| મૂર્ખ મિત્ર અને દાનો દુશ્મન હોય જ નહીં કહેવતોમાં દોસ્તની હાજરી ને સમજફેર
|
|  ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
‘તુમ તકલ્લુફ કો ભી ઈખલાસ સમઝતે હો ‘ફરાઝ’, દોસ્ત હોતા નહીં હર હાથ મિલાનેવાલા.’ તકલ્લુફ એટલે ડોળ કે શિષ્ટાચાર અને ઈખલાસ એટલે એખલાસ કે મૈત્રી. ઉર્દૂ ભાષાના દમદાર શાયર અહમદ ફરાઝનો આ શેર દોસ્ત - ફ્રેન્ડ વિષે અત્યંત માર્મિક વાત કરે છે. મોટાભાગના લોકો આજે સંબંધોમાં સ્વાર્થ શોધતા જ હોય છે. મિત્ર તરીકે ઓળખ આપતી વખતે એ વ્યક્તિ ખરેખર મિત્ર છે કે માત્ર એક ઓળખાણ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. અત્યારે સાથ આપવા કરતા સાધન બનાવનારા લોકો વધારે મળતા હોય છે. એટલે ફરાઝ સાહેબનો શેર સમજવા જેવો છે કે દરેક વ્યક્તિ મિત્ર નથી હોતી. તો પછી મિત્ર કોને કહેવો? ટૂંકમાં કહેવું હોય તો મિત્ર એવો હોવો જોઈએ જે તમારા શબ્દો કરતા તમારા મૌનને વધારે સમજે. સુખમાં કદાચ સાથે ન હોય પણ દુ:ખમાં તો પડખે જ હોય તે તમારો મિત્ર છે. મિત્ર, દોસ્ત, સખા વિષે ઘણું લખાયું છે. એની ઘણી કહેવતો સુધ્ધાં છે. આજે આપણે એક એવી કહેવત વિષે વિગતે જાણીએ જે કોઈ કારણસર બદલાઈ
ગઈ છે.
‘મૂરખ મિત્ર કરતા દાનો દુશ્મન સારો’ એ કહેવતથી તમે જરૂર પરિચિત હશો. દાનો એટલે સમજદાર કે ડાહ્યો માણસ. મૂરખ માણસની દોસ્તી કરવાથી એની મૂર્ખાઈ ક્યારેક મુસીબતને નોતરું આપી દે છે. એટલે મૂર્ખની મૈત્રી કરવાથી દૂર રહેવું. એના કરતા ખાનદાન શત્રુ સારો જે નુકસાન તો ન પહોંચાડે એવો આ કહેવતનો ભાવાર્થ છે. અલબત્ત આ કહેવત વિચિત્ર અને વિપરીત અર્થ ધરાવે છે એવો મત ભાષાના કેટલાક અભ્યાસુઓએ વ્યક્ત કર્યો છે. પહેલો સવાલ તો એ ઊભો થાય છે કે જે વ્યક્તિ મૂરખ હોય એને કોઈ મિત્ર બનાવે? સંકટના સમયે સહાય કરવા દોડી આવે એનું નામ મિત્ર. કોઈ મૂરખ વ્યક્તિ કપરા સમયે મદદરૂપ થાય એ વિચાર જ અવાસ્તવિક લાગે છે. હવે વાત કરીએ દાના દુશ્મનની. જે માણસ ડાહ્યો, સમજદાર કે ઉદાર દિલવાળો હોય એની કોઈની સાથે દુશ્મનાવટ હોય ખરી? સમજદાર વ્યક્તિ તો ગેરસમજની ગૂંચ ઉકેલવામાં મદદ કરે. એટલે દાનો દુશમનની વાત ગળે નથી ઊતરતી. હા, મૂરખને કોઈ મિત્ર નથી હોતો કે પછી મૂરખને ઉપદેશ ન દેવાય એવી કહેવતો છે ખરી.
------------
લોકબોલીનાં રત્નો
ભાષાની ભરપૂર મીઠાશ ધરાવતા અને ટૂંકા શબ્દોમાં ઘણી વાર વિશાળ અર્થ સમજાવી દેતા વધુ કેટલાંક લોકબોલીનાં રત્નો આજે આપણે તપાસીએ. તળપદી લહેકો અને ઠાઠ હોવાને કારણે આ રત્નો વાંચવાની તો મજા આવે જ છે, પણ એ વાંચીને ઘણી વાર હેરત પામી જવાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં વધુ ચલણમાં જોવા મળતા ગાલાવેલી નામના રત્નથી શરૂઆત કરીએ. ગાલાવેલું એટલે ભોળું, ઓછી સમજણ ધરાવતું અને ગાંડુઘેલું એવો અર્થ થાય છે. કોઈ મહત્ત્વની વાતમાં ઘરની દીકરી કે વહુ હાસ્યાસ્પદ વાત કરે ત્યારે ‘આવી સાવ ગાલાવેલી શું થાશ?’ એવું કહેવાતું હોય છે. આજનું બીજું રત્ન છે ગાડવો જે પણ તળપદો શબ્દ છે જેનો અર્થ છે ચોખાથી ભરેલો કુંભ. ગર્ભવતી વહુ - દીકરીને સીમંત બાદ ગાડવો દઈને પિયર સુવાવડ માટે મોકલવામાં આવે છે. આ સિવાય માટીનું નાના અને સાંકડા મોંનું ઘડા જેવું ઘી કે તેલ ભરવાનું વાસણ પણ ગાડવો તરીકે ઓળખાય છે. બીજો એક મજેદાર લોકબોલીનો શબ્દ છે ખેપાની. મોટેભાગે ઘરના તોફાની કે ભારાડી બાળક માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સંતાન ખેપાની હોવાથી એને કોઈના ઘરે રોકવા મોકલતા માતા-પિતાને સંકોચ થતો હોય છે. ઉસવાળી એટલે કે ખારાશવાળી કઠણ જમીન ખારોપાટ તરીકે ઓળખાય છે. એ જમીનમાં અનાજ વાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ સાવ ખારોપાટ છે. આવું જ એક બીજું મજેદાર રત્ન છે કાંટોકાંટ. કપટ કર્યા વિના બરાબર તોલેલું કે સરખી રીતે વજન કરેલું એટલે કાંટોકાંટ. દામજીભાઈ પાસેથી જ અનાજ ને તેલ લેવાનું રાખજે કારણ કે એ કાંટોકાંટ આપે છે. ખાંગું એટલે ખંડિત. મંદિરમાં પૂજા માટે ખાંગી મૂર્તિ ન રખાય. |
|