Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
માણસે સ્વકેન્દ્રી રહેવાને બદલે વિચારવું જોઈએ કે હું બીજાઓને કઈ રીતે મદદરૂપ બની શકું -૨
એક ગરીબ-અનાથ છોકરો જિંદગીથી હતાશ થઈ ગયો ત્યારે...

સુખનો પાસવર્ડ - આશુ પટેલ(ગયા અંકથી ચાલુ)

ગયા રવિવારે આપણે એક અનાથ છોકરાની વાત કરી હતી જે પોતાની ગરીબીને કારણે થાકી ગયો હતો. એક દિવસ તેને કે ઉંદરે કહ્યું કે તારી સમસ્યાનો ઉકેલ પચીસ ગાઉ દૂર જંગલમાં રહેતા એક ઋષિ આપી શકે એમ છે. છોકરો ત્યાં જવા નીકળ્યો રસ્તામાં તેને એક મહિલાએ મદદ કરી અને કહ્યું કે મારી દીકરી ક્યારે બોલતી થશે એ તે ઋષિને પૂછી આવજે. એ પછી એક જાદુગરે તેને બરફાચ્છાદિત પર્વત પાર કરવામાં મદદ કરી અને કહ્યું કે મારો મોક્ષ ક્યારે થશે એ સવાલ ઋષિને પૂછી આવજે.

હવે જોઈએ આગળની વાત.

જાદુગરે પોતાની છડીની મદદથી પર્વત પસાર કરાવી દીધો એટલે છોકરો આગળ ચાલતો થયો. તે વિશાળ તળાવ સુધી પહોંચ્યો. તે છોકરાને તરતા આવડતું નહોતું અને એ તળાવ એટલું વિશાળ હતું કે તેના માટે એ ઓળંગવાનું અશક્ય હતું. તે મૂંઝાઈને ઊભો રહ્યો. એ વખતે એક કાચબો તળાવના કિનારે આવ્યો. એણે માણસની ભાષામાં તે છોકરાને પૂછ્યું કે તું કંઈ મૂંઝવણમાં છે?’

છોકરાએ એને બધી વાત કરી અને કહ્યું, ‘મારે આ તળાવ ઓળંગવું હતું, પણ મને તરતા આવડતું નથી. મને એમ હતું કે હું તળાવની એકબાજુથી જતો રહીશ પરંતુ આ તો આટલું વિશાળ તળાવ છે!’

એ કાચબાએ કહ્યું, ‘હું તને આ તળાવ ઓળંગવામાં મદદ કરીશ. પણ મારી એક સમસ્યા છે એનો ઉકેલ પણ ઋષિને પૂછી આવજે. હું એક મોટા સામ્રાજ્યનો રાજકુમાર છું પરંતુ એક શેતાનને મારી સાથે કંઈક વાંકુ પડ્યું એટલે તેણે મને કાચબો બનાવી દીધો. તો ઋષિને પૂછી આવજે કે મારો ઉદ્ધાર ક્યારે થશે અને હું ફરી ક્યારે રાજકુમાર બની શકીશ?’

છોકરાએ તેને વચન આપ્યું કે ‘હું ચોક્કસ આ સવાલ ઋષિને પૂછી આવીશ.’

ખુશ થઈને કાચબાએ છોકરાને પોતાની પીઠ પર બેસાડીને તળાવ પાર કરાવી દીધું.

છોકરો તળાવ ઓળંગીને ફરી ચાલતો થયો અને અંતે તે જંગલમાં તે પેલા ઋષિ પાસે પહોંચ્યો.

છોકરો ઋષિ પાસે પહોંચ્યો. એ વખતે ઋષિ એક વૃક્ષનાં છાંયડે ધ્યાનમાં બેઠા હતા. તેણે જોયું કે ત્યાં તેના જેવા ઘણા માણસો પોતપોતાની સમસ્યાઓ લઈને ઋષિ પાસે આવ્યા હતા. તે છોકરો પણ બધાની સાથે ઋષિની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી ઋષિ ધ્યાનમાંથી બહાર આવ્યા. તેમણે આંખો ખોલી એ સાથે બધા આતુરતાથી તેમને સાંભળવા તેમની સામે તાકી રહ્યા. તે ઋષિએ કહ્યું કે મને ખબર છે કે તમે બધા તમારી સમસ્યાઓના ઉકેલ માટે મારી પાસે આવ્યા છો. હું તમને દરેકને તમારી કોઈ પણ ત્રણ સમસ્યાઓના સમાધાન આપીશ. બધા પોતપોતાની સમસ્યાઓ રજૂ કરવા લાગ્યા અને તે ઋષિએ તે બધાની સમસ્યાઓનો ઉકેલ આપ્યો.

પેલા છોકરાનો વારો આવ્યો એટલે તે મૂંઝવણમાં મુકાયો કે ઋષિ તો મને માત્ર ત્રણ જ સમસ્યાઓનો ઉકેલ આપશે પણ મારે તો મારી સમસ્યા સહિત ચાર સમસ્યાઓનો ઉકેલ પૂછવાનો છે. તેણે વિચાર્યું કે મારી સમસ્યા તો બહુ નાની છે. કોઈની દીકરી જન્મથી જ મૂંગી હોય અને તેના મૂંગી હોવાના કારણે લગ્ન ન થઈ શકતાં હોય તો એ સમસ્યા બહુ મોટી કહેવાય. પછી પેલા જાદુગરની સમસ્યા તેને યાદ આવી અને તેને થયું કે જાદુગરે મને મદદ ન કરી હોત તો હું બરફાચ્છાદિત પર્વત ઓળંગી ન શક્યો હોત અને આ ઋષિ સુધી પહોંચી જ ન શક્યો હોત એટલે તેની સમસ્યાનો ઉકેલ પણ પૂછાવો જોઈએ. એ પછી તેને પેલો કાચબો યાદ આવ્યો. તેને થયું કે જો એ કાચબાએ મદદ ન કરી હોત તો હું તળાવ ઓળંગી જ ન શક્યો હોત એટલે તેની સમસ્યનો ઉકેલ પણ ઋષિને પૂછવો જોઈએ.

તેણે ઋષિને કહ્યું કે હું આવી રીતે દૂરદૂરથી આવ્યો હતો તો મારી સમસ્યાનો ઉકેલ પૂછવા માટે પણ તમે ત્રણ સમસ્યાઓના ઉકેલ જ આપશો તો મારી સમસ્યા વિશે હું નથી પૂછતો. મને પેલી સ્ત્રી, જાદુગર અને કાચબાની સમસ્યાઓના ઉકેલ કહો.

ઋષિએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું, ‘મારી પાસે બધા પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આવે છે પરંતુ તું પહેલો એવો માણસ મને મળ્યો છે જેણે પોતાની સમસ્યાને બદલે બીજાઓની સમસ્યાઓના ઉકેલ વિશે પૂછ્યું!’

એ પછી તેમણે કહ્યું, ‘તું એ કાચબાને કહેજે કે તારું કવચ ઊતારી નાખ એટલે તું પાછો રાજકુમાર થઈ જઈશ. જાદુગરને કહેજે કે તું તારી જાદુઈ છડી ફેંકી દે એટલે તારો મોક્ષ થઈ જશે. એનું ધ્યાન હજી પેલી જાદુઈ છડીમાં જ રહી ગયું છે એટલે તેનો મોક્ષ નથી થતો. અને પેલી સ્ત્રીને કહેજે કે તેની દીકરીના લગ્ન કરાવી નાખે એ સાથે જ તે બોલતી થઈ જશે.’

તે છોકરાએ ઋષિના ચરણસ્પર્શ કર્યા, તેમનો આભાર માન્યો અને તેમની વિદાય માગી.

એ વખતે ઋષિએ કહ્યું, હું કોઈને પણ ત્રણ જ સમસ્યાઓના ઉકેલ આપું છું. પરંતુ તેં તારી સમસ્યા પૂછી નથી એટલે મને તારા પ્રત્યે લાગણી થઈ એટલે તું તારી સમસ્યાઓમાંથી બહાર આવી શકે એ માટે હું ઈશ્ર્વરને પ્રાર્થના કરીશ.’

છોકરો ખુશ થતો થતો પાછો વળ્યો. તે તળાવના કિનારે પહોંચ્યો ત્યાં પેલો કાચબો તેની રાહ જોઇને ઊભો હતો. કાચબાએ તેને તળાવ પસાર કરીને સામાં કિનારે પહોંચાડી દીધો. તે છોકરાએ કહ્યું કે તું તારું કવચ ઊતારી નાખ એટલે તું ફરી રાજકુમાર થઈ જઈશ. કાચબાએ એવું કર્યું એ સાથે એના કવચમાંથી સાચા મોતીનો ઢગલો થઈ ગયો અને એક અત્યંત સોહામણો રાજકુમાર એ છોકરાની સામે પ્રગટ થઈ ગયો.

તે રાજકુમારે તેને કહ્યું, ‘તું આ બધા જ મોતી તારી સાથે લઈ જા મારે આની કંઈ જરૂર નથી. તેં મારા પર મોટું ઋણ કર્યું છે એટલે હું તને મારા રાજ્યમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવીશ.’

એ પછી તે છોકરો પેલા પર્વત પાસે પહોંચ્યો ત્યાં પેલો જાદુગર તેની રાહ જોઈને બેઠો હતો. છોકરાએ તેને કહ્યું, ‘ઋષિએ કહ્યું છે કે તમે જાદુઈ છડી ફેંકી દેશો તો તમારો મોક્ષ થઈ જશે.’

જાદુગરે કહ્યું, ‘હું આ જાદુઈ છડીનો ત્યાગ કરું છું. આ છડી હું તને ભેટ આપી દઉં છું. તું આ છડી ઘુમાવીશ એટલે તને જે જોઈએ એ તું મેળવી શકીશ.’

જાદુગરે છોકરાના હાથમાં જાદુઈ છડી મૂકી અને એ સાથે જ તે ગાયબ થઈ ગયો. છોકરાએ જાદુઈ છડી ઘુમાવીને કહ્યું, ‘મને પર્વતની પેલી બાજુ પહોંચાડી દે’. બીજી જ ક્ષણે તે પર્વતની બીજી બાજુએ હતો.

એ પછી તે પેલા મહેલમાં પહોંચ્યો. તેણે ત્યાં રહેતી સ્ત્રીને કહ્યું, ‘તમારી દીકરીનાં લગ્ન કરાવી દો તો એ બોલતી થઈ જશે.’

તે સ્ત્રી ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું, ‘તેં મારી છોકરીની સમસ્યાનો ઉકેલ આણ્યો છે એટલે હું મારી દીકરીનાં લગ્ન તારી સાથે જ કરાવી દઉં છું. તારાથી સારો બીજો છોકરો મને ક્યાં મળશે!’ તેણે તરત જ પંડિતોને બોલાવ્યા તે છોકરા સાથે તેની દીકરીનાં લગ્ન કરાવી દીધાં.

લગ્ન થયા એટલે એ છોકરી બોલતી થઈ ગઈ. તે ગરીબ અનાથ છોકરાના લગ્ન થઈ ગયા તેની પાસે જાદુઈ છડી આવી ગઈ તેને તે સ્ત્રીએ તેને પોતાની બધી સંપત્તિ આપી દીધી. બીજી બાજુ પેલો રાજકુમાર તેના સામ્રાજ્યમાં પહોંચ્યો ત્યાં તેના પિતા મુત્યુ પામ્યા એટલે તે રાજા બન્યો. તેણે તે છોકરાને પોતાનો સલાહકાર બનાવી દીધો.

દોસ્તો, આ તો એક પ્રતીકાત્મક પ્રાચીન કથા છે. પણ આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ વાર્તાનો સાર એ છે કે કોઈ વ્યક્તિ બીજાનું ભલું કરે તો તેનું પણ સારું થતું હોય છે. માણસે સ્વકેન્દ્રી રહેવાને બદલે એ રીતે વિચારવું જોઈએ કે હું બીજાઓને કઈ રીતે મદદરૂપ બની શકું. બીજાઓની તકલીફ કઈ રીતે ઓછી કરી શકું. તો તેના એવા વિચારોને કારણે બીજા ઘણા લોકો સુખી થઈ શકે, ખુશ થઈ શકે અને તેના થકી બીજા માણસોને મદદ મળી શકે. બીજાઓને ખુશી આપીને તે પણ ખુશ થઈ શકે. એટલે બીજાઓને સુખી કરીને માણસ પોતે ખુશ થઈ શકે. અને બીજા લોકોને મદદરૂપ થનાર વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

174667
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com