| દુનિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક ભારતના મણિપુરમાં છે |
|  લાઈમ લાઈટ - હિના પટેલ
તમે નેશનલ પાર્ક તો ઘણા જોયા હશે પણ શું તમે પાણી પર તરતા નેશનલ પાર્ક વિશે સાંભળ્યું છે? આ નેશનલ પાર્ક વિદેશમાં નહીં, પણ આપણા દેશમાં જ છે એ તમે જાણો છો? જો તમે ન જાણતા હોવ તો આજે જાણી લો. ભારતના મણિપુર રાજ્યમાં દુનિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક છે. કીબુલ લામજો નેશનલ પાર્ક લોકટક સરોવર પર આવેલો છે. આ પાર્ક મણિપુરના બિશનુપુર જિલ્લામાં સ્થિત છે, જે રાજધાની ઇમ્ફાલથી આશરે ૫૦-૫૫ કિ.મી.ના અંતરે છે.
લોકટક સરોવરની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. એની ઉપર બનેલા પ્રાકૃતિક દ્વીપ જોવાલાયક છે. એને ‘ફુમદી’ કહેવામાં આવે છે. આ દ્વીપોમાં સૌથી મોટો દ્વીપ ૪૦ ચોરસ કિ.મી.માં ફેલાયેલો છે. આ ફુમદિયો પર સ્થાનિક માછીમારો રહે છે. આ સરોવર મણિપુરને આર્થિક રીતે પણ મજબૂત બનાવે છે. રાજ્યમાં હાઇડ્રોપાવર જનરેશન માટે આ સરોવરમાંથી પાણી આપવામાં આવે છે.
લોકટક સરોવર ફક્ત ભારતમાં જ નહીં, પણ સંપૂર્ણ વિશ્ર્વમાં પ્રસિદ્ધ છે. એનું કારણ એ છે કે આ સરોવર પર દુનિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક આવેલો છે. એને કીબુલ લામજોના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પાર્ક સરોવરની વચ્ચે સ્થિત છે. આ નેશનલ પાર્કને વિશ્ર્વમાંથી લુપ્ત થઇ રહેલા સંગાઇ હરણોનું અંતિમ પ્રાકૃતિક ઘર માનવામાં આવે છે. સંગાઇ મણિપુરનું રાજ્ય પ્રાણી પણ છે.
આ જંગલમાં કેટલાંક જાનવર પણ છે દાખલા તરીકે કેટલીક વિશેષ પ્રકારની બિલાડીઓ જેમ કે માર્બલ્ડ કેટ અને એશિયન ગોલ્ડન કેટ, સાપોમાં કોબ્રા અને વાઇપર. અહીં ફરવા આવતા પર્યટકોને ઘણી વાર હિમાલયનાં કાળા રીંછ અને સન રીંછ પણ દેખાય છે. આ જંગલમાં પક્ષીઓની પણ અનેક પ્રજાતિ છે જેમ કે ગરુડ, કિંગફિશર, મેના, સ્પોટબિલ બતક વગેરે.
દુર્લભ પશુ-પક્ષીઓ સિવાય અસંખ્ય માછલી, કાચબા, હરિયાળું ઘાસ, દરેક મોસમમાં ખીલતા લોક લેઇ, પુલૈઇ અને ખોયમૌમ જેવાં જંગલી ફૂલો અને ચારેબાજુ નાનીમોટી પહાડીઓનું અલૌકિક સૌંદર્ય કીબુલ લામજોને ખૂબ આકર્ષક બનાવે છે.
----------------
નેશનલ પાર્કની સ્થાપનાનો ઉદ્દેશ
સંગાઇ કીબુલ લામજો નેશનલ પાર્કની અણમોલ ભેટ છે. આ વિશ્ર્વની સૌથી સંકટગ્રસ્ત હરણની પ્રજાતિ છે. સંગાઇ મણિપુરી નામ છે. આમ તો તેને અંગ્રેજીમાં બ્રો એન્ટલર્ડ ડિયર કહેવામાં આવે છે. મોટી સંખ્યામાં માનવ દ્વારા આહાર બનાવવામાં આવતા હોવાને કારણે સંગાઇ હરણોની સંખ્યા સતત ઘટી રહી છે. ૧૯૫૧માં મણિપુર સરકારે આ પ્રજાતિ વિલુપ્ત થવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, વ્યાપક શોધ બાદ કેટલાંક સંગાઇ હરણ મળી આવતાં તેમને બચાવવાના ઉદ્દેશથી ૧૯૫૪માં કીબુલ લામજો નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી.
-----------------
લોકટક સરોવરની વિશેષતા
- આ સરોવરમાં જે જમીનના ટુકડા છે તેને સ્થાનીય ભાષામાં ફુમદી કહે છે.
- આ ફ્લોટિંગ આઇલેન્ડ્સ સીઝનના હિસાબે સાઇઝ અને શેપમાં બદલતા રહે છે. આમાંથી મોટા ભાગના ગોળ આકારમાં છે.
- આ આઇલેન્ડ્સ (ફુમદી) સ્પોન્જી છે અને તેના પર સેંકડો પ્રજાતિનાં પક્ષી, છોડ અને જાનવર રહે છે.
- આમાંથી એક ટુકડા પર દુનિયાનો પહેલો તરતો એટલે કે ફ્લોટિંગ નેશનલ પાર્ક પણ છે.
- બીજા દેશોમાં પણ આ પ્રકારના આઇલેન્ડ છે, પરંતુ તેમાંથી મોટા ભાગના માનવસર્જિત છે.
- અહીંના આઇલેન્ડ સાઇઝમાં મોટા અને સરોવરનો ૧૫ સ્ક્વેર મીટર ભાગ કવર કરે છે.
- આના પર સ્થાનિકો લોકોએ નાનાં-નાનાં ઘર બનાવ્યાં છે, જેને ખાંગપોક કહેવાય છે.
- લગભગ ૪,૦૦૦ લોકો આ આઇલેન્ડ્સ પર રહે છે.
|
|