| હટકે ઇકોફ્રેન્ડલી હાઉસ! |
|  અવનવું - નધિ ભટ્ટ
પર્યાવરણ પ્રતિ લોકોમાં વધી રહેલી જાગૃતિને પગલે પર્યાવરણને અનુકૂળ ઘરોની માગ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત વધી રહી છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે એ આશયથી તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને આવાં ઘરો ડિઝાઇન કરવામાં આવે છે. આ ઘરોને જોઇને તમે આશ્ર્ચર્યમાં મુકાઇ જશો એ વાત તો નક્કી જ છે, પણ સાથે સાથે તે તમને ઇકો-ફ્રેન્ડલી હોમ બાંધવા માટે પ્રેરણા પૂરી પાડશે. આજે આ લેખમાં એવાં દસ ઇકો-ફ્રેન્ડલી ઘરની વાત કરવાની છે, જે કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યાં છે.
-----------------
તોફાન સામે ટક્કર લે એવું ઘર (પશ્ર્ચિમ બંગાળ)
પશ્ર્ચિમ બંગાળમાં આવેલા અમ્ફાન ચક્રવાતમાં સુસવાટાભર્યા પવનો અને મુશળધાર વરસાદ વચ્ચે હજારો ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, તેમ છતાં માટી અને વાંસમાંથી બનેલું સ્વિડિશ-બંગાળી દંપતીનું આ ઘર તોફાન વચ્ચે પણ અડીખમ રહ્યું હતું.
--------------
ગોળાકાર ઘર (આંધ્ર પ્રદેશ)
માટી, પાણી અને વૃક્ષનાં પાંદડાંઓની મદદથી ગોળાકારમાં બાંધવામાં આવેલાં આ ઘર દેખાવમાં ભલે એટલાં મજબૂત લાગતાં ન હોય, પણ વાસ્તવિકતામાં તે ખૂબ ટકાઉ હોય છે. આંધ્ર પ્રદેશના દરિયાકિનારાની પટ્ટીના વિસ્તારમાં અવાર-નવાર ચક્રવાત આવ્યા કરે છે, જેનાથી બચવા માટે માછીમાર સમુદાયના લોકો આવાં ઘરોનો સહારો લે છે.
----------------
નીચે ઝરણું, ઉપર ઘર (મહારાષ્ટ્ર)
વહેતા પાણીના ઝરણા ઉપર વાંસમાંથી આ ઘર બાંધવામાં આવ્યું છે. ઘરને એવી રીતે બાંધવામાં આવ્યું છે કે કોઇ પણ બારીમાંથી બહાર જોશો તો તમને બહાર ઝરણું દેખાશે. ઘરની આસપાસ ઔષધી અને ફળોનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે, જે છાંયડો આપવાનું કામ કરે છે. આ ઘરમાં રહીને કુદરતના ખોળામાં રહેવાનો આનંદ મળે છે.
-----------------
તળાવને અંદર સમાવી લેતું ઘર (મહારાષ્ટ્ર)
અંદર જ એક નાનું તળાવ ધરાવતા આ ઘરમાં ઠંકડ રહેતી હોવાથી એસીની જરૂર પડતી નથી. આ ઘર કાળા પથ્થર, ઈંટો, લાડકાં અને વાંસથી બનેલું છે, જે સોલર પાવર, રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધાથી સજ્જ છે. ઘરના સભ્યો ઝીરો વેસ્ટનું નિર્માણ કરે છે એટલે કે જે કચરાનું નિર્માણ થાય છે તેનું બાદમાં ખાતર બનાવીને ગાર્ડનિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે.
------------------
તાડના ઝાડનું ઘર (મુંબઈ)
આ ઘર તાડના વૃક્ષના થડમાંથી બનાવવામાં આવ્યું છે. ઘરને પારંપરિક રીતે હાથથી બાંધવામાં આવ્યું છે. ઘર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેની અંદર પ્રકાશ અને હવાની અવર-જવર રહે છે, પણ વરસાદનું પાણી અંદર ન આવે.
-------------------
વૃક્ષોને અંદર સમાવી લેતું ઘર (કેરળ)
લોકો ઘર બાંધવા માટે વૃક્ષોને કાપી નાખતા હોય છે ત્યારે કેરળમાં એવું ઘર છે જેની અંદર ખાસ વૃક્ષોને જગ્યા આપવામાં આવી છે. ૩,૭૦૦ ચોરસ ફૂટના આ ઘરમાં ૬૦૦ ચોરસ ફૂટ જગ્યા કેરી અને જાંબુના વૃક્ષ માટે રાખવામાં આવી છે.
-----------------
કોંક્રીટના જંગલ વચ્ચે નારિયેળનું ઘર (મુંબઈ)
સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વચ્ચે મુંબઈમાં એક એવું ઘર પણ છે, જે નારિયેળની કાચલીઓમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઘરની દીવલો અને છાપરાં નારિયેળની કાચલીઓમાંથી બનેલાં છે. આને કારણે કુદરતી રીતે જ ઘરની અંદર ઠંડક રહે છે અને એસી કે ઍર-કૂલરની જરૂર પડતી નથી.
-------------------
નારિયેળના થડમાંથી બનેલું ઘર (ગોવા):
નારિયેળના લાડકામાંથી બનેલું અને દીવાલ વગરનું આ ઘર ખરેખર આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો છે. ઘરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અંદર કુદરતી રીતે જ હવા અને પ્રકાશની અવર-જવર રહે, જેથી એસીની જરૂર ન પડે. આ ઘરની વધુ એક ખાસિયત એ છે કે તે રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી સજ્જ છે, જેની અંદર દર વર્ષે સાત લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે.
------------------
વેસ્ટમાંથી બેસ્ટ બનેલું ઘર (કેરળ)
વાંસમાંથી બનાવવામાં આવેલું ૧૨,૦૦૦ ચોરસ ફૂટનું આ ઘર બાંધવા માટે એકપણ વૃક્ષને કાપવામાં આવ્યું નથી. આ ઘર બાંધવા માટે સૌથી પહેલાં તો ઉપયોગમાં ન લેવાતાં હોય એવાં ૨૪ ઘરોને ખરીદીને બાદમાં તેને તોડી પાડવામાં આવ્યાં. આ ઘરોના કાટમાળમાંથી નીકળેલાં લાકડાં, ઈંટો, ટાઇલ્સ અને પથ્થરોનો ઉપયોગ કરીને ૧૨,૦૦૦ ચોરસ ફૂટનું ઘર બાંધવામાં આવ્યું હતું. |
|