| અંડરકવરજીવી: જીવ હથેળી પર લઈને ફરેલા વિશ્ર્વના બાહોશ પત્રકારોની વાત |
|  એક્સરે -તુષાર દવે
પત્રકારત્વ સહેલો વ્યવસાય નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તમે પત્રકારત્વની સાચી વ્યાખ્યા અને ધ્યેયને વળગી રહ્યા હોવ. ઈતિહાસમાં કેટલાક પત્રકારોએ એ પુરવાર કર્યું છે કે જો ઈરાદા મજબૂત હોય તો મોટામાં મોટા કૌભાંડના તળિયા સુધી પહોંચી શકાય છે અને સત્યને બહાર આવતું કોઈ રોકી શકતું નથી. ભારત હોય કે અમેરિકા, એક અથવા બીજાં કારણોસર આજ-કાલ પત્રકારત્વ અને પત્રકારો ચર્ચામાં રહ્યા કરે છે ત્યારે વિશ્ર્વના કેટલાક એવા ચુનંદા પત્રકારોની પણ વાત કરવી જરૂરી છે જેમણે દિલધડક અંડરકવર ઓપરેશન્સ પાર પાડીને પોતાની સ્ટોરીઝ થકી દેશ, દુનિયા કે સમાજને ખળભળાવી નાખ્યા હોય.
સૌથી પહેલાં વાત એન્તોનિયો સાલસની. જો તમે જગ વિખ્યાત ‘બોર્ન આઈડેન્ટિટી’ સિરીઝની ફિલ્મો જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે તેનું બીજ કુખ્યાત આતંકવાદીઓ કાર્લોસ અને જેકલ પર આધારિત હતું. એન્તોનિયો સાલસે ઓળખ બદલીને કાર્લોસની ગેંગમાં એન્ટ્રી મેળવેલી અને કાર્લોસનો પર્સનલ વેબ માસ્ટર બની ગયેલો.
એન્તોનિયોએ એક વર્ષ નાઝી તરીકે, દોઢ વર્ષ વુમન ટ્રાફિકર તરીકે અને છ વર્ષ આતંકવાદી તરીકે વિતાવેલા. તેણે ચાઈલ્ડ ટ્રાફિકિંગ રિંગ્સને ઉઘાડી પાડેલી અને પોતાની ઓળખ છુપાવીને આતંકના અનેક માસ્ટર માઈન્ડ્સના ચહેરા ઉઘાડા પાડેલા. આ બધું જ તેણે કોઈ પણ સરકારી કે ખાનગી એજન્સીનો સત્તાવાર ભાગ બન્યા વિના કરેલું. એન્તોનિયોની જિંદગી કોઈ હોલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ કરતાં ઓછી રોમાંચક નથી.
કારમોલે અબ્બાતે નામના ઈટાલિયન પત્રકારે તો ૨૦૧૦-૧૧માં ખ્રિસ્તીઓના ધાર્મિક વડા મથક વેટિકન સિટી સહિત આખા વિશ્ર્વને હચમચાવી દીધેલું. તમને યાદ હોય તો એ અરસામાં જ ખ્રિસ્તી પાદરીઓના સેક્સ રેકેટ અને બાળકો સાથેના જાતીય અપરાધો સામે આવ્યાં હતાં, એ બધું આ ભાઈની કરામત હતી.
કારમેલો વેટિકન સિટીના પાદરીઓ પૈકીના એકના બોયફ્રેન્ડ તરીકે વેટિકનના ખૂબ જ અંદરના સર્કલમાં ઘૂસી ગયેલો. પછી તેણે પાદરીઓનાં કરતૂતોનાં વિડિયોઝ, રિપોર્ટ્સ અને બુક્સ બહાર પાડીને દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી. આ વિષય પર તેણે લખેલી બુક ‘સેક્સ એન્ડ ધ વેટિકન’ પર ઈટાલિયન મીડિયાએ બહુ ધ્યાન નહોતું આપ્યું, પણ ફ્રાન્સમાં એ બેસ્ટસેલર બનેલી.
સ્ટુઅર્ટ ગોલ્ડમેન નામનો પત્રકાર ‘ધ જર્નાલિસ્ટિક હિટ-મેન’ તરીકે પણ ઓળખાય છે. આ અમેરિકન પત્રકાર ૧૯૯૦ના દાયકામાં અન્ડરકવર ગયો. વિલ રનયોન તરીકેની ઓળખ ધારણ કરી અને ત્રણ વર્ષ સુધી વિલ તરીકે રહીને તેણે અખબાર જગતના જ ગોરખધંધાઓ ઉઘાડા પાડ્યા હતા. સ્ટુઅર્ટે લોકોને બ્લેકમેઈલ કરવા માટે અને અન્ય ગોરખધંધા માટે ટેબ્લોઈડ્સે પાથરેલી જાસૂસોની જાળને પણ ખુલ્લી પાડી દીધી હતી. તેના ખુલાસાઓ બાદ અમેરિકન પત્રકાર જગતમાં રીતસરનું વાવાઝોડું ફૂંકાયું હતું અને ખાસ્સો વિવાદ પણ થયો હતો. સ્ટુઅર્ટે અનેક ફિક્શન-નોન ફિક્શન બુક્સ ઉપરાંત કેટલીક ફિલ્મો પણ લખી છે.
કોઈ પત્રકાર, કોઈ લેખક કોઈની સાથે થતા અન્યાય અને અત્યાચારોને અનુભવવા માટે એમની સાચી સ્ટોરી સામે લાવવા માટે કઈ હદ સુધી જઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અમેરિકન લેખક-પત્રકાર જોન હોવાર્ડ ગ્રિફિન.
૧૯૫૯માં જોને નક્કી કર્યું કે દેશના દક્ષિણ વિસ્તારમાં કાળા લોકો સાથે રંગભેદના કારણે જે અન્યાય થાય છે તેને બહાર લાવવો અને તેની સામે અવાજ ઉઠાવવો. સામાન્ય રીતે લોકો ચામડીના ડોક્ટર પાસે ગોરા થવા માટે કે ચામડીના રોગો મટાડવા માટે જાય, પણ જોને ડોક્ટરને જઈને કહ્યું કે મને એવી દવા આપો કે મારી ચામડી કાળી પડી જાય. ગોરામાંથી કાળા બનવા માટે તેણે સારવાર લીધી, ગોળીઓ ગળી અને જાત જાતની ક્રીમ લગાવી.
ગોરા લોકો જેવા વાળ પરથી લોકો ઓળખી ન જાય એ માટે તેણે માથે મુંડન પણ કરાવી લીધું. કાળી વ્યક્તિ બનીને તે સાઉથ કેરોલિના અને જ્યોર્જિયાના પટ્ટામાં રખડવા નીકળી પડ્યો. મુસાફરી માટે મોટે ભાગે તે બસનો જ ઉપયોગ કરતો. એ આખી મુસાફરીમાં તેણે ગોરા લોકો દ્વારા કાળાઓ પર થતા અન્યાય અને અત્યાચારોનો સામનો કર્યો. આફ્રિકન મૂળના લોકોના વિરોધી ગ્રુપના હાથે વારંવાર માર પણ ખાધો. દુકાનદારો, કંડક્ટર, બસ ડ્રાઈવર સહિત બધાની આંખોમાં તેને પોતાના માટે ભારોભાર નફરત અને સૂગ દેખાતી હતી. તેણે એ પણ જોયું કે ગોરા પુરુષો તેની સેક્સ લાઈફ વિશે જાણવા માટે પણ ઉત્સુક રહેતા. આ બધા જ અનુભવો શરૂઆતમાં તેણે ‘સેપિયા’ મેગેઝિન માટે લખેલા. પછી ૧૯૬૧માં તેણે ‘બ્લેક લાઈક મી’ નામની બુક લખી. જેના પરથી એ જ નામની ફિલ્મ પણ બની અને તેને પ્રશંસા પણ મળી.
જોસેફ પુલિત્ઝર. આ નામ પત્રકારત્વ જગતમાં એક માઈલસ્ટોન ગણાય છે. એમના નામ પરથી જ પત્રકારત્વનું સૌથી મોટું પુલિત્ઝર પ્રાઈઝ આપવામાં આવે છે. ૧૮૮૭માં પુલિત્ઝર ‘ન્યુ યોર્ક વર્લ્ડ’ ચલાવતા હતા ત્યારની વાત છે. નિલી બ્લે ઉર્ફે એલિઝાબેથ નામની માત્ર ૨૩ વર્ષની એક જોબલેસ છોકરી તેમની પાસે આવે છે અને તેઓ તેને એક એસાઈનમેન્ટ સોંપે છે. નિલીએ અને વિશ્ર્વએ કદાચ ધાર્યું પણ નહીં હોય કે એ અસાઈનમેન્ટ આખા અમેરિકાને હચમચાવી મૂકશે અને ભવિષ્યમાં નિલી ૧૯મી સદીની સૌથી વિખ્યાત મહિલા પત્રકારોમાં સ્થાન મેળવશે.
પુલિત્ઝર બ્લેકવેલ્સ આયલેન્ડ નામના મહિલાઓ માટેના મેન્ટલ અસાયલમમાં મહિલાઓ પર થતા અત્યાચારોની વિગતો દુનિયા સામે લાવવા માગતા હતા. એટલે તેમણે નિલીને ત્યાં મેન્ટલ બનીને જવાનું અને માહિતી બહાર લાવવાનું કામ સોંપેલું. અસાયલમમાં દાખલ થવાનું કામ સરળ નહોતું. નિલીએ પહેલાં ટેમ્પરરી હોમ્સ ફોર ફિમેલમાં પોતાની જાતને પુરવાર કરવાનું નક્કી કર્યું. તે યેનકેન પ્રકારે ત્યાં દાખલ થઈ. મેન્ટલી ડિસ્ટર્બ દેખાવા માટે તે સતત ડોળા કાઢતી અને ચકળવકળ જોયા કરતી. ત્યાંના કર્મચારીઓ તેને સુવાડવા આવે તો તે બેડ પર ન જવા ધમપછાડા કરતી. અંતે પોલીસ, જજ અને ડોક્ટર્સની ચકાસણી બાદ તેને બ્લેકવેલ્સ આયલેન્ડ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નિલીએ ત્યાં જઈને જોયું કે અંદર મહિલાઓ પર
અમાનુષી અત્યાચારો થતા હતા. તેમને ખરાબ ભોજન આપવામાં આવતું હતું અને બધી રીતે માનવ અધિકારોનું હનન થતું હતું. દસ દિવસ બાદ પુલિત્ઝરની સહાયથી બહાર આવીને તેણે ‘ટેન ડેઝ ઈન મેડ-હાઉસ’ મથાળા હેઠળ જે રિપોર્ટ લખ્યો એનાથી સનસનાટી મચી ગઈ. અસાયલમ સામે કાયદેસરની કાર્યવાહી થઈ. એટલું જ નહીં, પણ સરકારને માનસિક બીમાર લોકો માટેની સારવાર માટેના બજેટમાં પણ વધારો કરવાની ફરજ પડી. પછીથી નિલીએ જુલે વર્નના પુસ્તક ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૭૨ ડેઝ’ પરથી પ્રેરિત થઈને ૭૨ દિવસમાં વિશ્ર્વપ્રવાસ પણ કર્યો. જેણે પણ તેને ખૂબ પ્રસિદ્ધી અપાવી.
પત્રકારત્વ ગમે તેટલું દુષિત થઈ જાય કે એના નામે ગમે તેટલા લાંછન ચડે આમ છતાં જ્યાં સુધી વિશ્ર્વમાં આવા પત્રકારો પાકતા રહેશે ત્યાં સુધી પત્રકારત્વ જીવંત અને ગરિમામય જ રહેવાનું છે.
ફ્રી હિટ :
સાહિત્ય એવું લખવાની કળા છે જે એકથી વધુ વાર વંચાય અને પત્રકારત્વ એટલે એવું લખવાની કળા જે એક વાર વાંચવાથી જ સમજાઈ જાય.
- સિરિલ કોનોલી |
|