીઓને પણ ભારતની સાચી ઓળખાણ આપી શકે.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં ખોદકામ દરમ્યાન સેંકડો વર્ષ જૂનું બ્રાહ્મણાબાદ નામનું એક પ્રાચીન શહેર મળી આવ્યું છે. અયોધ્યામાં ખોદકામમાં રામમંદિરના અનેક અવશેષો મળી આવ્યા છે. કેટલીય જગ્યાએથી એવાં એવાં સ્થાપત્યનો ખજાનો મળી રહ્યો છે કે તાજમહાલ પણ ફીકો
પડી શકે.
દેશના અંતરિયાળ ભાગોમાં એવી એવી ઐતિહાસિક સ્થાપત્યથી ભરપૂર ઇમારતો મળી આવી છે જેનું કોતરકામ અને જ્ઞાન- વિજ્ઞાન જોઇને આશ્ર્ચર્યમાં પડી જવાય છે. કેટલાંય સ્થળોએથી વિવિધ લિપિઓમાં લખાયેલાં પથ્થરો અને શિલાઓ મળી
આવ્યાં છે.
આ લિપિઓ ઉકેલી શકાય તો ભારતના ઇતિહાસની તૂટતી કડીઓ શોધી શકાય એમ છે. તાજમહાલને નામે ભારત ઓળખાય છે, પણ એનાથીય ચઢતી અને પ્રવાસીઓને આકર્ષતી અનેક પૌરાણિક ઇમારતો દેશમાં ઠાંસી ઠાંસીને ભરી પડી છે અને કેટલીયે શોધવાની બાકી પણ હશે.
આજના ઇતિહાસકારોએ પુરાતત્ત્વવિદો સાથે મળીને આ ક્ષેત્રને ઉજાળવાની પણ જરૂર છે, જેથી આપણી નવી પેઢી તો પરિચિત થાય, સાથે સાથે આવી ઐતિહાસિક વિરાસત સમી સ્થાપત્યશૈલી દેશ-વિદેશના લોકો માટે ટૂરિઝમનું બહાનું પણ બને અને આમ આપણો આર્થિક વિકાસ પણ સધાય.
ટૂંકમાં હવે એવો ઇતિહાસ લખાવો જોઇએ જે તટસ્થ હોય, જેમાં આજ સુધી કોઇને ન્યાય ન મળ્યો હોય તેને ન્યાય મળે, જેનાં ખોટાં ગાણાં ગવાણાં હોય તેમના પર નિયંત્રણ આવે. જે વાંચીને આપણને આપણી ભૂલોની પણ અનુભૂતિ થાય અને ભવિષ્યને સુંદર બનાવવાનો માર્ગ પણ જડી આવે. |
|