Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
કોરોના તો જશે, પણ કેન્સરનું શું?

ફોકસ - પ્રથમેશ શાહકોરોના તો એક દિવસ જતો રહેશે, પણ કર્કરોગનું શું? ૨૦૨૦માં કોરોનાને કારણે જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તેનાથી ત્રણ ગણા વધુ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા છે. આપણા શરીરમાં કોશિકાઓ (સેલ્સ)નું સતત વિભાજન થતું રહે છે અને આ સામાન્ય પ્રક્રિયા છે, જેના પર શરીરનો પૂરો ક્ધટ્રોલ રહે છે. જ્યારે શરીરના કોઇ ખાસ અંગની કોશિકાઓ પર શરીરનો ક્ધટ્રોલ નથી રહેતો અને તે અસામાન્ય રૂપથી વધવા લાગે તો તેને કેન્સર કહે છે. જેમ જેમ કેન્સરગ્રસ્ત કોશિકાઓ વધે છે, તે ટ્યુમર (ગાંઠ)ના રૂપમાં ઊભરી આવે છે.

કેન્સરની સારવાર માટેની હાલમાં ૧૦૦થી વધુ પ્રકારની કેમોથેરપી મેડિસિન્સ ઉપલબ્ધ છે. કેન્સરની સારવાર માટે રેડિયોથેરપીનો પર્યાય પણ ઉપલબ્ધ છે. આ બંને પર્યાય ન ચાલે તો સર્જરી કરવામાં આવે છે. આ સાથે જ દુનિયામાં નિતનવી સારવાર પદ્ધતિ વિકસિત કરવામાં આવી રહી છે. જગતમાં સૌથી વધુ સંશોધન માટેનું ભંડોળ કેન્સરની ઉપચાર પદ્ધતિ વિકસિત કરવા માટે વાપરવામાં આવે છે. જોકે, તેમ છતાં કેન્સર પૂર્ણપણે સાજો થઇ જાય એવી એકપણ ઉપચાર પદ્ધતિ વિકસિત થયેલી નથી.

કેન્સર ફક્ત એક રોગ નહીં પણ અનેક રોગોનો સમૂહ છે. ખૂબ જ શરૂઆતના તબક્કામાં કેન્સરનું નિદાન થઇ શકતું નથી. કેન્સરનાં લક્ષણો પણ એકસરખાં હોતાં નથી. આથી કેન્સર થયું છે કે બીજો કોઇ રોગ એ પણ જલદીથી સમજાતું નથી. કેન્સર ચોક્કસ કયા કારણે થાય છે તેના ૯૫ ટકા કારણ હજુ સુધી મળ્યાં નથી. આથી આ રોગનો અંદાજ પણ લગાવી શકાતો નથી. કેન્સર શરીરમાં ઝડપથી વધે છે. કેમોથેરપી અને રેડિયોથેરપીના વિરોધમાં લડવા માટે તેની પોતાની સિસ્ટમ ઊભી કરે છે. ટ્યુમરને રક્ત પુરવઠો થતો ન હોય તો તે જાતે રક્તવાહિનીઓને જોડતું જાળું તૈયાર કરે છે. કેમોથેરપી, રેડિયોથેરપી અથવા સર્જરી કર્યા બાદ પણ જો ટ્યુમર બાકી રહે તો તે ફરી વધવા લાગે છે.

એક અવયવનું કેન્સર સાજું થઇ ગયું એવું લાગે ત્યારે તે બીજા કોઇ અવયવમાં પસરેલું હોય છે. શરીરમાં જેમ મગજ તમામ અવયવનું નિયંત્રણ કરે છે એમ કેન્સર પણ પોતાનું નિયંત્રણ કરે છે. આ તમામ કારણોને કારણે કર્કરોગ નિયંત્રણમાં આવતો નથી. સામાન્ય રીતે ત્રીસ વર્ષ પહેલાં ગામમાં વર્ષમાં એકાદ કેન્સરના દર્દીનું મૃત્યુ થતું હતું.

આજે તો ગલી, પાડોશ, સગાંસંબંધીઓમાં કેન્સરના દર્દી જોવા મળે છે. દુનિયામાં વિવિધ આરોગ્ય સંગઠનોએ કરેલા સર્વે અનુસાર વર્ષ ૨૦૫૦માં ભારતમાં દર દસ લોકો પાછળ ત્રણ જણને કેન્સર થયેલું હશે. બદલાયેલી જીવનશૈલી, વાતાવરણમાં બદલાવ, અયોગ્ય આહાર પદ્ધતિ, શહેરના લોકોમાં વ્યાયામનો અભાવ, વિવિધ પ્રકારની દવાઓનું સેવન વગેરેને કારણે પણ કેન્સર ઝડપથી ફેલાય છે.

ભારતમાં છેલ્લાં ચાર વર્ષમાં કેન્સરના દર્દીની સંખ્યામાં લગભગ ૧૦ ટકાનો વધારો થયો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ ૨૦૨૦ અનુસાર દેશમાં કેન્સરના ૧૩.૯ લાખ કેસ છે. આ આંકડો ૨૦૨૫ સુધીમાં ૧૫.૭ લાખ સુધી પહોંચી શકે છે. કેન્સરના આંકડાઓને ધ્યાનમાં લેતાં તે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૫ સુધીમાં પુરુષોમાં કેન્સરના ૭.૮ લાખ કેસ અને મહિલાઓમાં ૮.૧ લાખ કેસ થઇ શકે છે.

કોરોના એક વાર સાજો થઇ ગયા બાદ સામાન્ય રીતે તે ફરીથી થતો નથી. જોકે, કેન્સરનો રોગ ૯૦ ટકા ફરી ઉદ્ભવે છે. આવા સમયે તે સારવારના નિયંત્રણ બહાર જતો રહે છે. અમેરિકા, બ્રિટન અથવા જર્મનીમાં અત્યાધુનિક એવી ઇમ્યુનોથેરપી વિકસિત થઇ છે. જોકે તે અતિ ખર્ચાળ હોય છે. સામાન્ય નાગરિકોને તે પરવડી શકે નહીં. મોટી સેલિબ્રિટીઓ અથવા રાજકીય નેતાઓને તેનો ખર્ચ પરવડે. એટલે જ તેઓ કેન્સરની સારવાર માટે વિદેશમાં જાય છે.

અત્યારથી જ કેન્સર અંગે જો જનજાગૃતિ કરવામાં આવે તો સમયસર કેન્સરને રોકી શકાય છે. મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર ઝડપથી ફેલાય છે. સામાન્ય રીતે ચાલીસી વટાવ્યા બાદ મહિલાઓએ વર્ષમાં એક વાર સ્તન અને ગર્ભાશયની તબીબી તપાસ કરાવી લેવી જોઇએ. મહિલાઓએ તે માટે જાતે આગળ આવવું જોઇએ. પુરુષોમાં મોઢા, ફેફસાં, મૂત્રાશય અને આંતરડાનું કેન્સર ઝડપથી ફેલાય છે. પુરુષોમાં તમાકુ, સિગારેટ અને દારૂનું વ્યસન ઘટવું જોઇએ. બહારના જંક ફૂડ ખાવાનું ટાળવું જોઇએ, દરરોજ વ્યાયામ કરવો જોઇએ, અઠવાડિયામાં એક વાર હળવા આહારનું સેવન વગેરે જેવા સાદા પ્રયોગો પણ જો કરવામાં આવે તો કેન્સરને દૂર રાખી શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q4lL680y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com