Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
આંખનું ઝેર-૧૫
જેલજીવનનો આ એક વિચિત્ર પહેલુ છે કે જેલમાં સાધુ શેતાન બની જાય છે અને શેતાન સાધુ

અનિલ રાવલબેવકૂફ છે સાલ્લી, બેવકૂફ. અનુજા, તને એમ છે કે હું પાગલ થઇ ગઈ છું. અરે, તારા જેવી દસને પાગલ કરી દઉં એમાંની છું. તું મને હજી ઓળખી શકી નથી. ગ્રેટા, વાહ શું એક્ટિંગ કરી તેં પાગલ બનવાની. ગ્રેટાનું આ ખડખડાટ હસવું સાચુકલું હતું. એમાં અભિનય ન હતો. અનુજાની સામે પાગલ બની એ નાટક હતું. હસવાનું અટકાવીને વિચારવા લાગી: પણ અનુજા મારા પર આટલી મહેરબાન કેમ થઇ? મને ઘરે લઇ આવી. અહીં રાખવાની છે. મારો બધો ખર્ચ આપવાની વાત કરી ગઇ. નક્કી આ મીઠડીના મનમાં કંઇક રમત ચાલી રહી છે. એની રમત સમજવી પડશે. અનુજા, તું તો વાંસા વગરની ચુડેલ છો. કોઇ પણને ભરખી જાય એવી. પણ તારો જે કંઇ પણ ખેલ હોય, તું લાંબો વખત ખેલ નહીં ખેલી શકે. હું જેલમાંથી બહાર આવી ગઇ છું. નસીબજોગે ઘરમાં જ છું, મારા જ ઘરમાં. ગ્રેટા, તું હવે અનુજાની આગલી ચાલનો ઇન્તેજાર કર. જ્યારે તારા હાથમાં કંઇ રહ્યું નથી ત્યારે માત્ર એની લાગણી જીતીને અને એની સહાનુભૂતિ સાથે જીવવામાં જ શાણપણ છે. પાગલપણામાં જ શાણપણ છે. મોજ કર તું ગ્રેટા, બંગલા જેવડા મોટા ઘરમાં મોજ કર. જરૂર લાગે ત્યાં પાગલ બનજે ને જરૂર લાગે ત્યાં શાણી....સમજી ગઇને? ગ્રેટા જાત સાથે વાતો કરી રહી છે. એણે જેલમાં જાત સાથે ખૂબ વાતો કરી છે. જેલમાં વિચારવાનો બહુ સમય હોય છે. જેલમાં જાત સાથે વાત કરવાની ફુરસદ હોય છે. પણ જાત સાથે માત્ર વાત જ થઇ શકે, જાતને છેતરી શકાતી નથી. જેલજીવનનો આ એક વિચિત્ર પહેલુ છે કે જેલમાં સાધુ શેતાન બની જાય છે અને શેતાન સાધુ.

ગ્રેટા થોડી નિરાશ થઇ ગઈ. તું આટલા મોટા ઘરમાં રહીશ, પણ જાહોજલાલી નહીં હોય. જિંદગીભર અનુજાની ગુલામડી બનીને એના અહેસાન નીચે જીવીશ, મરીશ નહીં ત્યાં સુધી. અનુજા તો સુશીલની સૌતેલી બહેન છે. અસલી વરસદાર તું હતી, પણ બધું એને મળી ગયું. એણે બિઝનેસની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી. આજે બધું જ એના કબજામાં છે. સુશીલના મોતથી તને શું મળ્યું? તારાં બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં. તેર વર્ષ જેલવાસ ભોગવ્યો. અનુજા, તું મારા માર્ગનો કાંટો નથી, પગમાં ભરાયેલી ફાંસ છો. અનુજા, હું તને પણ એ જ ઝેર આપીશ, આંખનું ઝેર. આ જ ઘરમાં.

* * *

અનુજા ઉતાવળે ઘરમાં દાખલ થાય છે. ગ્રેટાનું આવું સ્વરૂપ જોઇને એ ગભરાયેલી હતી. હવે શું કરવું એના વિચાર એને મૂંઝવી રહ્યા હતા. હર્ષને શું કહીશ? એના પ્રત્યાઘાત કેવા હશે? એને તો એ પણ ખબર નથી કે ગ્રેટા આજે જેલમાંથી છૂટી છે અને પોતે એને મળવા ગઇ છે. બેલ વગાડી કે તરત જ હર્ષે બારણું ખોલ્યું. અનુજાને જોઇને કંઇક અજુગતું લાગ્યું પણ કંઇ બોલ્યો નહીં. હર્ષને જોઇને અનુજા તરત જ બોલી:

‘હર્ષ, હર્ષ, પેલી પાગલ થઈ ગઈ છે.’

‘કોણ, કોણ, પાગલ થઈ ગઈ?’

‘ગ્રેટા, ગ્રેટા, પાગલ થઈ ગઈ છે.’

‘ઓહ, માય ગોડ...’ હર્ષ બોલ્યો.

‘એ આજે જેલમાંથી છૂટવાની હતી. હું ત્યાં પહોંચી તો એ ત્યાંથી નીકળી ગઈ હતી.’

‘હા, પણ તું એને ક્યાં મળી?’ હર્ષની ઇન્તેજારી વધી ગઇ.

‘મને થયું કે એ કબ્રસ્તાનમાં પહોંચી ગઇ હશે. હું ત્યાં ગઇ... એ ત્યાં જ હતી. મારું અનુમાન સાચું પડ્યું.’

‘એ પાગલ થઇ ગઇ હશે એટલે જ ત્યાં પહોંચી ગઇ,’ હર્ષે અંદાજ લગાવ્યો.

‘ના, ના, ત્યાં મને એનું કોઇ પાગલપણું દેખાયું નહી, હું એને આપણા નેપિયન સી રોડવાળા ઘરે લઇ ગઈ... ત્યાં જ એને અચાનક ગાંડપણ ઊપડ્યું.’

‘પણ તું એને આપણા એ ઘરે લઇ શા માટે ગઇ?’

‘મેં એને આપણા એ ઘરમાં રાખવાનો નિર્ણય કર્યો છે.’ અનુજા જે બોલી એ હર્ષને ગમ્યું નહીં.

‘સાચું કહું? ત્યાં રાખવાનો તારો આ નિર્ણય મને બિલકુલ પસંદ પડ્યો નથી. તારે એના પર દયા ખાવી હતી તો એને ક્યાંક વન રૂમ કિચનનો ફ્લેટ અપાવી દેવો હતો.’

‘હર્ષ, મેં એના નામે એ ઘર કરી નથી દીધું. એ ત્યાં રહેશે...’ અનુજાએ કહ્યું.

‘ખરેખર તો આપણે એ ઘરમાં રહેવા જતા રહેવું જોઇએ... મેં અગાઉ પણ તને કેટલીય વાર કહ્યું છે.’ હર્ષે એ ઘરમાં રહેવાની પોતાની વરસોની ઇચ્છા દબાવી રાખી છે.

અગાઉ જ્યારે જ્યારે એણે આ વાત કરી હતી ત્યારે ત્યારે અનુજા ચૂપ થઇ જતી. હર્ષ એની આ ચુપકીદી ક્યારેય સમજી શક્યો ન હતો. પણ આ વખતે અનુજાએ મોં ખોલ્યું: ‘મારા વહાલા ભાઇએ જ્યાં અકાળે આખરી શ્ર્વાસ લીધો છે ત્યાં રહેવા જતાં મારો જીવ નથી ચાલતો હર્ષ.’ હવે હર્ષ ચૂપ થઈ ગયો.

એમાં પણ આજે ગ્રેટાની માનસિક હાલત જોઇને એના મનમાં ઠસાઇ ગયું કે કેટલાંક ઘરો ભવ્ય હોય છે, પણ એમાં રહેનારાઓની હાલત ભયાનક હોય છે.

* * *

મોટા ભાગના ભૂતકાળ ભૂલી જવા જેવા હોય છે, પણ કેટલાક ભૂતકાળ ભૂલવા માગો તો પણ ભુલાતા નથી. ગ્રેટા બેડરૂમમાં ગઈ. કબાટ ખોલ્યું. આંખનાં ટીપાંની શીશી મૂકતી એ ડ્રોઅર ખોલ્યું. શીશી ન હતી. પણ શીશી હોવાનો એને ભાસ થયો. પછી સહેજ હસીને બબડી: શીશી ક્યાંથી હોય... એ તો ફોરેન્સિકવાળા લઇ ગયેલા. એણે આખું ડ્રોઅર ખેંચીને બહાર કાઢ્યું. અંદર જમણી બાજુમાં આવેલું એક ચોરખાનું ખોલ્યું. કાંડા સુધી હાથ અંદર નાખીને એક શીશી બહાર કાઢી. શીશીને ચૂમી લઇને નામ વાંચ્યું: ટેટ્રાહાઇડ્રોઝોલાઇન. અનુજા, હવે તારું સ્વાગત આ ઝેરથી થશે. શીશી અંદર મૂકીને ચોરખાનું બંધ કર્યું. ડ્રોઅરને હડસેલીને અંદર ધકેલ્યું. કબાટ વાસી દીધું. રૂમની બહાર આવીને જમીન પર વેરવિખેર પડેલા કાળા ગુલાબની એક ડાળખી લીધી અને સીધી ગાર્ડન એરિયામાં ગઇ. પહેલે પગથિયે અટકી. થોડું વિચારીને ત્યાં જ બેસી ગઇ. આ જ પગથિયાં પર સુશીલ ઢગલો થઇને પડ્યો હતો. એની નજર સામે એ દિવસ તરવરવા લાગ્યો. મોડી સાંજે એ બહારથી આવીને સુશીલને શોધતી ગાર્ડન એરિયામાં પહોંચી ત્યારે એના પગ સાથે સુશીલનો મૃતદેહ ટકરાયો.

‘સુશીલ,’ એના મોંમાંથી ચીસ નીકળી ગઇ. ‘શું થયું તમને... ઓહ માય ગોડ સુશીલ, સુશીલ’ કહીને એ ક્યાંય સુધી એને ઢંઢોળતી રહી. પહેલાં અનુજાને ફોન કરું કે ડોક્ટરને ફોન કરું? શું કરવું કંઇ સૂઝ્યું નહીં. એણે હલબલીમાં ડોક્ટર મનન દેસાઈને ફોન લગાડ્યો. થોડી વાર પછી ડોક્ટર આવ્યા અને અનુજા તથા હર્ષની હાજરીમાં કહ્યું: ‘આઇ એમ સોરી, હી ઇઝ ડેડ. કાર્ડિએક અરેસ્ટ.’ સર્ટિફિકેટ લખીને ચાલ્યા ગયા. અનુજા અને એના હસબન્ડ હર્ષે સગાંસંબંધીઓ, મિત્રો, પડોસીઓ સૌને ફોન કરીને જાણ કરી. મોડી રાતે બન્ને પોતાના ઘરે ગયાં. બીજે દિવસે ખ્રિસ્તીઓની વિધિ મુજબ સુશીલના મૃતદેહને કોફિનમાં મૂકીને સ્મશાનયાત્રા કાઢવાની તૈયારી થતી હતી. ત્યાં અનુજા પોલીસની સાથે ઘરમાં દાખલ થઇ. પોલીસને જોઈને બધા આશ્ર્ચર્યમાં પડી ગયા. સૌથી વધુ આંચકો તો ગ્રેટાને લાગ્યો જ્યારે એણે કહ્યું કે ‘મુઝે શક હૈ કી મેરે ભાઇ કા મર્ડર હુઆ હૈ.’

(સત્ય ઘટના પર આધારિત) (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

45Ro8k74
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com