| મૃત્યુથી બે ડગલાંનં છેટું-( પ્રકરણ: ૪૨) |
|  મૂળ લેખક: તાદેઉશ સોબોલેવિચ અનુવાદક: ચંદ્રિકા લોડાયા
વીતી ગયેલી વાત...
રશિયનોનું ખાવાનું બંધ કરવામાં આવતાં કોલાના કહેવા પ્રમાણે એમના માટે ત્યાંથી ભાગી છૂટવું એ જ ઉપાય હતો. એક મધરાતે ભંડકિયામાં આગ લાગતાં કેદીઓ બચવા માટે બહાર નીકળવા ઘાંઘા થયા પણ બધા જ દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરથી બહારથી સબ-મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ અંદર વરસાવવામાં આવ્યો જેથી કોઇ ભાગી ન શકે. અસહ્ય ગરમીથી લેખકની પીઠનું માંસ શેકાઇ રહ્યું હતું છતાં તેમણે બહાર નીકળવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે મૃતદેહો પરથી પસાર થતાં તેઓ દરવાજા સુધી પહોંચી શક્યા, પરંતુ બહાર નીકળી શકે તે પહેલાં એસ એસના ગાર્ડે ગન વડે એમના માથા પર પ્રહાર કર્યો અને એમણે હોશ ખોઇ દીધા. દાઝેલા અને ઘવાયેલા કેદીઓને ફ્લૉસનબ્યુર્ગની હૉસ્પિટલમાં લઇ જવાયા જેમાં લેખક પણ હતા. ત્યાં એક પોલિશ નર્સે - જે પોતે એક વખત આઉશવિત્સમાં હતો - લેખકની સંભાળ લેવી શરૂ કરી.
હવે આગળ વાંચો...
યાનુશ બાથરૂમના દરવાજા પર આવ્યો, ‘એ...તું આઉશવિત્સમાંથી આવેલા, અહીં આવ!’ મુશ્કેલીથી હું એની પાછળ લંગડાતાં એક નાના રૂમમાં ગયો જ્યાં બે એસ એસના માણસો હતા અને થોડા કેદી નર્સ નહાયેલા અને ઓછી ઇજાવાળા પીડિતોની પાટા-પિંડી કરતા હતા. ‘બાપ રે! તું તો બરાબરનો ભુંજાયો છે!’ યાનુશે આશ્ર્ચર્ય પ્રગટ કર્યું અને મને ટ્રક પરથી ઊતરવામાં મદદ કરનાર નર્સને કહ્યું, ‘તાજ્યો, મને આની ખબર પડતી નથી.’ ‘મગજમારી છોડ અને એને આમાંથી થોડો પાવડર આપી દે.’ બીજા માણસે જવાબ આપ્યો અને ઉમેર્યું, ‘જો કે, બધાને નહીં પૂરે.’ એમની તરફ મારી પીઠ હતી તેથી તે લોકો શું કરતા હતા તે હું જોઇ નહોતો શકતો. મને તીવ્ર વેદના થઇ અને મારા મોઢામાંથી મોટેથી ચિત્કાર નીકળી ગયો.
‘ચીસ નહીં પાડ.’ મેં એમને કહેતાં સાંભળ્યા, ‘જખમ ભયંકર છે!’ તે પછી હું બેહોશ થઇ ગયો. મને ભાન આવ્યું ત્યારે હું ઊંધો સૂતો હતો ને બે પોલિશ નર્સો મારા ધડ પર પાટા બાંધી રહ્યા હતા. પછી તેમણે રાઇફલના કુંદાથી કચડાયેલા મારા મસ્તકને લીધું અને ત્યાર બાદ મારા બંને બાવડાંનો વારો આવ્યો. મારા ખભાની હાલત સૌથી ખરાબ હતી. ચામડી અને સ્નાયુ બળી જતાં હાડકાંનું આવરણ નહોતું રહ્યું અને હાડકું ખુલ્લું થઇ ગયું હતું. એમણે પૂરું કર્યું ત્યારે મારું અર્ધું શરીર પાટાથી ઢંકાઇ ગયું હતું- મારા ચહેરા પર ફ્ક્ત આંખો અને મોઢું જ જોઇ શકાતાં હતાં. મારા જમણા પગ પર પણ તેમણે કોઇ પ્રવાહી રેડ્યું હતું.
જે નર્સે મને ટ્રક પરથી ઊતરવામાં મદદ કરી હતી તે જ મને વૉર્ડમાં લઇ ગયો. મારી જેમ તેને પણ તાદેઉશના નામથી બોલાવતા હતા. હું જ્યારે મારા બંક પર સૂતો ત્યારે મને સખત ભૂખ લાગી હતી એનો ખ્યાલ આવ્યો. સાંજ પડી ગઇ હતી અને બધા કૅમ્પની જેમ અહીં પણ નવા આવેલાઓને પહેલે દિવસે ખાવાનું મળતું નહોતું. તાદેઉશને આ હકીકતનો ખ્યાલ હોવો જોઇએ કેમકે એણે પોતાના ખિસ્સામાંથી માર્ગેરિન લગાડેલી પાંઉની અર્ધી સ્લાઇસ કાઢીને મને આપી. મેં માથું હલાવીને આભાર વ્યક્ત કર્યો. મ્યુલઝનમાં આગનો શિકાર બનેલા વધુ ને વધુ લોકોને વૉર્ડમાં લાવવામાં આવ્યા.
પહેલી રાત ભયંકર હતી. મોટા ભાગના દરદીઓ પીડાથી કણસતા અને રડતા હતા. થોડા લોકો મદદ માટે પોકારતા હતા, થોડા પાણી માગતા હતા પણ સવાર સુધી કોઇ ન આવ્યું. હું પણ ઉંહકારા કરતો હતો. હું મારા ડાબા પડખે જ સૂઇ શકતો હતો. મારી પીઠની આખી જમણી બાજુ જખમથી રોકાયેલી હતી. આના ઉપરાંત મને તાવ હતો તેથી માંડ માંડ મને નીંદર આવી.
બીજા દિવસે એસ એસના ડૉક્ટર આવ્યા અને વારા ફરથી બધા દરદીઓને તપાસ્યા, પછી એમને મદદ કરી રહેલા પુરુષ નર્સોને એમણે સૂચનો આપ્યાં. શરૂઆતના દિવસો દુ:સ્વપ્ન જેવા હતા. જો એસ એસના ડૉક્ટરને જખમ ‘અસાધ્ય’ લાગે તો એ નુક્સાન પામેલા અંગને કાપી નાખતા. દરદીઓમાં ગભરાટ ફેલાઇ ગયો. સૌ જાણતા હતા કે અપંગ કૉન્શન્ટ્રેશન કૅમ્પમાં જાજું જીવી શકતા નથી. એસ એસનો ઠગ જરૂરી હોય કે ન હોય અંગો કાપી નાખશે, એ પોતાની કુશળતાનો અભ્યાસ કરવા જીવતા માણસોનો ઉપયોગ કરી રહ્યો હતો. એનું નામ શ્મિત્સ હતું, એ ઘણી વાર વૉર્ડમાં દારૂ પીને આવતો. ફ્લૉસનબ્યુર્ગની હૉસ્પિટલમાં શરૂઆતના દિવસોમાં જ્યારે ઘણા કેદીઓ મૃત્યુ પામ્યા ત્યારે હું જીવતો રહી શક્યો તે માત્ર તાદેઉશને આભારી હતું.
મારા ડાબા હાથ અને પીઠની હાલત ખૂબ ગંભીર હતી. મને અતિશય ડર હતો કે તે લોકો મારો હાથ કાપી નાખશે. એને રુઝ વળતી જ નહોતી, પણ તાદેઉશે મને કહ્યું કે મારી પીઠ તો એના કરતાં પણ ખરાબ હતી. એક સાંજે એ ઓચિંતો આવ્યો અને મને એને અનુસરવાનું કહ્યું. અમે એસ એસના ડૉક્ટરના અપાર્ટમેન્ટમાં ગયા જ્યાં ડૉક્ટરનો પોતાનો બાથરૂમ હતો. તાદેઉશે ટબને નવશેકા પાણીથી ભરીને એમાં પોટાશિયમ પરમેંગનેટ પાઉડર નાખ્યો. એણે મારા પાટા કાઢી નાખ્યા અને મને ટબમાં જવાનું કહ્યું. લાલ- જાંબલી રંગનું પાણી મારા દરદને સાંત્ત્વન દેનારું અને ઘાને જંતુમુક્ત કરનારું હતું.
મારા સંરક્ષકે મને જણાવ્યું કે તે મને બે-ત્રણ કલાક માટે અહીં છોડી જશે અને પછી ‘કાં તો તું સાજો થઇ જઇશ, કાં મરી જઇશ’ એમ અસ્પષ્ટ બોલતાં તે ત્યાંથી ચાલ્યો ગયો. હું અહીં કૉન્શનટ્રેશન કૅમ્પમાં બાથ ટબમાં બેઠો હતો એ પરિસ્થિતિ કેટલી અવાસ્તવિક હતી! બહુ મોટું જોખમ હતું છતાં મને કાંઇ અસર નહોતી થતી. જો જરૂરી ન હોત તો તાદેઉશે મને ટબમાં બેસવાનું ન કહ્યું હોત. મેં આઉશવિત્સના એ માજી કેદીમાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. એ મને મદદ કરવા માગતો હતો તે હું જોઇ શકતો હતો. પેલો બેવડો શ્મિત્સ ક્દાચ એસ એસની કૅન્ટીનમાં ગયો હશે અને તાદેઉશે તકનો લાભ લીધો હશે.
મને ટબમાં બેસવાને ત્રણ કલાકથી વધુ થયા હતા ત્યારે મેં દરવાજાની બહાર કોઇનો પગરવ સાંભળ્યો અને પછી જર્મનમાં બોલાતા થોડાં વાક્યો સંભળાયાં. મારું હૃદય જોશભેર ધડકવા લાગ્યું, પણ ફરી પાછી શાંતિ પથરાઇ ગઇ. જરા વાર પછી કોઇએ દરવાજા પર ધીમા ટકોરા માર્યા, કાણામાં ચાવી ફેરવવાનો અવાજ આવ્યો અને તાદેઉશ ડોકાયો, ‘કેમ લાગે છે? હવે સારું લાગે છે?’ એણે પૂછ્યું. મેં જવાબ આપ્યો, ‘સાચે, બહુ સારું લાગે છે.’
તાદેઉશે મારાં બાવડાં અને પીઠ તપાસ્યાં, પછી મને ડિલને કોરું કરવામાં ને મારું અંત:વસ્ત્ર પહેરવામાં મદદ કરી. ત્યાર બાદ તેણે ટબ સાફ કર્યો અને શરૂઆતમાં જ્યાં મારા ઘાને મલમ-પટ્ટી કરી હતી તે રૂમમાં મને લઇ ગયો. ત્યાં સુધીમાં રાત પડી ગઇ હતી. તાદેઉશે એક ચીપિયો લીધો અને તેનાથી રેતીના કણાં કાઢવા લાગ્યો જે મને જમીન પર ઢસેડવામાં આવ્યો ત્યારે મારા માંસમાં ઘુસી ગયા હતા. હવે એ ચેપ માટેનું ખતરનાક કારણ હતા. એ મારા માંસને ખોતરતો હતો ત્યારે અસહ્ય વેદનાને કારણે મારાથી સિસકારા નીકળી જતા હતા, પરંતુ મારે કઠણ થયા વિના છૂટકો નહોતો. રેતીનાં કણાં એટલાં બધાં હતાં કે છેવટે તાદેઉશ થાકી ગયો અને બોલ્યો, ‘આજે આટલું બસ છે. આપણે બીજું પછી કરીશું. હવે તારે સૂઇ જવું જોઇએ. એણે મારા જખમો પર પાઉડર છાંટ્યો, પાટા બાંધ્યા અને મને પાછો વૉર્ડમાં લઇ ગયો. ત્રણ દિવસ પછી શ્મિત્સ અને એના મદદનીશોએ ફરી એક વાર બધા દરદીઓને તપાસ્યા. એમણે મારું ડ્રેસિંગ ખોલ્યું ત્યારે મારું હૈયું ધક ધક કરવા લાગ્યું. એસ એસના ડૉક્ટરે મારા હાથ અને ખભા પર એક નજર નાખી ન નાખી અને મને રવાનો કર્યો. પાસે જ ઊભેલા તાદેઉશે મારી સામે સ્મિત કર્યું. એટલે દેખીતી રીતે સુધારો હતો.
એ સાંજે તાદેઉશે મને ફર્સ્ટ-એઇડ રૂમમાં બોલાવ્યો. એનો આનંદી ચહેરો જોયા પછી જ મારામાં ફરીથી થોડી આશાનો સંચાર થયો. એ ફરી એક વખત મારા જખમોમાંથી ચીપિયા વડે રેતીના કણ કાઢતો હતો ત્યારે ઓચિંતાં જ એનો સાથી વરિષ્ઠ નર્સ યાનુશ દાખલ થયો. તેણે મારા જખમને બારીકીથી જોયો અને પોતાનો અભિપ્રાય આપ્યો, ‘મને સમજાતું નથી તું શા માટે આ કરે છે. આ ગૅંગરિન છે. તું આને સાજો નહીં કરી શકે.’ તાદેઉશે મારી સામે જોયું, પછી યાનુશ સામે અને જવાબ આપ્યો, ‘આ ગૅંગરિન છે કે નહીં એની મને ખબર નથી. જો એ સાજો થઇ જશે તો સરસ. ને જો એ નહીં થઇ શકે તો એમ, પણ આ છોકરાને મદદની જરૂર છે. મારે આ સડેલાં કણાં કાઢવાં છે.’ યાનુશે કૃત્રિમ સ્મિત કર્યું અને માનતો ન હોય તેમ માથું હલાવ્યું, પછી પોતાનો હાથ હલાવ્યો અને ચાલ્યો ગયો. મેં હમણાં જ જે સાંભળ્યું હતું તેનાથી મારા મોતિયા જ મરી ગયા. આટલું દુ:ખ અને વેદના સહન કર્યા પછી અંતે કાંઇ નહીં વળે? ‘નહીં! નહીં!’ મારી અંદરથી પોકાર આવ્યો, ‘મારે તાદેઉશને સહકાર આપવો જ જોઇએ, ભલે એ મારો ઘા ખોતરતો, જરૂર પડે તો ભલે એ મારી અર્ધી પીઠ છોલી નાખે, પણ હું જીવી જાઉં તો બધું મંજૂર છે.’
બીજે દિવસે તાદેઉશ ફરી પાછો મને બાથ ટબમાં લઇ ગયો અને થોડા કલાક માટે મને પાણીમાં ભીંજાવા દીધો. એના પછી વધુ ખોતરકામ અને વૉર્ડમાં પડ્યા રહેવાના લાંબા દિવસો. મારા શરીરનું તાપમાન જે સતત ૩૭.૫ અને ૩૮ ડિગ્રી ફેરનહાઇટ વચ્ચે રહેતું હતું તે છેવટે ૩૭ની નીચે આવ્યું. સૌથી ખરાબ શક્યતા ટળી ગઇ હતી એમ લાગતું હતું. તાદેઉશ મારા માટે ભાગ કરતાં વધારે રાબ લાવતો. બે ત્રણ અઠવાડિયાં પછી ગૅંગરિન થવાની શક્યતા પણ ન રહી. મારા માથા પરથી પાટો નીકળી ગયો અને ખોપરીનો જે ભાગ ચકનાચૂર થઇ ગયો હતો ત્યાં હંમેશાં રહે એવું પ્લાસ્ટર લગાડવામાં આવ્યું. તાદેઉશ કોસમિડર અને યાનુશ યાનિત્સ્કીએ ખાસ મદદ કરી હોય એવો મ્યુલઝનનો હું એક માત્ર પીડિત નહોતો.
એક દિવસ તાદેઉશ સમાચાર લઇ આવ્યો કે સંયુક્ત મિત્ર રાષ્ટ્રો નૉરમંડીમાં (ફ્રાંસનો એક પ્રદેશ) આવી ગયા હતા. યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશ્યું હતું; અમે ભલે હજુ બંધનમાં રહેવાના હતા પણ આ વિચાર સાંત્વન આપતો હતો. હૉસ્પિટલમાં મારો આ બીજો મહિનો હતો અને મારો જમણો હાથ પ્રમાણમાં જલદી સારો થઇ ગયો હતો, જો કે મારા ડાબા હાથના બળેલા હિસ્સામાં માંસપેશીના નવજીવનના કોઇ ચિહ્ન જણાતાં નહોતાં. મારી પીઠનો જખમ ધીરે ધીરે રૂઝાતો જતો હતો અને સતત ચાલુ રહેતી પીડા પણ ઓછી થઇ ગઇ હતી. સામાન્ય રીતે તાદેઉશ સાંજના આવતો અને મારા માટે પાંઉની સ્લાઇસો કે રાબ લાવતો - બે વખત થોડા કાંદા પણ લાવ્યો હતો. આ વધારાના ખોરાકે મારી થોડી શક્તિ પાછી મેળવવામાં મદદ કરી તેથી બે મહિના પછી હું વૉર્ડમાં થોડું-ઘણું કામ કરતો થયો અને બીજાને મદદરૂપ થવા લાગ્યો.
અચાનક રૂમના બીજા ખૂણાના બંકમાં મેં એક ઓળખીતા કેદીને જોયો ત્યારે મારા આશ્ર્ચર્યની અવધિ ન રહી. એ કોલા હતો. કેટલાં બધાં અઠવાડિયાંથી અમે બંને એક જ રૂમમાં એક બીજાની હાજરીથી અણજાણ બંકમાં પડ્યા હતા! તો બીજી બાજુ એ જરા ય આશ્ર્ચર્યજનક નહોતું: મારું મોઢું પાટાઓથી ઢંકાયેલું હતું અને હું માંડ માંડ ચાલી શકતો હતો જ્યારે બિચારા કોલાનો તો એક પગ ઘૂંટણ સુધી કાપી નખાયો હતો અને એ ચાલી જ નહોતો શકતો. એ મને જોઇને ખૂબ ખુશ થયો ને એની આંખોમાં આંસુ આવી ગયાં. એ જિંદગીભર અપંગ રહેવાનો હતો તેથી પણ એ વ્યથિત હતો. એણે પૂછ્યું,‘શા માટે આપણે ભાગે આટલું દુ:ખ સહન કરવાનું આવ્યું છે?’ પછી અમે વાત કરવા લાગ્યા. એ ગોઝારી રાતે મ્યુલઝનમાં શું બન્યું હતું તે મને એ કહેવા લાગ્યો. દેખીતી રીતે ઉપવાસી અને નિરાશ કેદીઓના સમૂહે ફૅક્ટરીને આગ લગાડીને ભાગવાનો નિશ્ર્ચય કર્યો હતો. પછી એણે પોતે બળબળતા ભોંયરામાંથી શી રીતે ભાગ્યો તેનું વર્ણન કર્યું, પણ એસ એસની સબ-મશીન ગનની ગોળીએ એના પગના નીચેના ભાગના હાડકાંને વીંધી નાખ્યું અને તેણે ભાન ગુમાવી દીધું. મ્યુલઝનમાં વિશેષ કરીને રશિયન કેદીઓ પ્રત્યે એસ એસે જરા પણ દયા દાખવી નહોતી. જેઓ ભંડકિયાની બહાર નીકળી જઇ શક્યા હતા તેમને બધાને તરત જ એસ એસે મારી નાખ્યા હતા. પોલ્સ,ચેક અને ફ્રેંચ પણ હણાયા હતા. કૅમ્પનો વણલખ્યો નિયમ હતો: એક જણ સૌને માટે જવાબદાર હતો, અને સૌ એક જણ માટે જવાબદાર હતા.
બીજે દિવસે તાદેઉશ મારા માટે વધારાની રાબ લાવ્યો ત્યારે મેં એ કોલા સાથે વહેંચીને ખાધી. એક દિવસ એસ એસના ડૉક્ટરે કોલા સહિત બધા અપંગોને હૉસ્પિટલમાંથી છુટ્ટી આપી તે પહેલાં હું કોલાને અવાર-નવાર મળી શક્યો. દસ-વીસ હાથ-પગ વિનાના માણસો એકબીજાને મદદ કરતાં ચાલતા હતા એવું એ બિહામણું સરઘસ હતું. છૂટા પડતાં પહેલાં લાગણી વ્યક્ત કરવા મેં મારા ભાગનો અર્ધો પાંઉ કોલાને આપ્યો. અમારા બંનેમાંથી કોઇ બોલી ન શક્યું. તાદેઉશે મને પછી કહ્યું કે એમની સાથે કૅમ્પના બીજા અપંગોને લેવામાં આવ્યા હતા અને બધાને કોઇ ‘અજાણી જગ્યા’માં લઇ જવામાં આવ્યા હતા.
|
|