Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
આપણે શું યાર?!

આજે આટલું જ - શોભિત દેસાઈપ્રજાને બાળે બધે લ્હાય, આપણે શું યાર?!

ભલેને ખાડે બધું જાય, આપણે શું યાર?!

બદન ઉપરથી ઉતરડાઈ જાય પૂરી ત્વચા

પછી તો પાંસળા દેખાય, આપણે શું યાર?!

વચન બધાય જૂઠા ઠરવાની અણી પર જાય

સમય સ્વયમ હવે પસ્તાય, આપણે શું યાર?!

સમસ્ત હોવું તો હોમાતું જાય ખપ્પરમાં

કોઈની રોટલી શેકાય, આપણે શું યાર?!

એ આશ જાગી હો કે ઉગશે નવો જ દિવસ

ને રાત એની એ ઝીંકાય, આપણે શું યાર?!

આપણે કાયમને માટે ઘેઘુર ઘેનમાં સૂતા રહી જ શકીએ છીએ. આપણે હંમેશને માટે બોબડી બંધ કરી જ શકીએ છીએ, જાણ્યું - અજાણ્યું કરી જ શકીએ છીએ. આપણે અજ્ઞાત ઓથારથી ડરીને આપણી સામાન્યજનની ફરજ ચૂકી જ શકીએ છીએ. પણ આ બધી નિર્વીર્યતાને તિલાંજલિ આપવાની ઈચ્છા જાગે જો આપણામાં તો આપણે પરિણામની પરવા કર્યા વગર આપણા માહ્યલાને વફાદાર પણ રહી શકીએ છીએ, આપણો અવાજ ઉઠાવી પણ શકીએ છીએ, આપણો વિરોધ પ્રદર્શિત પણ કરી શકીએ છીએ.

કોઈએ પણ ન જોઈ હોય એવું બને જ નહીં એવી એક ફિલ્મ આવી હતી ૧૯૭૩માં - ઝંજીર. સિદ્ધાંતવાદી તેજતર્રાર પોલીસ ઈન્સ્પેક્ટર વિજય, ધરમ દયાલ તેજાની ‘મહેરબાની’થી નોકરી ખોઈ ચૂક્યો છે અને વાગ્દત્તા માલાના સોગંદ પર અંદરથી સમસમી પણ ઉપરથી બધુ ભૂલી જઈને ખાવાના - હાજતે જવાના - સૂવાના દિવસો વિતાવી રહ્યો છે.

ડ્રોઈંગરૂમની જાળી બહાર તાકી રહેલા, કોઈ પણ જાતના હાવભાવ વગરના અન્યમનસ્ક વિજયને માલાનો થનગનાટ ઘરસજાવટના મેગેઝિનના ફોટા દેખાડતા કહે છે: ‘કેટલી સરસ છે આ તસવીરો... જુઓ વિજય! જ્યારે તમે તમારું ઘર બનાવશો ત્યારે હું એમાં આવા જ પડદા લગાવીશ. જુઓ! જુઓ ને!’ વિજય: ‘જોયું. આપણે આપણા ઘરમાં આવા જ ખૂબસુરત પડદા લગાવીશું. અને હું એ જાણવાની કોશિશ પણ નહીં કરું કે આ પડદાની બીજી તરફ દુનિયામાં શું થઈ રહ્યું છે.’ બારીના સાત સળિયાની બરાબર વચ્ચે ગોઠવાયેલા વિજયના ચહેરાની આજુબાજુથી ચાર સળિયા હટાવીને કૅમેરો ત્રણ સળિયા વચ્ચેના વિજયના ચહેરા પર ફોકસ્ડ છે. વિજય: ‘બહાર લોકો મરે તો મરે, સ્મગલરોની ગાડીઓ માસૂમ બચ્ચાને કચડતી રહે-મારે એ બધાથી શું મતલબ... હું વચન આપું છું માલા! અગર એમની ચીસો મારા કાનો સુધી પહોંચી તો હું મારા કાન બંધ કરી દઈશ. તારા વાળમાં મારો ચહેરો છુપાવી લઈશ. હું તારી ખૂબસુરત આંખોને જ જોયા કરીશ અને એ ક્યારેય યાદ નહીં કરું કે એક બુઢ્ઢો પોતાની કાયમની જાગતી આંખો પાથરીને હરેક રસ્તે, દરેક વળાંકે પોતાના દીકરાના હત્યારાઓને શોધી રહ્યો છે. હા માલા, આપણે જરૂર એક ખૂબસુરત ઘર બનાવીશું... અને આપણે ભૂલી જઈશું કે આ ઘર જે દુનિયામાં બન્યું છે એ કેટલી કદરૂપી છે... ત્યાં કેટલા જુલમ છે... કેટલો અન્યાય છે... આ જ ચાહે છે ને તું? આવું જ થશે માલા! આવું જ થશે...’

આપણી ગુજરાતી ભાષામાં એક મહાવરામાં થોડુંક તળપદાપણું ઉમેરીને એને વધુ સાચો બનાવાયો છે - સરકાર માઈબાપ. લોકશાહીમાં સરકાર જ ૧૦૦ ટકા માઈબાપ હોય છે, હોય છે અને હોય છે. એટલે જ્યારે વેપારીઓ વંઠે ત્યારે, આપણે ચૂંટેલી, આપણા વડે ચાલતી આપણી માઈબાપ સરકાર વંઠેલ વેપારીઓને પોતાની જગ્યા દેખાડવાનું પુણ્યકાર્ય કરે છે. ભારતની ૭૪ વરસની લોકશાહીમાં આ પુણ્યકાર્ય કેટલું થયું છે ને કેટલું નથી થયું એ કહેવાની જરૂર હું જોતો નથી. બધા બધું જ જાણે છે. ભલે ગુણગાન ગાવાનો ડોળ થતો હોય, પણ...

નામનો સુદામા પાંડેય ‘ધૂમિલ’નો મહાક્રાન્તિકારી અને અતિસુંદર કવિતાઓનો સંગ્રહ ૧૯૭૨માં પ્રકાશિત થયો... ૧૯૭૫થી ૧૯૭૭ના કાળા કાળ દરમ્યાન એના ઉપર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો કદાચ... તેલીયા રાજાઓને એમાંની એક કવિતા અર્પણ કરવાનું મન મને કેમ થાય છે આજે...?!

આજે આટલું જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oJ0631O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com