| વસંત ઋતુમાં પીળા રંગનું મહત્ત્વ અદકેરું છે |
|  પ્રાસંગિક - સોનલ મહેતા શેઠ
ગુજરાતી કવિઓ અને લેખકોએ ઋતુરાજ વસંતને ઘણા લાડ લડાવ્યા છે. પ્રકૃતિનું યૌવન એટલે વસંત. વસંતનાં વધામણાં થતાં જ પ્રકૃતિ નવપલ્લવિત થાય છે. વસંત ઋતુમાં પીળા રંગનું અદકેરું મહત્ત્વ છે. વસંત ઋતુમાં પ્રકૃતિનો રંગ પીળો દેખાય છે. ખેતરો પણ પીળાં ફૂલો અને પાકથી શણગાર સજે છે. આકાશમાંથી જોતાં ધરતી પણ પીળી દેખાય છે. આરોગ્ય અને માનસિક દૃષ્ટિકોણથી પણ પીળો રંગ બહુ મહત્ત્વનો માનવામાં આવે છે. આપણી વસ્ત્ર સજ્જાથી લઇને પ્રસાદી સુધીની દરેક બાબતમાં પીળા રંગને મહત્ત્વ આપવામાં આવે છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં પીળો રંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો આપણે વસંતમાં પીળા રંગનું મહત્ત્વ સમજીએ.
વસંત ઋતુમાં ખેડૂતો સરસવનો પાક ખેતરમાં વાવે છે. પ્રકૃતિ તેનાં પીળાં સોનેરી રંગનાં ફૂલોથી ખેતરોને શણગારે છે. નિસ્તેજ, નિષ્પ્રાણ દેખાતી પ્રકૃતિ મંદ મંદ હિલોળા લઇ મુસ્કાન રેલાવે છે. વસંતને આવકારવા માટે કપડાં પણ વિશેષ હોવાં જોઇએ. લોકો હળવા, નિખાલસતા અને હૂંફ આપતાં પીળા રંગનાં વસ્ત્રો પહેરી વસંતનું સ્વાગત કરે છે. જોકે આરોગ્ય, મનોવિજ્ઞાન અને જ્યોતિષની દૃષ્ટિએ પણ પીળો રંગ ખાસ છે.
સ્વાસ્થ્ય: પીળાં-લીલાં ફળનાં શાકભાજી મગજને શક્તિ આપે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે, પીળો રંગ આરોગ્ય પર હકારાત્મક અસર કરે છે. પીળાં અને લીલાં ફળ-પાંદડાંવાળાં શાકભાજી, તડબૂચ, એવોકાડો, બ્રોકોલી, કિવી, કેપ્સિકમ વગેરેમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. આ ખાદ્ય પદાર્થો નેત્રરોગથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે. અઠવાડિયામાં બે કે ત્રણ વાર પીળા રંગના ખોરાકનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક તત્ત્વો દૂર થાય છે. આ રંગ ચેતાતંત્રને મજબૂત બનાવે છે. તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.
પીળો રંગ આંખને જલદી આકર્ષે છે
વૈજ્ઞાનિક રીતે જોવા જઇએ તો બીજા રંગોની તુલનામા પીળો રંગ આંખોને જલદીથી આકર્ષિત કરે છે. એ જ કારણે કારની લાઇટમાં અને સ્કૂલની બસોને પીળો રંગ કરવામાં આવે છે. પીળો રંગ એવો છે જે વરસાદ, ઝાકળ અને ધુમ્મસમાં પણ સહેલાઇથી દેખાઇ જાય છે. ફોગિંગ દરમિયાન પણ સૌથી દૂર સુધી પીળો રંગ જ દેખાય છે, એટલે જ ગાડીઓમાં ફોગલાઇટ પીળી હોય છે. હોસ્પિટલમાં પણ જુદા જુદા વિભાગ દર્શાવતાં પીળા રંગનાં બોર્ડ લગાવવામાં આવે છે.
જ્યોતિષવિદ્યા અને પીળો રંગ
જ્યોતિષવિદ્યામાં જણાવવામાં આવ્યું છે કે પીળો રંગ બુદ્ધિ પર પ્રભાવશાળી અસર કરે છે. આ રંગને આશાવાદી અને સકારાત્મક વિચારસરણીનું પ્રતીક પણ માનવામાં આવે છે. હિંદુઓમાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. તે સરળતા અને સ્વચ્છતા પણ દર્શાવે છે. ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે જેનો માનીતો રંગ પણ પીળો છે. ગુરુ ગ્રહની કૃપા મેળવવા જે રત્ન ધારણ કરવાનું કહેવામાં આવે છે એ પણ પીળા રંગનું છે જે પોખરાજ તરીકે ઓળખાય છે. પીળા રંગનાં ફળ સરસ્વતી પૂજન પર ચઢાવવામાં આવે છે.
મનોવિજ્ઞાન જણાવે છે કે પીળા રંગના પોશાકમાં આત્મવિશ્ર્વાસ વધે છે. આ રંગ જીવનમાં નવું સર્જન લાવે છે. પીળો રંગ ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિના મૂડમાં પણ સુધારો કરી શકે છે. મગજને વધુ સક્રિય બનાવે છે. જે મહિલાઓ મહિનામાં ઘણી વખત પીળા રંગનાં વસ્ત્રો પહેરે છે તેઓમાં અન્ય સ્ત્રીઓ કરતાં આત્મવિશ્ર્વાસ વધારે હોય છે. ઘણી વખત માનસિક રોગીઓને પીળી વસ્તુઓની સામે રાખવાની સલાહ આપવામાં આવે છે જે ખુશનુમા વાતાવરણ બનાવે છે.
વસંત ઋતુમાં જ પીળા કેસુડા વૃક્ષ પર ખીલી ઊઠે છે. આ ફૂલોને પાણીમાં ઉકાળવાથી સરસ પીળો રંગ તૈયાર થાય છે. કૃષ્ણ અને ગોપ-ગોપીઓ વ્રજમાં આવા રંગથી જ હોળી રમતાં હતાં. આ પીળાં ફૂલો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અગત્યના છે. જેમ જેમ લોકો આરોગ્ય અંગે સભાન થતા જાય છે તેમ તેમ હવે તેઓ હોળીમાં કેમિકલવાળા રંગો છોડી, આવા કેસૂડા કે પછી લાલ-પીળા ગુલાલથી જ હોળી રમે છે.
તમારે પણ શક્તિ અને સ્ફૂર્તિવાન રહેવું હોય તો આ ઋતુમાં અત્ર તત્ર સર્વત્ર દેખાતા પીળા રંગનું સાંનિધ્ય માણવાનું ચૂકશો નહીં. |
|