| ચલો ઉજવીએ વાસી વેલેન્ટાઇન્સ ડે: કુછ બાતેં પ્યાર કી |
|  મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઇટલ્સ: જે કરી શકે એ કરે છે ને ના કરી શકે એ એના વિશે લખે છે (છેલવાણી)
આપણે ત્યાં કોઇ સ્વજન ગુજરી જાય ત્યારે એમના અંતિમ સંસ્કાર પછી આપણે બારમું તેરમું ઉજવતા હોઇએ છીએ. વેલેન્ટાઇન્સ ડેના ગયા બાદ આજે ૭ દિવસ થયા. સ્વજનના ગયા પછી ધીમે ધીમે જેમ જીવન નોર્મલ થવા માંડે છે એ રીતે ઇશ્કનો બુખાર ઉતર્યા પછી માણસ નોર્મલ થવા માંડે છે.. વેલેન્ટાઇન્સ ડેના ગયા પછી સમજાય છે કે પ્રેમ ના સમજાય એવું ઉખાણું છે,ટપ્પો ના પડે એવી આધુનિક કવિતા છે કે પછી જેનો અર્થ ક્યાંયથીયે ના સમજાય એવું મોર્ડન આર્ટનું ચિત્ર છે... પ્રેમ એટલે ઍગ્ઝૅક્ટલી શું એવા યુગો પુરાણા સવાલ વિશે અમે વિચારતા હતા તેવામાં અચાનક પીટર ્રપ્રોપર નામના સંપાદકનું દાયકાઓ જૂનું પુસ્તક હાથમાં આવ્યું: બીલીવ! એમાં પ્રેમ વિશે મહાન લોકોના ક્વોટેશનો અર્થાત્ અવતરણો છે. એમાં વિલિયમ ટેનીસન છે, બર્નાર્ડ શો છે, હોરેસ છે તો થોમસ કાર્લાઇલ પણ છે..એમાં પ્રેમ વિશે રમૂજ છે, રંજ છે અને કડવાશ કે દાઝ પણ છે. ટૂંકમાં પ્રેમ વિશેના બધા રસ મૌજૂદ છે. એક રીતે પ્રેમ વિશેની વાતોની ગુજરાતી થાળી જેવો અહીં ઘાટ છે!તો ચાલો ચાખીએ જરાં:
ક પ્રેમ યુદ્ધ જેવો હોય છે, શરૂ કરવો સહેલો પણ અટકાવવો મુશ્કેલ...
ક કોઇ પણ ઘુવડ કરતાંયે પ્રેમ વધારે આંધળો હોય છે પણ પ્રેમ આંધળો છે એ જ સારું છે, નહીં તો એ કેટલું બધું જોઇ કાઢત, જેની જરૂર ના હોય તે પણ.....અને હા, પ્રેમ ભલે આંધળો હોય પણ લગ્ન એને દૃષ્ટિ આપે છે...
ક જે માણસ અન્યને સાચી રીતે ચાહે છે એ એના વિચાર પણ વાંચી શકે છે...જે માણસ ચાહી નથી શકતા,એને ખુશામત કરતા આવડતી જોઇએ...
ક પ્રેમ અછબડા જેવો છે, આપણે એમાંથી ક્યારેક ને ક્યારેક તો પસાર થવું જ પડે છે...
ક પરણે નહીં ત્યાં સુધી પુરૂષ અપૂર્ણ છે,પરણે એટલે પૂરો થઇ જાય...
ક કોઇ પણ સ્ત્રીને ક્યારેય એમ નહીં કહેતા કે તું સુંદર છે. તેને એમ જ કહેજો કે તારા જેવી તો કોઇ સ્ત્રી જ નથી અને તમારે માટે બધા રસ્તા ખૂલી જશે...
ક પ્રેમ પ્રેમને સમજે છે, એને વાતની જરૂર નથી...પણ સારા શબ્દો એ પ્રેમનું અન્ન છે.
ક કાન્સમાં કોમેડી છે, ઇંગ્લેન્ડમાં ટ્રેજેડી છે,ઇટાલીમાં ઓપેરા છે અને જર્મનીમાં મેલોડ્રામા છે...
ક પ્રેમની અભિવ્યક્તિની બાબતમાં આપણે અવિકસિત દેશો જેવા છીએ...જ્યાં સુધી પહેલો હુમલો થાય નહીં ત્યાં સુધી પ્રેમ અને સંધિવામાં માનતા નથી...
ક રાવ-ફરિયાદ એ પ્રેમનું મૃત્યુ છે. થોડુંક વાંકા વળતાં શીખો, ભાંગવા કરતાં એ સારું છે...
ક પ્રેમને પાપ બનાવીને ધર્મે સૌથી મોટો ઉપકાર પ્રેમ પર કર્યો છે...
ક પ્રેમ ચમત્કાર છે, એ કોઇ બર્થમાર્ક કે જન્મ ચિહ્ન જેવી વાત છે, ગમે તેટલું છુપાવો તમે એને ઢાંકી ન શકો...
ક પ્રેમમાં તમે મૂર્ખાઇ ઘણી કરશો પણ એ ઉત્સાહપૂર્વક
કરશો...
ક હું બે જ વસ્તુના પ્રેમમાં છું, અરીસો અને શરાબની જામ...
ક પહેલો પ્રેમ એ થોડીક મૂર્ખાઇ અને ઝાંઝી જિજ્ઞાસા છે...
ક માણસ ભૂખ્યો હોય ત્યારે એને ચુંબનની જરૂર નથી હોતી... પ્રેમ પોતે ભલે મીઠો હોય છે, પણ એનો સ્વાદ રોટી સાથે જ આવે છે...
ક "અગ્નિને માટે જેમ પવન, તેમ પ્રેમને માટે વિરહ, નાના અમથાને એ બુઝાવી દે છે અને મહાનને જ્યોતિર્મય જ્વાળામાં ફેરવી નાખે છે...
ક પ્રત્યેક નાનકડો વિરહ એ એક યુગ જ છે...
ક આપણે જ્યારે એકમેકની સાથે નથી હોતા ત્યારે ઇશ્ર્વર આપણને જુએ છે...
ક વિરહ પ્રેમને તીવ્ર બનાવે છે, મિલન એને સબલ... પ્રેમનો દુશ્મન વિરહ છે...
ક જે લોકો વફાદાર છે એમને પ્રેમની નગણ્ય બાબતોનોયે ખ્યાલ છે, પણ જે બેવફા છે એ પ્રેમની કરુણતા જ જાણે છે...
ક જ્ઞાનનો પ્રારંભ એ પ્રેમની શરૂઆત છે...
ક પ્રેમમાં કમમાં કમ બેનો તો મુકાબલો કરવો જ પડે: પહેલાં યુદ્ધ અને પછી શાંતિ...
ક સ્વર્ગ અને નરક વચ્ચેની પસાર થતી મોસમ એ પ્રેમ છે...
ઇંટરવલ:
રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટશે કેમ?
તમે પ્રમની વાતો કરજો અમે કરીશું પ્રેમ (સુરેશ દલાલ)
ક જીવનમાં બે જ કરુણતા છે : એક, પ્રેમમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તે અને બીજી, તમારી ઇચ્છા પૂરી થાય તે...
ક ક્રોધી પ્રેમી પોતાને જ જુઠ્ઠાણાંઓ કહેતો
હોય છે...
ક પ્રેમનો ઝઘડો નાનો અમથો... શાંતિ
આપતી જીભ એ પ્રેમની ઉત્તમ
આદત છે...
ક પ્રેમ કશાને પણ સુંદર કરી શકે છે...
તમે ચાહો તો દરેક ચીજ સુંદર થઇ શકે...
ક સૌંદર્ય પર નભતો પ્રેમ સૌંદર્યની સાથે જ
મરે છે...જે સ્ત્રી મને ચાહે છે એ મારે
માટે સૌથી સુંદર સ્ત્રી છે...
ક મધમીઠા શબ્દો અને ખુશામતિયા
ચહેરાઓ ભાગ્યે જ પ્રેમ વિશે કહી શકે
છે કે આપણે એકમેકને ચાહીશું તો હું
મહાન થઇશ ને તું ઐશ્ર્વર્યવાન...
ક પ્રેમ મૃત્યુ જેટલો જ બળવાન છે...મૃત્યુ
સાથે મુકાબલો કરી શકે એવું જો કોઇ
હોય તો તે પ્રેમ જ છે...
ક જાણે કોઇને ખોબો ભરીને ફૂલ આપવા જેટલી સહેલી વાત હોય એવી રીતે લોકો પ્રેમની વાતો કરે છે...
ક આનંદ આપે ત્યાં સુધી જ પ્રેમ એ પ્રેમ છે. નરક શું છે? ન ચાહી શકનાર માણસની યાતના જ છે...
ક પ્રેમમાં કશું હાસ્યાપદ નથી...અદૃશ્ય શાહીથી પ્રેમપત્રો લખાવા જોઇએ અને પછી કચરા પેટીમાં ફેંકવા જોઇએ...ખરેખર પ્રેમપત્રો તો હંમેશાં પોતાની સેક્રેટરીને જ લખાવવાના હોય અને એનાથી આગળ ના જવા
જોઇએ...
ક આખી દુનિયા પ્રેમીઓને ચાહતી ભલે ન હોય, પણ પ્રેમીઓને જોતી તો હોય જ છે..
ક પ્રેમમાં બે વ્યક્તિઓનું સાયુજ્ય છે, જેમાં એકને જ ફાયદો થાય છે...
ક પ્રેમમાં પડેલો વૃદ્ધ માણસ પાનખરના ફૂલ જેવો છે...
ક પ્રેમ એ એક એવી લાગણી છે કે સ્ત્રી પોતાના
કૂતરા માટે સતત અનુભવે છે ને પોતાના પુરુષ માટે
ક્યારેક જ...
ક જિંદગી ટૂંકી છે, પણ પ્રેમ લાંબો છે... સ્વપ્ન અને પ્રેમમાં કશું અશક્ય નથી... સ્વપ્નની દુનિયાનું વાસ્તવિકતામાં રૂપાંતર કરવું એ પ્રેમ છે...
ક પ્રેમને નાશનો ભય નથી હોતો પણ પરિવર્તનનો ભય હોય છે...
ક પ્રેમ હંમેશાં વફાદારીમાં દખલગીરી કરે છે...પ્રેમ સ્વભાવથી જ બેવફા છે...
ક ધિક્કાર એ પ્રેમના સિક્કાની બીજી બાજુ છે... પ્રેમ ઓછો હોય ત્યાં દોષ ઝાઝા દેખાય...
પ્રેમ વિશે આ બધું વાંચીને પેટ ભરાયું ને? તો તમને ભાવતી વાનગી નક્કી કરીને જીવનમાં ઉતારજો. બાય ધ વે, અમને તો બધી વાનગી ભાવી છે,પચે કે ના પચે!
એંડ ટાઇટલ્સ:
આદમ: તું ભગવાનમાં માને છે?
ઇવ:ના,પ્રેમમાં માનું છું!
|
|