|  મૂળ લેખક: દામોદર ઇશવરદાસ૧૮૬૮ ઉ રજૂઆત: ડો.અશોક કોઠારી
(ગયા અંકથી ચાલુ)
ચીનાઓનું તેહેવારના દિવસનું જમણ
ચીનાઓ તેહેવારોને દિવસે જુદા જુદા જનાવરોનાં માંસ અને શાકભાજી તથા જુદા જુદા રંગ આપેલા ભાત બનાવે છે. જે તેહેવાર આવે છે ત્યારે સઘળા ગૃહસ્થોના રેહેઠાણમાં ‘ફોગ’ની મૂરતી (મૂર્તિ) અથવા તખતી રાખેલી હોય તેની પાસે જુદી જુદી બનાવેલી રસોઈમાંથી એક એક પ્યાલો ભરી મોટા રંગીન થાળામાં સઘળા પ્યાલા ગોઠવે છે તે મધે ચોખાના દારૂની એક નાની પ્યાલી અને ચાએની પ્યાલી ભરી બાજુએ મૂકે છે અને મીણબત્તીઓ અને ધૂપસળીઓ સળગાવે છે. એ રેહેઠાણનાં સઘળા સ્ત્રી પુરુષો એ તખતી સામે ઊભા રહી જે કુટુંબનો વડો હોય તે આગળ આવી તખતી અથવા મૂરતી (મૂર્તિ) સામા ગુંઠણ (ગોઠણ, ઢીંચણ) મરડી નમ્રતાઈથી પગે લાગી ધર્મશાસ્ત્ર પ્રમાણે બંદગી કરે છે. તે વેળાએ કુટુંબના સઘળા માણસો તેની પાછળ બંદગી કરવામાં સામેળ (શામિલ) થાય છે. એ બંદગીની ક્રિયા થયા પછી કેટલાક રંગીન, સોનેરી, રૂપેરી, લાલ, પીળા, લીલા તરેહ તરેહની બનાવટનાં, જુદા જુદા આકારનાં અને નકશીનાં કાગળોના મોટા મોટા ટોપલા ભરેલા હોય તેમાંથી થોડા થોડા કાગળો લઈ સઘળા જણ દેવની સામે સળગાવીને નમંતાઈથી (નમ્રતાથી) પગે લાગે છે.
કાગળો બાળીને દેવની આરતી કરતા જણાય છે. ત્યાર પછી સઘળા પુરુષો રેહેઠાણમાં શણગારેલા મોટા ઓરડામાં ટેબલ મૂકી તે ઉપર જમવા બેસે છે. તે વેળાએ કુટુંબનો વડો પોતાની જગ્યાએ બેઠા પછી પેદા કરનાર ઈશ્ર્વરની ભક્તિ કરી ભાતનો એક પ્યાલો અને ખાવાની લાકડીઓ પકડે છે, એટલે સઘળા જણ પોતપોતાનો પ્યાલો અને લાકડીઓ લઈ ખાવા બેસે છે. તેમ સ્ત્રીઓની મંડલી (મંડળી) જુદી હોય છે. એવી રીતે ખાનારાઓ થોડુંક ખાધા પછી ચોખાના દારૂનું વાસણ મંડળીનો વડો લઈ બેઠો હોય તે દારૂનાં વાસણમાંથી એક એક નાની પ્યાલી ભરી ભરી વારાફરતી ત્રણ ત્રણ પ્યાલી સઘળાને આપે છે. તે દારૂ પીધા પછી તેની જુમ (જોમ, જુસ્સા)માં કેટલાક એક બીજા સાથે દારૂ પીવાની શરતો કરે છે. તે શરત એવી રીતે થાય છે કે બે શરત કરનારા જણ પોતપોતાની પ્યાલી દારૂથી ભરે છે અને એ બે જણા નીચે લખેલા શબ્દો એક જ રીતે અને એક જ વેળાએ બંનેએ બોલવા જોઈએ. તે સાથે એ બેહુંના શબ્દના રાગ પ્રમાણે લેહેકો (લહેકો) થવો જોઈએ એટલે કે જે ઉચ્ચાર પેહેલો (પહેલો) કરે તેજ ઉચ્ચાર બીજો કરે. શબ્દો અને જમણી હાથનો લેહેકો (લહેકો) કરવામાં જે સખ્સ (શખસ) જરા આગળ પાછળ પડે તો તે સખ્સ શરત હારે છે. એ શરત કરનાર ચડતા આંકના શબ્દો બોલે છે, તે નીચે પરમાણે (પ્રમાણે) છે.
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ એક-યત ઈ શ્યામ, સી, ઊં, લુક છત પાદ, કાઉ, સષૂ બીજો-યત ઈ શ્યામ, સી, ઊં, લુક, છત, પાદ, કાઉ,સપૂ.
એ દરેક શબ્દ ઉપર એકથી દશ સુધીના ચહડતા ચીનાઈ ભાષાના આંક મૂકેલા છે. એવી જ રીતે એકથી સો સુધીના ચહડતા (ચઢતા) શબ્દો બોલવાની એક બીજા સાથે શરત થાય છે. એ શરત જે હારે છે તેને એક પ્યાલી દારૂ પીવો પડે છે. એ દારૂ પીધાથી મજબૂત બાંધાના ચીનાઓ પણ લાલ લાલ થઈ જાય છે, કારણ કે એ ચોખાનો દારૂ જલદ બનાવે છે. તેથી એક દરામ (ડ્રામ, પ્રવાહીનું અંગ્રેજી માપ) ત્રણ પ્યાલી મજબૂત બાંધાના ચીનાઓની પીવામાં આવે છે એટલે છાકટા થઈ ઘોંઘાટ
કરે છે.
ચીનાઓનું જ્યોતિષશાસ્ર
ચીનાઓના જ્યોતિષશાસ્રમાં સઘળા તારાઓના હસાબ (હિસાબ) ગણી, અઠાવીસ નક્ષત્રો, બાર રાશિ અને સૂર્ય ચંદ્રની ચાલ ગણી ત્રીજે વરસે તેર મહિનાનું એક વર્ષ કરે છે. એ જોષીઓ સૂરજ અને ચંદ્ર એ બેહુની (બેઉની) ચાલ ઉપર મોટો આધાર રાખે છે. તેમનું તેજ જાુદું જાુદું બતાવે છે.
સૂરજનું તેજ અગનીનું (અગ્નિ) આત્તસીમાં છે. એ પૃથ્વીની આજુબાજુએ ફરી ઠંડકને દૂર કરે છે અને તેમાં ગરમીનો જાુસ્સો લાવે છે.
ચંદ્રનું તેજ ઠંડા પાણી જેવું છે. તે પૃથ્વીની આજાુબાજાુએ ફરી ઠંડક ઉપજાવે છે, જેથી શાંતિ થાય છે. એવી રીતે ઈશ્ર્વરે મહત (મૉટી) રચનાથી પૃથ્વીની આબાદી બનાવેલી છે.
એ બે મોટા બળવંત ગ્રહ હંમેશા પૃથ્વીની આબાદી માટે ફરે છે એવી રીતે ચીના જોષીઓ કેહે છે, પણ કેતુ (ધૂમકેતુ) નામનો ગ્રહ છે તેનાં ગુણ ચમત્કારી બતાવે છે અને કેહ છે, કે એ કેતુ હંમેશા વસ્તીની આબાદી અને ખરાબી થવાની નીશાની દાખલ (માટે) પોતાનો રંગ બદલી દેખાડે છે. એ કેતુના જુદા
જુદા રંગનો દેખાવ ચીનાઈ જોષીઓ પારખે છે. સઘળા
મોટામાં મોટા આઠ ગ્રહોની ઉત્પત્તિ અને તેજ નીચે પ્રમાણે જણાવે છે.
૧. સૂરજનું તેજ આતશી છે અને તેની ઉત્પત્તિ અગની (અગ્નિ)માંથી બતાવે છે.
૨. ચંદ્રનું તેજ શાંત છે. તેની ઉત્પત્તિ પાણીમાંથી બતાવે છે.
૩. કેતુની ઉત્પત્તિ ફરતા જમાનાની હાલત બતાવવાને જાુદા જાુદા રંગોથી બને છે.
૪. શુક્રની ઉત્પત્તિ ધાતુમાંથી બતાવે છે.
૫. બુધની ઉત્પત્તિ પાણીમાંથી બતાવે છે.
૬. મંગળની ઉત્પત્તિ અગ્નિમાંથી બતાવે છે.
૭. બૃહસ્પતિની ઉત્પત્તિ લાકડામાંથી બતાવે છે.
૮. શનિની ઉત્પત્તિ મટોડીમાંથી બતાવે છે.
એવી રીતે ચીનાઓ આઠ ગ્રહને મોટા ગણે છે. એ શિવાય સેંકડો તારાઓનો હસાબ (હિસાબ) દુનીઆની (દુનિયા) આબાદી અને ખરાબીના ચિન્હૉ (ચિહનો) બતાવે છે. એ જ્યોતિષશાસ્ર જાણનારની ચીનાઈ રાજના પાયતખ્ત પીકીન (પેકીંગ) શેહેરમાં મોટી મદરેસાઓ કરેલી છે, તેમાં સેંકડો બાળકો જ્યોતિષ વિદ્યા શીખે છે.
ચીનાઈ સરકારે મોટા મોટા વિદ્વાન જ્યોતિષશાસ્ર જાણનારાઓને રાખેલા છે. તેમની મારફતે દર વરસે નવા નવા ત્રણ પંચાગો ચીનાઈ સરકારની તરફથી છપાઈ આખા ચીનાઈ રાજમાં પ્રગટ થાય છે. તેમાં દરેક મહિનાનાં દિવસો, દિવસની ઘડી, પળો, દિવસનાં ચોઘડિયાં, તેહેવારના દિવસો, એ સિવાય બીજી ચીનાઈ અગત્યની બીના હોય છે. તેથી હરેક નવી કામનો-ચીનાઓને આરંભ કરવો હોય તો સારો શુભ વખત જોઈ નવું કામ કરે છે. જ્યોતિષ વિદ્યા ખરી છે અને તેના દાખલા બરાબર પુરતી વિદ્યા જાણનારને મળે છે. પણ જો જોનારો એ વિદ્યામાં અધૂરો હોવાથી તેના દાખલા બરાબર મળી આવતા નથી માટે (તેથી) વિદ્યાનું અપમાન થાય છે.
ચીન - ચીન અને લયલો લયલો
ચીના પુરુષો અને સ્ત્રીઓની સલામ કરવાની હંમેશની ચાલુ રીત તો "ચીન ચીન છે. પણ દૂરથી અથવા ઘણે દિવસે કોઈ પોતાની બરાબરીનો ગૃહસ્થ આવ્યો હોય તો તેને જોતાને વાર ચીનાઈ ભાષામાં "લયલો લયલો એટલે આવો આવો "ચીન ચીન એટલે સલામ સલામ કેહે છે. આવેલા પહરોણાને (પરોણા) બેસાડવાને ‘છો છો’ કેહે છે. મોટી ઉંમરનો કે મોટી પદવીનો ચીનો આવેલો હોય, તેને દરવાજા સુધી લેવાને માટે ઘરધણી પોતાની છાતી ઉપર બેહુ (બેઉ) હાથ મૂકી ગરદન નમાવતો નમાવતો ઉપર કહેલા ચીનાઈ શબ્દ બોલતો જઈ સલામ કરે છે. ઉમરાવ અથવા પાદશાહી ખાનદાનની હવેલીમાં જઈ સલામ કરતી વખતે ગુઠણ (ગોઠણ, ઢીંચણ) મરડી પાંચ-સાત વખતે ઉઠબેસ કરીને ગરદન નમાવી સલામ કરે છે. અ
ાવનાર ગૃહસ્થને ખુરસી, કોચ (સોફા) અને બીજી બેઠક ઉપર બેસાડી દૂધ, સાકર, ખાંડ વગરની ખુશબોદાર ઠંડી ચાએ નાની પ્યાલી ભરી અને મેવો, મીઠાઈ આપે છે. તંબાકુ ભરી ઊક્કો (હુક્કો) અને કાગળની બત્તી તંબાકુ સળગાવવાને આપે છે. રેહેઠાણના સઘળા મળી ગમત (ગમ્મત) ઉપજાવનારી વાતોના ગપાટા મારી ખુશી થાય છે એવી રમુજી ભરેલી વાતો ચીનાઓને વધારે ઈયાદ (યાદ) હોય છે, તેથી દરેક ટાંકણે દાખલા દલીલથી વાતો કરે છે. ચીનાઈ બોલીમાં ખુશી ઉપજાવનારી લટકથી જોડણી કરેલી છે, તેમાં એક સવાલનાં જુદા જુદા અર્થો પણ થઈ શકે છે વસ્તે હરેક વાતમાં વધારે લંબાણે હસવાની (હસવાથી!) તકરાર થાય છે.
ઊક્કો અને તંબાકુ
ચીનાઓ પીતળનો (પિત્તળનો) ઊક્કો (હુક્કો) રાખે છે. તેનો નીચલો ભાગ દાબડા જેવો ત્રણ ચાર ઇંચનો હોય છે. વચલી બાજુએ નાની દાબડી હોય છે, તેમાં કેસર જેવી ઝીણી તંબાકુ ભરે છે. તેની એક બાજુએ આઠ દસ ઇંચ લાંબી, વાંકી, પીતળની (પિત્તળ) નળી જડે છે. એ નળી ધુમાડો ખેંચવાના કામમાં આવે છે. તેની પાસે બીજી ત્રણ ચાર ઇંચ લાંબી અને અરધો ઇંચ ગોળ નળી જડે છે. તેની વચમાં ઉતરે હેવી (એવી) ચલંમ (ચલમ)ની બીજી નળી હોય છે. એ ચલંમ (ચલમ)ની નળીમાં તંબાકુની ચપટી દબાવી અને કાગળની બત્તીએ તે તંબાકુને સળગાવે છે, અને લાંબી નળીએ ધુમાડો ખેંચે છે. તેણે કરી તંબાકુની ખાક (રાખ) થાય છે, એટલે બળેલા તંબાકુની ખાખ ફૂંકી નાખી બીજો તંબાકુ ભરી પાછો ધુમાડો તાણે છે. એ ઉક્કાના સઘળા સાંધા જુદા જુદા હોય છે. તે સઘળા સાંધા જુદા પાડી ખિસ્સામાં રાખે છે અને જ્યારે જોઈએ તારે (ત્યારે) સાંધા મેળવીને ઊક્કો (હુક્કો) તૈયાર કરે છે. (ક્રમશ:
|