| સંબંધની મધુરતા એટલે સમજણનો સેતુ મજબૂત |
|  દિલની વાત -દિનેશ દેસાઈ
આજે સંબંધની મધુરતાની વાત કરીએ. ગઝલકાર ‘મરીઝ’નો એક શે’ર યાદ આવે, "બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
જ્યારે બે વ્યક્તિ દિલથી મળે છે ત્યારે ભલે એ બે જ વ્યક્તિ હોય તેમ છતાં એનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. એથી ઊલટું જ્યારે દિલ વિના, સાવ ઉપરછલ્લા દેખાવ ખાતર એક-બે નહીં પણ લાખો લોકો મળે તો પણ એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. સંબંધની મધુરતા એટલે સમજણનો સેતુ મજબૂત હોય.
આજનો સમય દેખાવનો છે. શો-બિઝ બધાને ગમે છે. ભીતરની સુંદરતા વિશે કોઈ ઝાઝી ચિંતા કરતું નથી. બહારનો દેખાવ હોવો જોઈએ. ઠાઠ અને ભપકાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને આંજી દેવા સતત પ્રયાસરત હોય એ આજના સમયની કઠોર સચ્ચાઈ છે. સંબંધમાં મીઠાશ, મધુરતા કઈ રીતે લાવી શકાય? સંબંધની મધુરતા એટલે સમજ અને સમજણ.
દરેક સંબંધમાં સમજણનો અવકાશ જરૂરી છે. એકમેકને સમજી શકે એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. જો એકબીજાને સમજી શકે એવી વ્યક્તિ મળે તો બેડો પાર. દરેક વ્યક્તિને એમ જ લાગતું હોય કે પોતે તો ખોટા હોઈ શકે જ નહીં. પોતાની વાત જ સાચી છે અને પોતાની વાત સામી વ્યક્તિએ અને સૌ સમૂહે માનવાની રહે.
આ પ્રકારનું માનવાનો વ્યક્તિનો વ્યક્તિગત અભિગમ કદાચ સાચો પણ હોઈ શકે. કારણ કે દરેક સિક્કાની જે બાજુ તરફ તમે ઊભા હો એ બાજુ ખરી જ હોવાની, પરંતુ એ જ સિક્કાની બીજી બાજુ પણ હોય છે, હોઈ શકે છે, એવું વિચારવાની પણ જરૂર હોય છે.
જ્યારે આપણે આપણી તરફના સિક્કાની બીજી તરફ પણ જઈને નિહાળીએ તો બીજું સત્ય પણ સામે આવે. સિક્કાની બેઉ તરફનું સત્ય જોવાની ઉદારતા જરૂરી છે. કોઈ વ્યક્તિ પોતાની વાત ઉપર અડગ હોય તો ત્યાં સુધી કશું ખોટું પણ નથી. દરેક વ્યક્તિને પોતાની વાત પ્રસ્તુત કરવાનો મોકો મળવો જ જોઈએ.
દરેક વ્યક્તિ પોતાની તરફનો સિક્કો અથવા પોતાનો મુસદ્દો જ કહી શકે. ખરેખર સામી વ્યક્તિ પણ પોતાની તરફથી એટલે કે પોતાના તરફના સિક્કાની બાજુ પ્રમાણે સાચી જ હોવાની. આ સંજોગોમાં એક તરફનો મત ધરાવતી વ્યક્તિએ બીજી વ્યક્તિના સ્થાને હોય તેવી અનુભૂતિ સાથે પણ વિચારવું જોઈએ.
સંબંધમાં મધુરતા માટે સમજ અને સમજણ સાથે એકમેકના વિચારોને આદર આપવાનું પણ એટલું જ મહત્ત્વ છે. આપણા વિચારો હંમેશા સામી વ્યક્તિ ઉપર લાદી શકાય નહીં. જો તમારો વિચાર ઉમદા છે તો સામી વ્યક્તિનો વિચાર પણ ઉમદા હોવાનો અભિગમ કેળવીએ.
સંબંધમાં જો મતભેદ પડે તો એનો અંત મનભેદ સુધી પણ પહોંચી જતો હોય છે. મતભેદ હોઈ શકે પરંતુ એવા મતભેદ જો મનભેદ કરાવનારા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. મતભેદ ઊભા થવાના કારણમાં પણ સમજ અને સમજણ અગત્યનું પરિબળ છે. ઝગડો કરાવવા કોઈ આવશે પણ સુલેહ તો આપણે જાતે જ કરવી પડે.
સંબંધમાં ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે સમજણનો પાયો દૃઢ હોય તો મુશ્કેલી પડતી નથી. એક દંપતીની વાત કરીએ. બેઉ વચ્ચે સાવ સામાન્ય વાતમાં મતભેદ અને અણબનાવ બનતા રહે. પરિસ્થિતિ એ હદે આગળ વધી કે એક જીવનસાથીની સાવ સાચી વાત પણ બીજા જીવનસાથીને ખોટી અને બદઈરાદાવાળી જ લાગે.
ગુજરાતી કહેવત છે કે "જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ. જો આપણે કોઈ પણ બાબતને હકારાત્મક રીતે જોવાનો અભિગમ કેળવ્યો હશે તો આપણને બધી જ બાબતો સારી જ લાગશે, પરંતુ જો આપણો અભિગમ કોઈ પણ બાબતને વાંકી નજરે, વક્ર દૃષ્ટિથી જોવાનો જ રહે તો એવી અવદશાનો તો કોઈ ઉપાય જ નથી.
દરેક સંબંધમાં આથી જ સમજણનો પાયો મજબૂત બને એ દિશામાં ભાર આપવામાં આવે છે. દરેક સંબંધમાં ગેરસમજણના કારણે જ તિરાડ પડતી હોય છે. ગેરસમજણના સરવાળા થતા જાય એમ એમ આવી તિરાડ મોટી અને પહોળી પણ થતી જાય છે.
કોઈ દોરાને અથવા દોરડાને બેઉ તરફથી જોર કરી કરીને ખેંચવામાં આવે તો એક સમય એવો આવે છે કે દોરો અથવા દોરડું બેઉ તરફથી તૂટી જતું હોય છે. આમ બેઉ તરફથી ખેંચનારના હાથમાં થોડાક રેસાઓ કે ટુકડાઓ સિવાય કશું જ બચતું નથી. સંબધની સુવાસ એટલે બે વ્યક્તિ વચ્ચેના સમજણના સેતુમાંથી વ્યક્ત થતું માધુર્ય.
|
|