Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
બૅંકો અને વીમા કંપનીઓનું ખાનગીકરણ: લાભ કોને થશે ?
આંધળો વિરોધ અને ટીકા કરવાને બદલે સમય-સંજોગને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ

સ્પેશિયલ - જયેશ ચિતલિયાગયા વખતે આપણે બેડ બૅંકની સ્થાપનાની ચર્ચા કરી. સરકાર જાહેર ક્ષેત્રની નબળી બૅંકોને તારવા ખાનગીકરણનો માર્ગ અપનાવી રહી છે, અગાઉ આવી બૅંકોના મજબુત બૅંકો સાથે મર્જરનો માર્ગ અપનાવ્યો હતો. હવે ખાનગીકરણના બજેટ પ્રસ્તાવને અમલમાં મુકવાની તૈયારી શરૂ થઈ રહી છે, આ સાથે સરકાર અમુક વીમા કંપનીના ખાનગીકરણનું પણ વિચારે છે, આ બંને કદમ કેટલા વાજબી ગણાય અને આનાથી ખરેખર લાભ કોને થશે એ ચર્ચા માગી લેતો વિષય છે. આનો આંધળો વિરોધ ન કરાય. સમય-સંજોગ મુજબ દેશના અર્થતંત્રની જરૂરીયાત બદલાતી હોય છે, તેને સમજવી પડે...

એક સમય હતો કૉંગ્રેસ શાસનનો- ઈંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળ, જયારે સંખ્યાબંધ ખાનગી બૅંકોનું નેશનલાઈઝેશન થયું હતું. હવે શાસન છે ભાજપનું અને મોદીનું છે નેતૃત્વ. જેમાં અમુક નેશનલાઈઝ બૅંકોનું પ્રાઈવેટાઇઝેશન કરવાની દિશામાં કદમ ભરાયા છે. વિવિધ વર્ગ આને પોઝિટિવ કે નેગેટિવ નજરે જોઈને મુલવી રહ્યા છે. જોકે બૅંકોના નેશનલાઇઝેશનનો સમય અલગ હતો અને હાલ બૅંકોના પ્રાઈવેટાઈઝેશનનો સમય જુદો છે.આ સમય ગ્લોબલાઈઝેશનનો છે. સરકાર કયાં સુધી બૅંકોને મૂડી સહાય કર્યા કરશે? કોના ભોગે? આમ પણ સરકાર કયાં બધી જ બૅંકોનું ખાનગીકરણ વિચારે છે, મોટાભાગની બૅંકો તો નેશનલાઈઝ જ છે અને રહેશે, તેમને મજબૂત બનાવવાના પગલાં અવશ્ય ભરાઈ રહ્યા છે. આ જ વાત સરકારી વીમા કંપનીઓને લાગુ પડે છે.

બજેટની જાહેરાતોના અમલના ભાગરૂપ સરકારે જાહેરક્ષેત્રની બે બૅંકોના ખાનગીકરણની દિશામાં કામ શરૂ કર્યું છે. હાલ સરકારે આ ખાનગીકરણ માટે ચાર બૅંકોને જુદી તારવી છે. જો તમે આ બૅંકોમાં એકાઉન્ટ-ડિપોઝિટ ધરાવતા હો યા આ બૅંકોના શેરધારક હો તો તમારે આ બૅંકોના ડેવલપમેન્ટ પર દ્રષ્ટિ રાખવી જોઈએ.

બૅંકો માટે સરકારના પ્રયાસ

ખાનગીકરણ એ વર્તમાન સમયમાં જાહેર ક્ષેત્રની બૅંકોને બચાવવાનો, જાળવી લેવાનો-સાચવી લેવાનો, સક્ષમ બનાવવાનો-સ્પર્ધામાં મજબૂત રાખવાનો હવે આ જ એક ઉપાય રહ્યો છે કે પછી સરકાર હવે નવા ઉપાય વિચારવા સક્ષમ નથી કે પછી બૅંકોની કાયમી જવાબદારી ઉપાડવા સજજ નથી? બેડ લોન્સ-એનપીએના બોજથી લથબથ જાહેર ક્ષેત્રની બૅંકોના આ ઉપાય માટે બેડ બૅંકનો પ્રસ્તાવ તો બજેટમાં કરાયો છે અને એ દિશામાં પણ કાર્ય શરૂ થઈ રહ્યુુંં છે, હવે બૅંકોના ખાનગીકરણ ઉર્ફે પ્રાઈવેટાઈઝેશનની પ્રોસેસ શરૂ થઈ રહી છે. એકાદ વરસ પહેલાં સરકારે અમુક બૅંકોના મર્જર મારફત તેમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

આ ચાર બૅંકો પર નજર

તાજેતરના અહેવાલ મુજબ સરકારે બે બૅંકોના ખાનગીકરણ માટે હાલ ચાર બૅંકોને અલગ તારવી છે, જેમાં સેન્ટ્રલ બૅંક ઓફ ઈન્ડિયા, બૅંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બૅંક અને બૅંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ ચારમાંથી બે બૅંકોનું ખાનગીકરણ કરાશે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે બૅંક ઓફ ઈન્યાના કર્મચારીગણ ૫૦ હજાર જેટલાં છે, સેન્ટ્રલ બૅંકના ૩૩,૦૦૦ જેટલાં છે, ઈન્ડિયન ઓવરસીઝ બૅંકના કર્મચારીઓની સંખ્યા ૨૬,૦૦૦ છે અને બૅંક ઓફ મહારાષ્ટ્રની સંખ્યા ૧૩૦૦૦ છે, જે સૌથી ઓછી હોવાથી તેનો નંબર ખાનગીકરણ માટે પ્રથમ રહે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાંક સમયથી શૅરબજારમાં બૅંક સ્ટોકસના ઘોડા તેજીથી દોડી રહ્યા હોવાની પાછળ આવા જ સરકારી પગલાંની અસર હોવાનું સમજાય છે. સરકારે બૅંકો માટે રૂ.૨૦૦૦૦ કરોડની મૂડીસહાય પણ મંજૂર કરી છે, બૅંકોને બેડ લોન્સની સમસ્યામાંથી બહાર કાઢવા એસેટ રિક્ધસ્ટ્રકશન કંપની (એઆરસી) અને બેડ બૅંક સ્થાપવાની પણ તૈયારી કરી છે. ટૂંકમાં સરકાર બૅંકોના પુનરૂત્થાન માટે નક્કર કદમ સાથે સક્રિય થઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે, જે સરકારની આ વિષય પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.

કર્મચારીઓના હિતોની જાળવણી થવી જોઈએ

આ કદમથી સરકારને આ બૅંકોના હિસ્સાના વેચાણમાંથી ભંડોળ મળશે, કિંતુ આ સાથે બૅંકોના કર્મચારીઓની નોકરી સામે સવાલો ઊભા થશે. ખાનગીકરણ બાદ ઘણાંની નોકરી જોખમમાં મુકાઈ શકે છે. આ બૅંકોના હજારો કર્મચારીઓ છે. આની રાજકીય નેગેટિવ અસર થઈ શકે, પણ સરકાર પોતાના નિર્ણયમાં મકકમ છે. કેમ કે સરકારનું લક્ષ્ય બૅંકોને બચાવવાનું અને વિકસાવવાનું છે તેમ જ પોતાની માટે ભંડોળ ઊભું કરવાનું પણ છે. આ પસંદ કરાયેલી બૅંકો મધ્યમ કદની છે. જો કે સરકાર દેશની જાહેર ક્ષેત્રની ટોચની બૅંક સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયામાં પોતાનો મેજોરિટી હિસ્સો જાળવી રાખવા માગે છે. ખાસ કરીને આ બૅંકને તે ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ માટે પ્રખ્યાત અને અગ્રસેર બનાવવા માગે છે.

જો કે ખાનગીકરણની આ પ્રોસેસમાં ટ્રેડ યુનિયન અને રાજકીય દરમ્યાનગીરી અવરોધ બની શકે છે, જેથી આ નિર્ણય અને તેનો અમલ સંવેદનશીલ ઘટના બની શકે છે. પરિણામે આના અમલ સામે શંકા પણ ઊઠાવાય છે. પણ મોદી સરકારના મકકમ અને મજબૂત નિર્ણયોના અનુભવ સૌએ જોઈ લીધા છે, જેથી આ સંભવિત અવરોધ લાંબુ ચાલી શકશે નહીં.

બૅંકો પર અંકુશ આવે તે પહેલાં

બૅંન્કિગ સેકટરના ચોકકસ જાણકાર વર્ગ માને છે કે સરકાર હાલ જયારે તેની નબળી બૅંકોને વેચવા કાઢી રહી છે ત્યારે તેને કેવા ભાવ મળશે એ સવાલ છે, આને બદલે સરકારે મજબૂત બૅંકો વેચાણ માટે મૂકવી જોઈએ તો સરકારને સારું ભંડોળ મળી શકે. બાકી આ નબળી બૅંકેાને લેવા કોણ, કયા ભાવે આગળ આવશે એ સવાલ છે. તેમ છતાં બૅંકો નબળી પડતી જાય અને એક દિવસ તેને રિઝર્વ બૅંકના અંકુશ હેઠળ મૂકી દેવામાં આવે અને પરિણામે તેના ગ્રાહકોના નાણાં અટવાઈ જવાનો સમય આવે તે કરતા ખાનગીકરણ મારફત તેને બચાવી-જાળવી લેવાનું કદમ સંભવત વધુ વ્યવહારું કહી શકાય. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. હરીફાઈ અને ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ, ઈનોવેશનને ધ્યાનમાં રાખતા કોઈપણ સેકટરમાં નબળાં ખેલાડી ટકી શકશે નહીં, એ ખતમ યા નાદાર જેવા થઈ જાય એ કરતા તેમનું વેચાણ-ખાનગીકરણ કરી દઈ ભંડોળ ઊભું કરી લેવામાં અને તેનું ભાવિ મજબુત હાથોમાં સોંપી દેવામાં વધુ ડહાપણ કહી શકાય.

ગ્રાહકોના હિતોની રક્ષા પણ જરૂરી

સરકારે અગાઉ સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપ્યા હતા કે સરકાર તેની બૅંકોની સંખ્યા ઘટાડવા માગે છે અને સરકારી બૅંકો પરસ્પર સ્પર્ધા કરે તેને બદલે અમુક બૅંકો એકબીજામાં મર્જર (ભળી જઈને) થઈને વધુ મજબૂત બને એ આવશ્યક છે. આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ અભિગમ વ્યવહારું પણ લાગે છે, કારણ કે આમ થશે તો જ જાહેર ક્ષેત્રની બૅંકો ટકી શકવા સમર્થ બનશે, બાકી તો ખાનગી ક્ષેત્રની બૅંકની હરીફાઈમાં તે ઘણી પાછળ રહી ગઈ છે, અલબત્ત, ખાનગી બૅંકોની વિશ્ર્વસનીયતા કરતા જાહેર ક્ષેત્રની બૅંકોની વિશ્ર્વસનીયતા હજી ઊંચી છે, પણ સર્વિસની બાબતે જાહેર ક્ષેત્રની બૅંકો ઘણી પાછળ છે. હવે પછી સરકારી બૅંકોના ખાનગીકરણ સાથે ખાનગી ક્ષેત્રની બૅંકોમાં પણ સ્પર્ધાનો માહોલ વધશે. મોટી-મજબૂત બૅંકો વધુ મજબૂત બનશે. આપણી બૅંકો જેમ બધી જ રીતે મોટી અને સક્ષમ થશે તેમ તે વિદેશી બૅંકોને હરીફાઈ આપવામાં સક્ષમ બનશે. જો કે આખરે તો સરકાર અને રિઝર્વ બૅંકની ફરજ તેમ જ જવાબદારી એ રહેશે કે ગ્રાહકોને સારી સર્વિસ મળે, તેમના હિતોની રક્ષા થાય. બૅંકોના વહીવટની કાર્યક્ષમતા,પારદર્શકતા,ગવર્નન્સ બહેતર બને. બૅંકોની વિશ્ર્વસનીયતા ઊંચી થાય. ખાનગીકરણને પરિણામે ગ્રાહકોનું શોષણ ન થાય એ જોવાની જવાબદારી પણ રિઝર્વ બૅંક અને સરકારની રહેશે. સામાન્ય વર્ગના ભોગે બૅંકોની લોન યા અન્ય માર્ગે થતી લૂંટ સદંતર બંધ થાય. બૅંકોની એનપીએ-બેડ લોન્સ પર અંકુશ આવે. દેશના અર્થંતત્રના હિત અને તંદુરસ્ત વિકાસ માટે પણ આ અનિવાર્ય છે. ચોક્કસ વીમા કંપનીઓનું ખાનગીકરણ પણ મહત્ત્વનો મુદ્દો છે, જેમાં પણ સરકારનો અભિગમ સમજવો રહ્યો. માત્ર ખાનગીકરણના નામથી તેનો આંધળો વિરોધ કરવો વાજબી નથી. અર્થતંત્ર સામે અનેક પડકાર છે, જેની માટે આકરા કે બોલ્ડ કદમ ભરવા પડતા હોય છે, આખરમાં ઈકોનોમીનું અને પ્રજાનું હિત જ કેન્દ્રમાં રહેવું જોઈએ એ ખરું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7636402
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com