Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
જનનાયક ટંટ્યા મામા -૨

ઈતિહાસ પાછળનો ઈતિહાસ - પ્રફુલ શાહટંટ્યા મામા, ટંટ્યા મામા... ચોમેર આ શ્રદ્ધા અને વિશ્ર્વાસસભર પોકાર વચ્ચે ટંટ્યા ભીલ જાતજાતની લોકવાયકાઓ વહેવાની શરૂ થઈ ગઈ હતી. એ સમયે તો ઠીક આજે ય ઘણાં વિસ્તારના આદિવાસીઓ એમને દેવતાથી માંડીને ચમત્કારિક પુરુષ ગણે. કહેવાતું કે એમની પાસે અલૌકિક શક્તિ હતી, જેના પ્રતાપે એક જ સમયે તેઓ ૧૫૦૦-૧૭૦૦ ગામમાં સભાઓ યોજતા હતા. એક હકીકત એવી છે કે બ્રિટિશ પોલીસ, જાસૂસો અને ઈર્ષાળુઓથી બચતા રહેવા માટે ટંટ્યા મામા ટોળીમાં દૂરથી પોતાના જેવા દેખાતા અને એવા જ વસ્ત્ર-પરિધાન કરાવનારા પાંચ-સાત સભ્યો રાખતા હતા અને પોલીસને ગુમરાહ કરવા એક જ સમયે પોતાના નામ સાથે અલગ અને વિરોધાભાસી દિશામાં લૂંટ ચલાવે. પોલીસવાળાય મુંઝાય કે દોડવું કઈ તરફ?

કેવા દેખાતા હતા ટંટ્યા મામા? પાંચ ફૂટ ઊંચા, ઘેરો શ્યામ વર્ણ અને હૃષ્ટપુષ્ટ શરીર, સાથે તલવાર અને ફરસી એટલે ટંટ્યા મામા. એમની વધતી તાકાત અને પ્રજાકીય સ્વીકૃતિ-ભક્તિ સૌને શીતળદાયી ન લાગે એ સમજી શકાય છે. હિતશત્રુઓ તાકમાં જ બેઠા હતા કે મોકો મળે એટલે ટંટ્યા મામાનો ઘડોલાડવો કરી નાખીએ.

મુખબિરોનીનાં ટોળા રીતસર બધે ટંટ્યા મામાના સગડ સૂંઘતા ફરે. જો કે ટંટ્યા મામા માટે પકડાવું મોટી વાત નહોતું, તો જેલમાંથી ભાગી જવાનું ય મોટી બાબત નહોતી. પોલીસ સતત ટેન્શનમાં રહે પણ મામા એકદમ મસ્ત. જાની દુશ્મન શિવા પટેલના ભાઈ હેમંતે પોલીસને માહિતી આપીને ટંટ્યાને પકડાવી દીધા. એમને ખંડવાની જેલમાં પૂરી દેવાયા.

પોલીસ મૂછને વળ દે કે નિરાંતનો શ્ર્વાસ લે એ અગાઉ જેલમાં કંઈક રંધાવા માંડ્યું. જેલની અંદર ટંટ્યાને એક યુવાન અને સશક્ત ભીલ કેદીને મળવાનું થયું. દોલ્યા નામના આ યુવાન સાથે ટંટ્યા મામાનું મન મળી ગયું. અંગ્રેજ અમલદારો અને પોલીસવાળા ટંટ્યાને કાળા પાણીની સજા કરીને કાયમ માટે નિરાંત અનુભવવાની ફિરાકમાં હતા, ત્યાં ત્યારે ટંટ્યા-દોલ્યાના મનમાં એક યોજના આકાર લઈ ચૂકી હતી.

કોર્ટમાં લઈ જવાની તૈયારી વચ્ચે ટંટ્યા મામાએ ફરજ પરના પોલીસ પર કબજો મેળવી લીધો, તો શક્તિશાળી દોલ્યાએ ઝડપભેર કોઠડીના સળિયા વાળીને બહાર જવાનું આસાન કરી દીધું. પછી હિન્દી ફિલ્મની માફક આ બન્ને કેદીઓ પોલીસના ગણવેશમાં રફુચક્કર થઈ ગયા.

આને લીધે જેલ અને પોલીસના અમલદારોમાં સોંપો પડી ન જાય તો નવાઈ. ન જાણે કેટલામી વાર ટંટ્યા મામા હાથતાળી આપી ગયા. હાથકડી હોય કે જેલ કોટડી, સળિયા કે જેલની દીવાર મામા કોઈના રોક્યા રોકાતા નહોતા. પોલીસવાળાને સૂઝતું નહોતું કે હવે કરવું શું, ને ભાગેડુને શોધવા ક્યાં? પણ ટંટ્યા મામાને બરાબર ખબર હતી કે ક્યાં જવાનું છે, ને શું કરવાનું છે. તેઓ સીધા પહોંચી ગયા ખબરી હેમંત પટેલ પાસે. એને વૈકુંઠધામ પહોંચાડીને મામાએ જે કર્યું એ જોઈને ઘણાંના મોઢા ખુલ્લાં રહી ગયાં. ટંટ્યાએ શિવા પટેલની દીકરી જશોદા સાથે લગ્ન કરી લીધાં. પછીથી બહાર આવ્યું કે એ તો જૂની પ્રેમિકા હતી. કહેવાય છે કે આ જશોદા શોષણખોર શિવા પટેલની ઉપ-પત્નીનું સંતાન હતી અને એ ટંટ્યાને ગુનેગાર માનતી જ નહોતી.

પરંતુ લગ્ન બાદ જીવનમાં શાંતિ કે સ્થિરતાનું નામ-ઓ-નિશાન નહિ. અંગ્રેજો માટે તો ટંટ્યા મામા એક બાગી હતા, લૂંટેરા હતા ને ડાકુ હતા, પરંતુ ગરીબ અને લાચારોના આ મસિહા પર ખૂબ-ખૂબ આશીર્વાદ હતા. સૌ જાણતા હતા કે આ લૂંટારો જાનનું જોખમ લઈને લૂંટ ચલાવતો હતો, પણ બધી ધન-દૌલત ગરીબગરુબામાં વહેંચી દેતો હતો.

હવે અંગ્રેજ પોલીસ પણ ટંટ્યાની પદ્ધતિ સમજવા માંડી. ટંટ્યાને ધીરે-ધીરે તાત્યા કહેવા લાગ્યા. ઈતિહાસમાં ઉપરછલ્લો ઉલ્લેખ મળે છે કે ૧૮૫૭ની ક્રાંતિના એક આગેવાન તાત્યા ટોપેએ ટંટ્યાને ગોરિલ્લા યુદ્ધની તાલીમ આપી હતી. હકીકતમાં ટંટ્યા મામાનો સાચો ઉદય પણ ૧૮૫૭ પછીની અવધિમાં થયો હતો.

અંગ્રેજો ૧૮૫૭ની ક્રાંતિની આગમાં બરાબરના દાઝયા હતા. માંડ માંડ મરતા બચી ગયા એમ નિર્વિવાદપણે કહી શકાય. એટલે હવે ટંટ્યા મામા જેવા કોઈ રોબિનહુડને બર્દાશ્ત ન કરી શકે એ સમજી શકાય. એમનો કાંટો કાઢી નાખવા માટે અંગ્રેજો એકદમ મચી પડ્યા.

બબ્બે હજાર સૈનિકો પણ પકડી નહોતા શક્યા એ ટંટ્યા ભીલને જેર કરવા કઈ રીતે? ખુદ અંગ્રેજ સૈનિકો ઉપરીને ફરિયાદ કરતા કે એ દેખાય અને તરત જ આંખો સામેથી ઓઝલ થઈ જાય તો અમારે કરવું શું? કહેવાય છે કે લૂંટફાટ કર્યા બાદ ટંટ્યા ભીલ પોતાની ટોળી સાથે હોલકર રાજ્યમાં જઈને સંતાઈ જતા હતા. અંગ્રેજોની લૂંટાયેલી માલમતા અને શસ્ત્રોનો એમની સામે જ ઉપયોગ થતો હતો.

પછી તો ટંટ્યા મામા પર શિવા પટેલની હત્યાનો આરોપ પણ મુકાયો. એક પછી એક આરોપ લગાડવા સાથે અધધધ ઈનામની જાહેરાત કરાઈ. ટંટ્યા મામાને પકડાવનાર કે માહિતી આપનારને અંગ્રેજ સરકારે ૨૫ હજાર અને ઈંદોર રાજ્યે ૨૦ હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. લગભગ ૧૨૫ વર્ષ અગાઉ જેના માથા પર આટલું મોટું ઈનામ જાહેર કરાય એનાથી બ્રિટિશ સલ્તનત કેટલી બધી ફફડતી હશે?

આટલું બધું કરવા છતાં ન ટંટ્યાના સગડ મળે કે ન માહિતી. હવે બ્રિટિશરોએ બહાદુરી છોડીને ગંદી રમત આદરી. અભણ આદિવાસીઓ વચ્ચે જાહેરાત થવા લાગી કે ટંટ્યા મામા સામેના બધા આરોપ પાછા ખેંચી લેવાયા છે, તેમને સરકારે માફી આપી દીધી છે. એક પછી એક કાવતરા વચ્ચે ટોળકીના જ કોઈ ગદ્દાર થકી ટંટ્યા મામાને પોલીસે પકડી લીધા. શરૂઆતમાં એમને ઈંદોરની જેલમાં રખાયા ને પછી જબલપુર લઈ જવાયા. જેલમાં એમના પર ભયંકર અને અમાનુષી અત્યાચાર આચરાયા, પણ વીર તો હસતે મુખે બધું સહન કરતા રહ્યા. ન્યાયનું નાટક કરીને ૧૮૮૯ની ૧૯મી ઑક્ટોબરે ફાંસીની સજા સંભળાવાઈ. અંતે ક્રોધે ભરાયેલા અંગ્રેજોએ ૧૮૮૯ની ચોથી ડિસેમ્બરે એમને ફાંસીએ લટકાવી દીધા. એમનો પાર્થિવદેહ ખંડવા-ઈંદોર નજીકની રેલવે લાઈન પર કાલાપાની સ્ટેશન પાસે ફેંકી દેવાયો. આજે ય સ્થાનિક વિસ્તારમાં એમની પુણ્યતિથિએ રજા પળાય છે, ત્યાં મામાનું મંદિર બનાવાયું છે. ક્યાંક એવોય ઉલ્લેખ મળે છે કે ફાંસીએ લટકાવવાને બદલે ગોળી મારીને એમની હત્યા કરાઈ હતી.

આપણા ઈતિહાસકારોએ આદિવાસીઓની વેદના અને સંઘર્ષની ઘોર અવગણના કરી હતી. ટંટ્યા મામા પર પણ ઝાઝી કે સવિસ્તાર વિગતો ઉપલબ્ધ નથી. મધ્ય પ્રદેશના મુકેશ ચૌક્સેને આ વિષય પર ફિલ્મ બનાવવી હતી, તો ખાસ કંઈ હાથ ન લાગ્યું. આની કથા-પટકથાને વ્યવસ્થિત ઓપ માટેની સામગ્રી લંડનની બ્રિટિશ લાઈબ્રેરીમાંથી મેળવવી પડી હતી. ‘ટંટ્યા ભીલ’ નામની ફિલ્મમાં મુકેશે લેખક અને દિગ્દર્શક ઉપરાંત નાયકની જવાબદારી ય નિભાવી હતી. આ ફિલ્મમાં ટંટ્યાના ગુરુની ભૂમિકા કાદર ખાને ભજવી હતી. અગાઉ આ રોલ રાજેશ ખન્ના કરવાના હતા, પણ એમની નાદુરસ્ત તબિયતને લીધે એ શક્ય બન્યું નહોતું.

તાત્યા ટોપેની શ્રદ્ધા, વિશ્ર્વાસ અને તાલીમના હકદાર અને રાણી લક્ષ્મીબાઈથી પ્રેરણા મેળવનારા આ વીર માટે લોકકથામાં આવા ઉલ્લેખ મળે છે -

લૂંટતા થા અમીરો કો,

ગરીબો કા થા હિતકારી,

મિટાને મેં લગા થા વો,

જમીનદારો કી બેગારી

ભીલો પર અકથ અન્યાય,

સહ નહિ પાતા થા,

છુડાને જા પહુંચતા થા,

અપહૃત કી ગઈ નારી.

(સંપૂર્ણ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

58n721xd
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com