Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
જનરેશન ગેપ: એક શાશ્ર્વત અને વૈશ્ર્વિક બીમારી

કેન્વાસ - અભિમન્યુ મોદીઆપણે વાત કરવી છે, વડીલોની, વૃદ્ધોની, ઉંમરલાયક માણસોની. ખાસ તો સિનિયર સિટિઝનની. જૂની પેઢી અને નવી પેઢીના યુવાનો વચ્ચેના સંબંધની. બંને વચ્ચે ઘડાતા અજીબ સંબંધના તાણાવાણાથી સર્જાતા જનરેશન ગેપની.

જનરેશન ગેપ. આ ટર્મિનોલોજી ઘણી જનરેશનથી સાંભળતા આવ્યા છીએ. અલબત્ત, જનરેશન ગેપનો મહિમા એટલે કે તણાવ સદીઓ જૂનો છે. ઉમરમાં જૂની થઇ જતી પેઢીને નવી પેઢી સાથે ફાવતું નથી કે પછી વાઈસે વર્સા પણ છેલ્લે બંને વચ્ચે તિરાડોની તકરાર થયા વિના રહેતી નથી. જનરેશન ગેપ શબ્દ અને તે લેબલ નીચે વિચ્છેદ થઇ રહેલા સંબંધોનાં એટલાં બધાં ઉદાહરણો સતત જોવામાં આવે છે કે હવે દુખને બદલે કંટાળો આવે છે. જે સાચવવા પડે એને સંબંધ કઈ રીતે કહેવાય? એ જ દુખદ આશ્ર્ચર્યજનક બાબત છે કે જેમના થકી જન્મ્યા છીએ અને જેમની સાથે રહ્યા છીએ એવા સ્વજનો સાથે ફાવે કેમ નહિ? સાવ સગા આપ્તજનો ઉપર નફરત થઇ જાય એવા સંજોગો પેદા થઇ જ કઈ રીતે શકે?

જનરેશન ગેપનાં ઘણાં બધાં કારણો હશે, પણ તે બધાનાં નિવારણ વ્યવહારુ રીતે પણ શક્ય હોય જ છે, પરંતુ બધાં કારણોની ભીતરમાં એક સામાન્યતા છે: સમજનો અભાવ. હા, સમજવાની વૃત્તિનો લોપ શરૂ થાય એટલે સંબંધ નબળા પડવાની શરૂઆત થઇ જાય. જોકે વ્યક્તિને પોતાને એમ જ લાગતું હોય છે કે મને કોઈ સરખી રીતે સમજી નથી શક્યું અને એવું વિશ્ર્વના તમામ માણસો વિચારતા હોય છે. અને કમનસીબે બધા સાચા છે, કારણ કે પૂરી રીતે તો કોઈ કોઈને સમજી શકતું જ નથી. વૈજ્ઞાનિક રીતે તે અશક્ય છે.

તાર્કિક રીતે એ માગણી થોડી વધુ પડતી પણ લાગી શકે. ક્ધિતુ, સ્વજનને પૂરા ન સમજી શકીએ તો કંઈ નહિ, એમને બને એટલા વધુ સમજવાનો પ્રયત્ન તો કરીએ. આ પ્રયત્ન જ નથી દેખાતો અને માટે જનરેશન ગેપ રાજ કરે છે આપણાં કુટુંબોમાં. સમજ બહુ જરૂરી છે, ફક્ત સંબંધમાં જ નહિ જિંદગીના કોઈ પણ તબક્કામાં. આ વ્યક્તિ આવા સમયે અને આ ઉંમરે આવું વર્તન શું કામ કરી રહી હશે, આવું કરવા પાછળનાં કારણો કયાં કયાં હોઈ શકે, આ વર્તન સિવાયના બીજા ઓપ્શન એમની પાસે કયા હશે અને તેમણે તે ઓપ્શન શું કામ પસંદ ન કર્યા, તે વ્યક્તિ મને કઈ રીતે જોતી હશે ઈત્યાદિ સમજ બહુ જરૂરી છે. સમજ ત્યારે કેળવાય જ્યારે ઠંડા કલેજે અને શાંત ચિત્તે જે તે સ્વજન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હોય તો. સુપરફિશિયાલિટી સંબંધને બટકણા બનાવે. જેટલા ઊંડાણથી તમે તેની વાતોનું, તેની ભાષાનું, તેની સ્ટાઈલનું, તેના અસ્તિત્વનું, તેના વ્યક્તિત્વનું, તેની પસંદ-નાપસંદનું, તેના ગમા-અણગમાનું એનેલિસિસ કરશો એટલી સમજણ ઘેરી બનશે અને ટ્યુનિંગ ગાઢ બનશે. અને આ વાત બંને પેઢીઓને એકસમાન ધોરણે લાગુ પડે છે. વડીલોને પણ અને નવયુવાન મિત્રોને પણ. ફોન અને સોશિયલ મીડિયાથી દુનિયા નાની ભલે થતી જતી પણ પોતીકાપણું નાનું થવું ન જોઈએ.

હવે જો સીધી દરેક પેઢીના પોઈન્ટ ઓફ વ્યુથી વાત કરીએ તો એક ક્રૂર હકીકત શરૂઆતમાં જ સમજીને સ્વીકારી લેવાની જરૂર છે કે બાળકો અને મા-બાપ, યુવાનો અને વડીલો વચ્ચે જ્યારે પણ તણાવ સર્જાય ત્યારે વાંક ફક્ત યુવાન પેઢીનો નથી હોતો. ઊલટાનું ઘણા કિસ્સામાં વડીલોનો વાંક વધુ હોય છે. ભલે વૃદ્ધાશ્રમ, ઘરડાઘર, ઓલ્ડ એજ હોમ, સેક્ધડ ઇનિંગ્સ હાઉસ, સિનિયર સિટિઝન કેમ્પની સંખ્યા વધતી જાય પણ એ ફક્ત બગડતી જતી નવી પેઢીનો સૂચકાંક નથી. હું ખુદ મળ્યો છું ઘણા ટ્રસ્ટીઓને કે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે. એ લોકોનું કહેવાનું ચોંકાવનારું હોય છે. એક ભાઈએ તો સિત્તેરથી એંશી ટકા વાંક વડીલોનો હોય છે ત્યાં સુધી કહેલું. અને એ ખોટું નહિ હોય, કારણ કે બાગબાન એ અધૂરી ફિલ્મ છે, રિયાલિટી નથી. ઘણા વડીલોનો અભ્યાસ કરતાં, તેમને નજીકથી જોતાં, તેમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતાં સામ્યતા એ સામે આવે છે કે ઉંમર વધતાં તેઓ જિદ્દી અને અક્કડ થઇ જાય છે. કસરતના અભાવે શરીરથી તો ખરા જ પણ મનથી વધુ. તે લોકોમાં ઘણી વખત એક છૂપું અભિમાન દેખાય છે અનુભવોનું. ઓફ કોર્સ, તેઓ પાસે અનુભવની આંખ છે જે યુવા પેઢી પાસે નથી પણ તેના અનુભવો અને તેની જ વિચારસરણી મુજબ દુનિયા ચાલે એવી જીદ પણ વધુ પડતી છે. ઉપર આપણે રમકડાની વાત કરીને? માટી સુકાઈ જાય પછી બરડ બની જાય પણ જો એ લચીલી રહે તો તૂટી ન શકે. વડીલોમાં આવી જતું અક્કડપણું, એક જાતની રિજિડિટી જ તેમનો દુશ્મન બની જાય છે નવી પેઢી સાથે.

શું કામ વડીલો ભાષામાં આવતા બદલાવને સ્વીકારી નથી શકતા? નવા નવા શબ્દો ઉમેરતા જશે અને નવી પેઢીને એ જ ગમશે. એ ઉપરાંત ટેક્નોલોજી. વડીલોને કોઈ ડિવાઈસ ન સમજાય તો એને શીખવા માટે ઘણા બધા રસ્તા છે, ઇવન બાળકો પણ એ શિખવાડવા તૈયાર હોય છે. પણ કોઈ કારણ વિના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ટીકા કરવાનો તો કોઈ ફાયદો નથીને. સ્માર્ટફોનની આદિ એવી આ નવી સ્માર્ટ જનરેશન સ્માર્ટ વર્ક કરવા ટેવાયેલી છે જે વડીલોને કદાચ શોર્ટકટ લાગી શકે પણ એનો મતલબ એ તો નથીને કે એ ખોટું જ હોય. એના પછી પ્રોબ્લેમ આવે લાઈફસ્ટાઈલ, કપડાં-ફેશનને લઇને. તો એક સિમ્પલ વાત સમજવાની છે કે પૃથ્વીરાજ કપૂર જેવાં કપડાં દિલીપ કુમાર ન પહેરતા અને યુસુફસાહેબ જેવાં રાજેશ કાકા ન પહેરતા. પેઢી દર પેઢી ફેશન ટ્રેન્ડ્સ ચેન્જ થતા રહે જ છે. એમાં કપડાની લંબાઈ કે ડિઝાઈનને લઇને ગોકીરો કરવાથી વિખવાદ વધે છે. યુવાનો પાસે પોતાનું રક્ષણ કરવાની આવડત છે, પ્રોટેક્શનના નામે તેમને પીંજરામાં પૂરવાની વાત ખોટી છે. નવી પેઢીને ગમતી વાતોમાં રસ લેવામાં આવે, તેમના ફેવરિટ ટાઈમપાસ - ગેમ્સ, રખડવું, એપ્લિકેશન વગેરેમાં રસ લેવામાં આવે તો ધીમે ધીમે સમજાશે કે તેઓમાં પણ દિલ ધબકે છે. તેઓ પણ લાગણીશૂન્ય નથી. તેઓને પણ તમારી પરવા છે ખરી. અને હા, માંદું માણસ કોઈને વધુ સમય ન ગમે. બાળકને અમે ઉછેરેલા માટે એ અમારી ઘડપણમાં સેવા કર્યે જ રાખે એવો ધરારનો હઠાગ્રહ સાવ બેબુનિયાદ છે.

જેન્યુઈન બીમારી હોય, કુદરતી રોગ હોય તો વાત જુદી છે. પણ કસરતના અભાવે, પૂરતી હલનચલનના અભાવે, બગડી રહેલા સ્વભાવને કારણે તે લોકો આપણી સેવા કરે તેવી માગણી અયોગ્ય જ નહિ પણ અમાનવીય છે. યુવાનોને સમજવા સાથે તેમની ઉપર વિશ્ર્વાસ મૂકવો સૌથી વધુ અગત્યનું છે. વિશ્ર્વાસ નથી, તો કંઈ જ નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2346iv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com